રાજકોટઃ અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી વહી હતી અને જોતજોતામાં ભાવનગર જિલ્લાના ટીંબી ગામે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થઇ ગયું હતું. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા અને કેનેડાના સાંસ્કૃતિક પ્રવાસે છે, જે અંતર્ગત 26 એપ્રિલે ન્યૂ જર્સીના બેલવિલ સ્થિત ઓમ મંદિરના હોલમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાસ્યની છોળોની સાથે માનવતાની મહેક પણ પ્રસરી હતી.
નિર્દોષાનંદજી હોસ્પિટલ-ટીંબીના લાભાર્થે યોજાયેલા આ કાર્યક્રમ માટે ડો. મહેશ લીંબાણી, ડો. નટુભાઈ રાજપરા, હોસ્પિટલના પ્રમુખ ધનસુખ દેવાણી, જય ધડૂક, અશોક બરવાળીયા અને ધર્મેશ સુહાગીયાએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે મુની સેવા આશ્રમના ડો. વિક્રમ પટેલ, ન્યૂ યોર્કના ડો. યોગેન્દ્ર પટેલ તેમજ બાલ્ટીમોરના બકુલ વિરડીયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં દાતાઓએ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી. જેમાં વિનોદ શુક્લે 36,000 ડોલરનું માતબર દાન જાહેર કર્યું હતું. જ્યારે જય ધડૂકે 30,000 ડોલર અને ડો. મહેશ લીંબાણીએ 10,000 ડોલરનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત અન્ય દર્શકો દ્વારા મળેલી નાની-મોટી રકમના દાન સાથે 1,00,000 (એક લાખ) ડોલર જેવું માતબર ભંડોળ એકત્ર થયું હતું, જે ભારતીય ચલણ મુજબ આશરે એક કરોડ રૂપિયા જેટલું થવા જાય છે.
જરૂરતમંદ દર્દીઓ માટે વપરાશે નાણાં
ડો. જગદીશ ત્રિવેદીના આ હાસ્ય કાર્યક્રમ થકી એકત્ર થયેલી આ જંગી રકમ નિર્દોષાનંદજી હોસ્પિટલમાં આવતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર તથા હોસ્પિટલના વિકાસલક્ષી કાર્યોમાં વપરાશે. વિદેશની ધરતી પર વસતા ગુજરાતીઓએ પોતાની માતૃભૂમિની સંસ્થા માટે બતાવેલી આ ઉદારતાની ચોમેર પ્રશંસા થઈ રહી છે.


