નેવાડા (યુએસ): ફન એન્ડ પ્લેફૂલ તરીકે જાણીતા પેન્ટ્સ પર ભગવાન ગણેશની તસવીરને ખૂબ અયોગ્ય ગણાવીને હિંદુઓએ ઉગ્ર વિરોધ કર્યા પછી ટકાકા (ચાસ્માન, ન્યૂઝીલેન્ડ) ખાતે મુખ્યમથક ધરાવતી મેરીપોસા ક્લોધિંગે તેને માર્કેટમાંથી હટાવી લઈ હિંદુઓની માફી માંગી હતી. મેરીપોસા ક્લોધિંગના ટ્રેસી બ્રિગ્નોલે હિંદુ રાજનેતા રાજન ઝેડને ઈમેઈલ પાઠવી લખ્યું હતું કે મેરીપોસાએ પેન્ટ્સ વેચાણમાંથી ખસેડી લીધાં છે. કોઈ ગુનો કરવાનો અમારો સહેજ પણ ઈરાદો ન હતો અને અમે સૌની માફી માગીએ છીએ.
યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રેસિડેન્ટ રાજન ઝેડે એક નિવેદનમાં હિંદુ સમાજની ચિંતાને સમજવા માટે મેરીપોસા ક્લોધિંગ અને બ્રિગ્નોલનો આભાર માન્યો હતો. ઝેડે સૂચવ્યું હતું કે મેરીપોસા ક્લોધિંગ જેવી કંપનીઓએ તેમના સિનિયર એક્ઝિક્યુટિવ્સને ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતાની ટ્રેનિંગ માટે મોકલવા જોઈએ જેથી તેઓ નવી પ્રોડક્ટ્સ દાખલ કરે અથવા એડવર્ટાઈઝિંગ કેમ્પેઈન શરૂ કરે ત્યારે તેમને ગ્રાહકો અને સમાજની લાગણીઓની સમજ હોય.
હિંદુ રાજનેતા રાજન ઝેડે જણાવ્યું હતું કે હિંદુ ધર્મમાં ભગવાન ગણેશજી ખૂબ પૂજનીય છે અને તે મંદિરો તેમજ ઘરમાં પૂજાય છે. તેઓ કોઈના પગની શોભા વધારવા માટે નથી. કોમર્શિયલ અથવા અન્ય હેતુસર હિંદુ દેવી-દેવતાઓનો અથવા તેમના પ્રતીકોનો અયોગ્યપણે ઉપયોગ કરવાનું ઉચિત નથી કારણકે તેનાથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાય છે.
તેમણે ઉમેર્યું હતું કે હિંદુ ધર્મ સૌથી પ્રાચીન ધર્મો પૈકીનો એક ધર્મ છે અને વિશ્વભરમાં તેના ૧.૨ બિલિયન જેટલા અનુયાયી છે. હિંદુ ધર્મમાં તત્ત્વચિંતનના સમૃદ્ધ વિચારો છે તેને નજરઅંદાજ કરી શકાય નહિ. નાના અથવા મોટા કોઈ પણ ધર્મના પ્રતીકોનો દુરુપયોગ કરી શકાય નહિ.