પ.પૂ. મહંતસ્વામીનું અમદાવાદ વિચરણ

Wednesday 12th September 2018 06:25 EDT
 
 

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે વિરાજીને સત્સંગ લાભ આપી રહ્યા છે. અહીં નિત્ય વહેલી સવારે પાંચ વાગે તેઓના પ્રાતઃપૂજાના દર્શન માટે હજારો હરિભક્તોનો સમુદાય ઉમટે છે. ગયા સપ્તાહ દરમિયાન સ્વામીશ્રીએ વિવિધ કાર્યક્રમોનો લાભ આપ્યો હતો. પ્રાતઃપૂજા દરમિયાન સંગીતજ્ઞ સંતો અને યુવાનોએ વિવિધ ભક્તિપદો પ્રસ્તુત કર્યા હતા. સાથે સાથે નાના ભૂલકાઓએ પણ વિવિધ મુખપાઠની પ્રસ્તુતિ દ્વારા પૂ. મહંત સ્વામીને વિશેષ પ્રસન્ન કર્યા હતા.

તા.૮ સપ્ટેમ્બરે ‘સંયમ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં એકાદશીનું મહત્ત્વ અને આહારશુદ્ધિ વિશે સંતોએ માર્ગદર્શન સાથે પ્રેરક પ્રવચનો આપ્યા હતા. તા.૯ સપ્ટેમ્બરે સંધ્યા સત્સંગ સભામાં બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ BAPS મંડળના બાળકોએ વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ ‘વનરાજ’ રજૂ કરીને આધ્યાત્મિક સંદેશ આપ્યો હતો. તેના પર વિશેષ પ્રકાશ પાડતા પૂ. મહંત સ્વામીએ જણાવ્યું હતું કે આપણે આત્મા છીએ. પરંતુ, અજ્ઞાનને કારણે પોતાનું સ્વરૂપ શરીર માની બેઠા છીએ. આપણું સાચું સ્વરૂપ શરીર નથી છતાં અજ્ઞાનરૂપી અંધકારને કારણે આપણે આપણું સાચું સ્વરૂપ આત્મા ભૂલી ગયા છીએ. તેમણે ઉમેર્યું હતું કે સાચા સત્પુરુષનો યોગ થાય તો આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે.

પૂ. મહંત સ્વામીએ સતત પાંચ દિવસ સુધી હજારો હરિભક્તોને ‘સમીપ દર્શન’નો લાભ આપ્યા હતો.

તા.૧૧ સપ્ટેમ્બરે સાંધ્ય સભામાં ‘ઈ વિવેક દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ટી.વી., મોબાઈલ, ઈન્ટરનેટ વિવેક વિશે બાળકો અને યુવાનો દ્વારા કાર્યક્રમ રજૂ કરાયો હતો. તા.૧૨ સપ્ટેમ્બરે કાર્યકર દિન અને તા.૧૩ સપ્ટેમ્બરે પૂ. મહંત સ્વામીની જન્મ જયંતિની ગુરુ ભક્તિ દિન તરીકે ઉજવણી કરવામાં આવશે. પૂ.મહંત સ્વામી તા.૨૩ સપ્ટેમ્બરને રવિવાર સુધી અમદાવાદમાં વિચરણ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter