બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ ગોધરા ખાતે વિચરણ કરી રહ્યા છે. અગાઉ, તા.૨૮ જુલાઈ સુધી પૂ. મહંત સ્વામીએ બોચાસણમાં વિચરણ કર્યું હતું. તે દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પૂ. મહંત સ્વામીના દિવ્ય સાનિધ્યમાં તા. ૨૭ જુલાઈને શુક્રવારે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. પૂ. આત્મસ્વરૂપદાસજીએ ‘ગુરુનું સેવનઃ મન, કર્મ, વચનથી’ ને કેન્દ્રીય વિચાર રાખીને સૌને ગુરુપૂર્ણિમા પર્વનો મહિમા સમજાવ્યો હતો. પૂ. મહંત સ્વામીએ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ કરી હતી. તેમણે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે ગુરુ વિના પરમાત્માની સાચી દિશા જડતી નથી. ગુરુને જીવ અને જગદીશ વચ્ચેનો સેતુ ગણાવીને પૂ. મહંત સ્વામીએ ગુરુપૂર્ણિમાને મહાન ગુરુએ ચીંધેલા માર્ગે ચાલવાની દ્રઢતા કરવાનો અવસર ગણાવ્યો હતો. પૂ. મહંત સ્વામીએ વિશ્વશાંતિ તથા સમગ્ર માનવજાતની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી પછી પૂ. મહંત સ્વામીએ મહાન પરંપરાને આગળ ધપાવી છે. તા.૨૮ને શનિવારે ગોધરા પહોંચેલા પૂ. મહંત સ્વામીનું સંતો અને હરિભક્તોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ગોધરામાં પૂ. મહંત સ્વામી દરરોજ સવારે અને સાંજે હરિભક્તોને દર્શન અને સત્સંગનો લાભ આપી રહ્યા છે. આશીર્વચનમાં પૂ.મહંત સ્વામી સૌને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપી રહ્યા છે. પૂ.મહંત સ્વામી ગુરુવારને તા.૨ ઓગસ્ટે બોડેલી જશે.


