પ.પૂ.મહંતસ્વામીએ અમદાવાદમાં જળઝીલણી એકાદશીએ ઠાકોરજીને જળવિહાર કરાવ્યો

Wednesday 26th September 2018 07:20 EDT
 
 

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. તેઓ તા.૨૩ સપ્ટેમ્બરે અમદાવાદથી સારંગપુર આવી પહોંચતા હરિભક્તો અને સંતો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પૂ. મહંત સ્વામી સાંજે પ્રમુખ દર્શન વાટિકામાં હરિભક્તોને દર્શનનો લાભ આપી રહ્યા છે. અગાઉ, અમદાવાદ ખાતે તેમની નિશ્રામાં વિવિધ દિનની ઉજવણી કરાઈ હતી. પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવતા હરિભક્તોને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપી હતી. તા.૧૭મીએ ગ્રામ્ય દિન અંતર્ગત સાચી ઉપાસનાની સમજ અપાઈ હતી. તા.૧૮મીએ શિશુ દિન નિમિત્તે ૧૬૦ બાળકોએ તસ્મયે શ્રી ગુરવે નમઃ વિષય પર ૨૦ મિનિટ નૃત્ય રજૂ કર્યું હતું. તા.૧૯મીએ સમજણદિન નિમિત્તે કૌટુંબિક, આર્થિક અને દેખાદેખી આ ત્રણ બાબતે થતાં ટેન્શનમાંથી કેવી રીતે મુક્તિ મેળવવી તેની સમજ લઘુ સંવાદ અને ગોષ્ઠિના માધ્યમથી અપાઈ હતી. પૂ. મહંત સ્વામીએ વિશેષ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પ્રાપ્તિનો વિચાર કર્યા કરીએ તો ટેન્શન નીકળી જાય. તા.૨૦મીને જળઝીલણી એકાદશીએ પૂ. મહંત સ્વામીએ પ્રાતઃપૂજા દરમિયાન ઠાકોરજીને જળકુંડમાં જળવિહાર કરાવ્યો હતો. બાદમાં તેમણે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાવ્યું હતું. તા.૨૧મીએ પૂ. મહંત સ્વામી સાથે કાર્યકરોની સત્સંગલક્ષી પ્રશ્રોત્તરીનું આયોજન કરાયું હતું. તા.૨૨મીએ અમદાવાદમાં નવા નરોડામાં જે સંસ્કારધામનું નિર્માણ થવાનું છે તે હરિકૃષ્ણ મહારાજની ભાવતુલા રાખવામાં આવી હતી. આગામી તા.૨૮મીએ સારંગપુરમાં સ્મૃતિપર્વની ઉજવણી નિમિત્તે જાહેર સભા યોજાશે. પૂ. મહંત સ્વામી તા. ૨૯ને શનિવારે સારંગપુરથી ભાવનગર જવા પ્રસ્થાન કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter