લંડનઃ ભારતીય મૂળના રછપાલ રંધાવાએ સત્તાવાર ડાઈવોર્સ ડોક્યુમેન્ટ પર પોતાની પત્ની કેવલ રંધાવાની બનાવટી સહી કરી દેવાથી ડાઈવોર્સ થઈ ગયા હતા પરંતુ, પત્નીને તેની જાણ 12 વર્ષે થતાં કાનૂની મુદ્દો ઉપસ્થિત થયો છે. ફેમિલી કોર્ટના જજ મોરાડીફારે મહિલાને પોતાના ડાઈવોર્સ અંગે કોઈ જાણકારી ન હોવાથી ડાઈવોર્સ રદબાતલ ઠરાવતો અને પતિ અથવા તેના વતી કોઈએ પત્નીની બનાવટી સહી કરી હોવાનો ચુકાદો આપ્યો છે.
રછપાલ અને કેવલ રંધાવાએ અનુક્રમે 19 અને 16 વર્ષનાં હતાં ત્યારે 1978માં સ્લાઉ રજિસ્ટ્રાર ઓફિસ, બર્કશાયર ખાતે લગ્ન કર્યાં હતાં. દંપતીએ પ્રોપર્ટીના સોદાઓ મારફત થોડી સંપત્તિ પણ ઉભી કરી હતી. તેઓ 2009માં અલગ થયા હતા. આ પછી, રછપાલ રંધાવા બીજી મહિલા સાથે રહેવા ગયો હતો અને 2011માં તેની સાથે લગ્ન કર્યા પછી તેમને એક બાળક પણ છે.
મિસિસ રંધાવાએ જણાવ્યું હતું કે તેના પતિને અન્ય સ્ત્રીથી બાળક હોવાની અફવાઓ તેણે સાંભળી હતી પરંતુ, તેની સાતે લગ્ન કર્યા હોવાની કોઈ જાણકારી ન હતી. તેણે સ્વીકાર્યું હતું કે તેઓ અલગ થયા હતા પરંતુ, તેઓના લગ્ન યથાવત હોવાનું જ તે વિચારતી હતી. કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે દંપતી પતિ અને પત્ની તરીકે પારિવારિક કાર્યક્રમોમાં હાજરી આપતા હતા. મિ. રંધાવાએ દાવો કર્યો હતો કે બાળક તેનો પૌત્ર હતો જેનો જન્મ, દંપતીના 14 વર્ષની વયે મોત પામેલા પુત્રના રિપ્રોડક્ટિવ કોષોના ઉપયોગથી થયો હતો.
જજ મોરાડીફારે 2010ની ડાઈવોર્સની ડીગ્રીને રદબાતલ ઠરાવી જણાવ્યું હતું કે ડાઈવોર્સ વિના મુશ્કેલીએ આગળ વધે તેવો એકમાત્ર હેતુ મિ. રંધાવાનો હતો. આ ચુકાદાના પગલે બીજી વખત લગ્ન કરી ચુકેલો પતિ દ્વિપત્નીત્વનો અપરાધી હોવાની શક્યતા ઉભી થઈ છે. પતિનું બીજું લગ્ન ઈંગ્લિશ કાયદા હેઠળ માન્ય છે કે નહિ તેના પર આ બાબત આધાર રાખે છે.


