પટેલબંધુઓ દ્વારા કિંગ ચાર્લ્સ તૃતીયના મ્યુરલના સર્જન સાથે તાજપોશીની ઉજવણી

Tuesday 09th May 2023 02:42 EDT
 
 

લંડનઃ ભારતીય મૂળના કળાકાર ભાઈઓ યશ અને જિજ્ઞેશ પટેલે પશ્ચિમ લંડનમાં ભારતીયોની વધુ વસ્તી ધરાવતા હંસલો વિસ્તારમાં કિંગ ચાર્લ્સ તૃતીયના મ્યુરલ સાથે તાજપોશીની ઉજવણી કરી હતી. અગાઉ, આ ભાઈઓએ ક્વીન એલિઝાબેથ દ્વિતીયને આદરાંજલિ આપતા આવાં જ મ્યુરલનું પેઈન્ટિંગ કર્યું હતું. ફંડના અભાવે ક્વીનનું મ્યુરલ નિસરણીઓનો ઉપયોગ કરી બનાવવું પડ્યું હોવાથી પેઈન્ટિંગ સમગ્રતયા દોરી શકાયું ન હતું.

કિંગનું મ્યુરલ તૈયાર કરનારી ટીમના હિસ્સારુપ 20 વર્ષના યશ પટેલે કહ્યું હતું કે,‘આપણે એવા જ કિંગ જોઈએ જેઓ આપણા બધાનું પ્રતિનિધિત્વ કરે.’ આ મ્યુરલ નવા કિંગને આવકાર આપતી શુભચેષ્ટા હોવાની સાથે જ તેઓ ભારત સહિત 53 દેશોના કોમનવેલ્થના વડા છે તેને માન્યતા પણ આપી રહ્યું છે.

જિજ્ઞેશ પટેલે કહ્યું હતું કે,‘આનો વિષય કોમનવેલ્થ છે. આપણે પણ કોમનવેલ્થમાં છીએ. ભારત પણ કોમનવેલ્થનો હિસ્સો છે. આપણે અહીં તમામ કોમનવેલ્થ દેશોના રાષ્ટ્રધ્વજ મૂકીને કોમનવેલ્થના વડા તરીકે કિંગને વધાવીએ છીએ.’ કિંગના મ્યુરલનો આરંભ પહેલી મેથી કરાયો હતો. અને હવે તે પૂર્ણ થઈ ગયું છે. ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા અને પહેલા પેઈન્ટર બનવા ઈચ્છતા બાબ્જી વુંડાવિલ્લીએ આ કાર્યને સ્પોન્સર કર્યું હોવાથી દીવાલની સમગ્ર લંબાઈ અને પહોળાઈને આવરી લેવાઈ છે.

યશ પટેલના પિતા અને આર્ટિસ્ટ રોહિત પટેલે કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશીને ઉજવવા મ્યુરલ પેઈન્ટિંગ માટેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘આ કિંગ માટે હોવાની સાથોસાથ કોમ્યુનિટી દ્વારા અને કોમ્યુનિટી માટે પણ છે.’ યશ પટેલે કહ્યું હતું કે,‘મારા પિતાએ પેઈન્ટિંગની ડિઝાઈન કરી તે પછી તેને દરેક અલગ બ્લોક્સમાં વિભાજિત કરાઈ હતી અને તેના ઉપયોગ થકી અમે આ સર્જન કર્યું છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter