૧૫ વર્ષથી પડોશીને પજવતી ૭૯ વર્ષીય મહિલાને આખરે જેલ

Wednesday 06th February 2019 02:06 EST
 
 

લંડનઃ છેલ્લાં ૧૫ વર્ષથી પોતાના પડોશી સામે ‘હેટ કેમ્પેન’ ચલાવનારી લેસ્ટરશાયરના કાસલ ડોમિંગ્ટનની ૭૯ વર્ષીય મહિલા કેથલીન નીલને ૨૮ દિવસની જેલની સજા કરવામાં આવી હતી. નીલ વર્ષોથી તેની ૬૮ વર્ષીય પડોશણ સુસાન બ્રુક્સ અને તેના ૭૧ વર્ષીય પતિ કીથને પજવતી હતી. તે તેમના મકાનની પાંચ ફૂટ ઉંચી દીવાલ ચડીને તેમના ગાર્ડનમાં ઉતરતી અને છોડના કૂંડામાં પેશાબ નાખતી, કૂંડા પાડી નાખતી અને તેમને બ્લેન્ક ફોન કોલ્સ કરતી હતી.

નીલ તેમને તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં એટલે કે કાઉન્સિલ હાઉસ પાછા ચાલ્યા જવા ધમકી આપતી હતી. બ્રુક્સ અને કીથ ૪૦૦,૦૦૦ પાઉન્ડની પ્રોપર્ટીમાં ૨૦૦૨માં રહેવા આવ્યા તેના એક વર્ષ પછી નીલે તેમને પરેશાન કરવાનું શરુ કર્યું હતું.

સીસીટીવી ફૂટેજમાં નીલ પડોશીના છોડના કૂંડા પાડી નાખતી અને વાડની પેનલને તોડતી જણાઈ હતી. તેની ગેરહાજરીમાં નોટિંગહામ કાઉન્ટી કોર્ટે ત્રીજી ફેબ્રુઆરીએ સજા સંભળાવી હતી. કોર્ટે નીલ સામે ૨૦૧૬માં ફરમાવાયેલા મનાઈહુકમના સાત ભંગ બદલ લીગલ કોસ્ટ તરીકે ૪,૩૨૩ પાઉન્ડ ચૂકવવા તેને આદેશ કર્યો હતો. લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું હતું કે તેની સામે વોરંટ ઈશ્યૂ કરાયું હતું અને ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરાઈ હતી. કોર્ટે જણાવ્યું હતું કે તેને ૮મી ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ હાજર કરાશે.

બ્રુક્સે જણાવ્યું હતું કે પોતે કાઉન્સિલ હાઉસમાં ઉછરી હતી તેને લીધે નીલ હેરાન કરતી હતી તે જાણીને પોતાને નવાઈ લાગી હતી. નિવૃત્ત થયા અગાઉ બ્રુક્સ કેરર્સને રોજગારી આપવાના બિઝનેસમાં હતી. તેમના પતિ કીથ મેન્ટેનન્સ એન્જિનિયર હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter