લંડનઃ પરિણીત યુગલોની ટીમો પેન્શનરોના લાખો પાઉન્ડની ચોરીનાં કૌભાંડ આચરી રહી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પેન્શન્સ રેગ્યુલેટરે જણાવ્યું હતું તેઓ બચતકારોને તેમના પેન્શનના નાણાં ઉપાડી લઈને બોગસ ટ્રફલ ફાર્મ્સ અથવા રબર પ્લાન્ટેશન જેવી અસ્તિત્વમાં ન હોય તેવી સ્કીમોમાં મૂડી રોકાણ કરવાનું જણાવીને તેમના નાણાંની ઉચાપત કરે છે. ૨૦૧૫માં અમલમાં આવેલાં ફેરફાર મુજબ બચતકારો પેન્શન ભંડોળમાંથી તેમના નાણાં ઉપાડી શકે છે.
સ્કેમ રિપોર્ટીંગ સર્વિસ ‘એક્શન ફ્રોડ’ એ જણાવ્યું હતું કે આવા કૌભાંડી લોકો દ્વારા ૨૦૧૭માં સરેરાશ ૯૧,૦૦૦ પાઉન્ડ સાથે લગભગ ૧૨૩ મિલિયન પાઉન્ડની ઠગાઈ થઈ હતી. નિષ્ણાતો મુજબ આ છેતરપિંડીનો ભોગ બનેલા ઘણાં બચતકારો શરમના માર્યા ફરિયાદ પણ નોંધાવતા નથી. પેન્શન એક્સપર્ટ ફર્સ્ટ એક્ચુરિયલના ડિરેક્ટર હેન્રી ટેપરે જણાવ્યું હતું કે બચતકારોએ કંપની પેન્શનના નાણાં ઉપાડીને કાયદેસરની સ્કીમોમાં રોકવા જોઈએ.
ભૂતપૂર્વ લિબરલ ડેમોક્રેટ પેન્શનર્સ મિનિસ્ટર સર સ્ટીવ વેબે જણાવ્યું હતું કે ઠગાઈ કરનારા ઘણાં લોકો પીડિતો આગળ પોતાની ઓળખ પતિ અને પત્ની અથવા ફેમિલી ઓરિએન્ટેડ ટીમ્સ તરીકે આપે છે. તેમણે ઉમેર્યું હતું કે ઘણી વખત એવું બન્યું છે કે ઠગાઈનો ભોગ બનેલી વ્યક્તિ સાથે આપણે વાત કરીએ તો તે એમ જ કહે કે તેઓ માનતા હતા કે ઠગાઈ કરનારા લોકો તેમના મિત્ર હતા. આ બધું જ ઈરાદાપૂર્વક થતું હતું. પ્રોજેક્ટ બ્લૂમ તરીકે જાણીતા મલ્ટિ એજન્સી ઈન્વેસ્ટિગેશનમાં આ કૌભાંડોનો પર્દાફાશ થયો હતો. તપાસમાં પેન્શન્સ રેગ્યુલેટર, સરકારી વિભાગો, પોલીસ અને એન્ટિ-ફ્રોડ એજન્સીઓ સામેલ થઈ હતી.
અગાઉ નાદારી નોંધાવી ચૂકેલા ૫૩ વર્ષીય ડેવિડ ઓસ્ટિન આવી એક ટોળકીનું સંચાલન કરતા હતા. તેમાં તેમની ૨૫ વર્ષીય પુત્રી કેમિલા સામેલ હતી. તેમણે ટ્રફલ ફાર્મ સહિત ૧૧ બનાવટી સ્કીમોમાં રોકાણ કરવા સમજાવીને ૨૪૫ બચતકારો સાથે ૧૩.૭ મિલિયન પાઉન્ડની ઠગાઈ કરી હતી.
ટેલર બ્રધર્સ એલન અને રસેલની ગેંગ દ્વારા ૨૦૦ લોકો સાથે ૧૭ મિલિયન પાઉન્ડની છેતરપિંડી કરાઈ હતી. પોલીસે એલન પાસેથી ૮૦,૦૦૦ પાઉન્ડની ઘડિયાળો, બન્નેની માલિકીનું ૧૫૦,૦૦૦ પાઉન્ડનું એસ્ટન માર્ટિન વોલેન્ટ અને ૪૫,૦૦૦ પાઉન્ડની બોટ જપ્ત કરી હતી. તાજેતરમાં સાઉથ વેલ્સના પોર્ટ ટાલ્બોટના સ્ટીલ વર્કરો આવી ઠગાઈનો ભોગ બન્યા હતા.


