પત્નીની હત્યા કરનારા શંકાશીલ પતિને આજીવન કેદની સજા

Wednesday 26th June 2019 02:50 EDT
 
 

લંડનઃ હથોડા અને ધારિયાથી પોતાની ૫૪ વર્ષીય પત્ની સઈદા હુસેનની ઘૃણાસ્પદ હત્યા કરનારા શંકાશીલ પતિ મુહમ્મદ જાવેદને ઓલ્ડ બેઈલી કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે. પતિના હાથે વર્ષો સુધી હિંસા અને અત્યાચારનો શિકાર બનેલી સઈદા હુસેનની ગત ફેબ્રુઆરીએ ઈસ્ટ લંડનના ઘરના લિવિંગ રુમમાં હત્યા કરાઈ હતી. ઈલ્ફર્ડના ૫૯ વર્ષના હત્યારાએ ઓછામાં ઓછાં ૨૦ વર્ષ જેલના સળિયા પાછળ વીતાવવા પડશે.

પાંચ સંતાનોની માતા સઈદા પતિ સાથે જ રહેતી હતી. મુહમ્મદને શંકા હતી કે તેની પત્નીને કોઈની સાથે પ્રેમસંબંધ છે અને તેના પર નજર રાખવા તેણે ઘરમાં સીસીટીવી પણ મૂકાવ્યા હતા. કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે સઈદાને ધારિયાથી ઓછામાં ઓછાં ૪૬ વખત તેમજ હથોડાથી સંખ્યાબંધ ઈજા પહોંચાડાઈ હતી.

પતિ અને પત્ની સાથે જ યુકે આવ્યાં હતાં. સઈદા હુસેનને બ્રિટિશ નાગરિકત્વ મળ્યું હતું પરંતુ, મુહમ્મદને બ્રિટનમાં રહેવાની પરવાનગી અપાઈ ન હતી. તેમના બાળકોએ જણાવ્યું હતું કે યુકેમાં ગેરકાયદે રહી કામ કરતા મુહમ્મદને દેશનિકાલ કરી દેવાશે તેના ભયે સઈદાએ તેના પરના અત્યાચારો વિશે ફરિયાદ કરી ન હતી.

જજ રેબેકા પોલેટે જણાવ્યું હતું કે, ‘પત્ની આખી જિંદગી ભય હેઠળ જ જીવી હોવા વિશે મને જરા પણ શંકા નથી.’ તેમણે ઉમેર્યું હતું કે વર્ષોની હિંસા અને શોષણ પછી પણ સઈદા હુસેનની પતિ તરફની લાગણી ઘટી ન હતી અને બાળકો તેનું સન્માન જાળવે તેવો આગ્રહ રાખતી હતી. જાવેદે આવેશમાં ધારિયું અને હથોડો હાથમાં પકડ્યો ન હતો પરંતુ, પત્ની પર હુમલો કરવાના ઈરાદા સાથે જ તે શેડમાંથી લાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter