પદ્મશ્રી આણંદજીભાઇને ૮૮મી જન્મજયંતિએ ખૂબ ખૂબ વધાઇ

-જ્યોત્સના શાહ Tuesday 09th March 2021 14:26 EST
 
 

બોલીવુડ સંગીતની સુવિખ્યાત બેલડી કલ્યાણજી આણંદજીના પદ્મશ્રી આણંદજીભાઇની બીજી માર્ચના રોજ ૮૮મી વર્ષગાઠ નિમિત્તે અભિનંદન પાઠવી એમની સંગીતભરી સફરની મોજ માણીએ.

નામ એવા ગુણ. આનંદી પ્રકૃતિ. મોજીલો સ્વભાવ. પ્રસન્ન ચહેરો. રગેરગમાં ભારતીય સંસ્કાર. સૂરોના સમ્રાટ પણ નમ્રતા અને સરળતા એમના આભૂષણ.

લંડનમાં એમના દિકરી રીટાબહેન રહે એથી એમની લંડનની આવન-જાવન સારી એવી રહેતી. દરમિયાન તંત્રીશ્રી સી.બી.ને મળવા"ગુજરાત સમાચાર" કાર્યાલયમાં આવતા અને તંત્રીમંડળ સાથે અલક-મલકની વાતોનો ખજાનો ખૂલતો. આ કચ્છી માડુ બંધુઓએ ૧૯૫૪માં "નાગિન" ફિલ્મમાં સંગીત આપી બોલીવુડ જગતમાં એન્ટ્રી કરી. “મન ડોલે, મેરા તન ડોલે...”માં બીનની નોટ વધારવા નવું વાજીંત્ર ફ્રાન્સમાં બનેલ ક્લેવોલીનનો પ્રયોગ કર્યો અને સફળતાની સીડીના પગરણ મંડાયા. ક્રમશ: કીર્તિનો આંક ઊંચો જતો ગયો. એ જમાનાના મોટા ગજાના સંગીતકારો એસ.ડી.બર્મન, મદન મોહન, નૌશાદ અને શંકર જયસિંહ સામે ટક્કર ઝીલી પોતાની લીટી લાંબી કરી.

૨૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું જેમાંની ૧૭ ફિલ્મોએ ગોલ્ડન જ્યુબીલી ઉજવી. ૨૯ ફિલ્મોએ સિલ્વર જ્યુબીલી કરી અને "કોરા કાગઝ" ફિલ્મને નેશનલ અને ફિલ્મફેર એવોર્ડ મળ્યો. ૧૯૬૯માં રીલીઝ થયેલ સરસ્વતિચંદ્ર ફિલ્મને નેશનલ એવોર્ડ અને કલ્યાણજી આણંદજીના સંગીતને બેસ્ટ મ્યુઝીક એવોર્ડ મળ્યો.

એમના સંખ્યાબંધ હીટ ગીતો , “ ચાહે દૂર હો, ચાહે પાસ હો...”, તુમ્હે યાદ હોગા, કભી હમ મિલે થે...”, ડમ ડમ ડીગા ડીગા, મૌસમ ભીગા ભીગા..”, ગોવિંદા આલા રે...આલા..જરા મટકી સંભાલ બ્રીજબાલા..”ચાંદ સી મહેબૂબાહો મેરી કબ, ઐસા મૈને સોચા થા...”પરદેશીયોંસે ના અંખીયા મિલાના...”, મેરે દેશકી ધરતી, સોના ઉગલે, ઉગલે હીરે મોતી...”, ચંદન સા બદન, ચંચલ ચિત્તવન..”, "જિંદગી કા સફર, યે કૈસા સફર, કોઇ સમઝા નહિ, કોઇ જાના નહિ...જીવનસે ભરી તેરી આંખે મજબૂર કરે જીને કે લીયે, સાગર ભી તરસતે રહતે હૈ, તેરે રૂપકા રસ પીનેકે લીયે..”, “હૈ પ્રીત જહાં કી રીત સદા, મૈં ગીત વહાં કે ગાતા હું, ભારતકા રહનેવાલા હું, ભારતકી બાત સુનાતા હુઁ.." વગેરે આજે ય આપણા મનને ડોલાવે છે.

એમના આ અનુદાનને કારણે ભારત સરકાર તરફથી પદ્મશ્રી જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ સહિત અનેક એવોર્ડ્સ એમના નામે નોંધાયા છે. તાજેતરમાં ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ મુંબઇના શન્મુખાનંદ હોલમાં સૂર ફાઉન્ડેશન જ્યોત્સના તરફથી શ્રી દેવેન્દ્ર ફડનવીસના હસ્તે એમનું સન્માન થયું હતું.

ફિલ્મજગતની ઝાકઝમાળભરી દુનિયામાં તેમણે દારૂની બદીથી દૂર રહી શુધ્ધ શાકાહારી રહીને સંસ્કારોનું જતન કરવા સાથે જે સિધ્ધિ મેળવી છે એનાથી એક ગુજરાતી તરીકે આપણને જરૂર ગૌરવ ઉપજે. એમના પત્ની શાંતાબહેન એમની દેશ- વિદેશની ટૂરોમાં સદાય સાથે હોય અને કલાકારો માટે રસોઇના બંદોબસ્તનો વહિવટ સંભાળે. એમની ટૂરમાં સામેલ થનાર કલાકારોને સ્ટેજ શો દરમિયાન દારૂને અડવાનું નહિ અને શાકાહાર કરવાના નિયમોનું પાલન કરવું પડે.

પાછળથી એમણે જૈન હોવાના નાતે ધાર્મિક આલ્બમો બહાર પાડ્યાં જેમાં ‘ઉવસ્સગર્હમ્ સ્તોત્ર’ આલ્બમ ખૂબ જ લોકપ્રિય બન્યું. મારી ૭ વર્ષની પૌત્રી કરીના પણ એ સાંભળી શુધ્ધ ઉચ્ચારોથી ગાતી થઇ ગઇ. એ એના પ્રભાવનું પરિણામ છે.

માનનીય આણંદજીભાઇ, આપના તંદુરસ્તભર્યા સદાબહાર દીર્ઘાયુ જીવન માટે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ પરિવાર સમગ્ર ગુજરાતી સમાજ તરફથી શુભકામના પાઠવે છે. તુમ જીઓ હજારો સાલ….


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter