પરિવર્તનશીલ સમાજના ચહેરા પર વર્તમાન અને ઉજ્જવળ ભાવિના એંધાણ

-જ્યોત્સના શાહ Wednesday 22nd June 2022 07:03 EDT
 
તસવીરમાં (ડાબેથી) કિશોરભાઇ વોરા (શેડો કો-ઓર્ડીનેટર), પરેશભાઇ મહેતા (કો-ઓર્ડીનેટર), દિલિપભાઇ મીઠાણી ( પ્રેસિડેન્ટ), નીતીનભાઇ મહેતા, ઇલાબહેન શાહ, સમીર સંઘરાજકા.
 

સુજ્ઞ વડિલો અને સૌ વાચક મિત્રો,
આપની સમક્ષ લગભગ ત્રણેક મહિનાના લાંબા વિરામ બાદ પુન: હાજર થઇ રહી છું. આ સમય દરમિયાન પત્રકાર જીવ હોવાના નાતે ચિંતનની પ્રક્રિયા તો માનસપટલ પર ચાલુ જ રહે! કારની જેમ જગત નિયંતાએ મગજમાં કોઇ બ્રેક મૂકી નથી એટલે કામના કે કામ વગરના અનેક વિષયો મગજમાં ચક્કર મારતા જ રહેતા હોય છે. આજથી ચાળીસેક વર્ષ અગાઉ અમે લંડન આવ્યા ત્યારના સમાજ અને આજના સમાજમાં અદ્ભૂત પરિવર્તન આવ્યું છે. પરિવર્તન તો વિકાસની પ્રક્રિયાનો એક હિસ્સો છે.
એક જમાનામાં લંડનમાં મકાન ભાડે રાખવું હોય કે નોકરી શોધવી હોય તો....આપણા ભાઇ-બહેનોને ધોળે દા'ડે તારા જોવા જેવો અનુભવ થતો. પરિણામે ફરજિયાત ધંધો કરવો પડતો. અરે! ધંધા માટે લોન પણ હાઇ સ્ટ્રીટ બેંકો આપતી ન હતી. એવા સમયે ભારતીય બેંકો ખાસ કરીને બેંક ઓફ બરોડા એમની વ્હારે આવેલ. ભાષા, પહેરવેશ, વેધર જેવા અસંખ્ય પ્રશ્નોનો સામનો કરવો પડતો.
અને આજે ! આજે તો આપણી યુવા પેઢીએ પ્રોફેશ્નલ, મેડીકલ, ઇન્ડસ્ટ્રીયલ, ફાર્માસ્યુટીકલ, ટેકનીકલ, રાજકારણ જેવા અનેકવિધ ક્ષેત્રોમાં નામ અને દામ કમાવા સાથે પોતાની વગ ઉભી કરી છે. એક સમય હતો જ્યારે ભારતીયોની ઉપેક્ષા થતી. હવે એ ભૂતકાળ બની ગયો. વર્તમાનમાં લંડનની કાયાપલટ થયેલી આપણે જોઇ શકીએ છીએ.. ભારતીયો અત્ર-તત્ર-સર્વત્ર સન્માનિત બન્યા છે. વૈશ્વિક ક્ષેત્રે ભારતનું ગૌરવ વધ્યું છે. આજે ભારતની શાન-માન-પ્રતિષ્ઠાનું મહત્વ સ્વીકારાયું છે. આ બધું કાંઇ રાતોરાત નથી બન્યું. આપણા સંગીન અનુદાન, તપશ્ચર્યા અને સાધનાનો એ પ્રભાવ છે. એમાં ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ફાળો અણમોલ છે. વિશ્વમાં એમણે ભારત અને ભારતીયોની ગૌરવવંતી છબિ ઉપસાવવા માટે આદરેલ પ્રયાસોનું આ પરિણામ છે. એમને શ્રધ્ધા છે કે ભવિષ્યમાં ભારત વિશ્વનું ગુરૂ બનશે. આખું વિશ્વ ૨૧ જુનના રોજ યોગા ડે ઉજવતું થઇ ગયું એ એનું ઉજ્જવળ ઉદાહરણ છે.
આપણે આપણા ભૂતકાળ પર એક દ્રષ્ટિ કરી આજની સિધ્ધિ વિષે ચિંતન કરીએ તો ઉજ્જવળ ભવિષ્ય માટે આશાવાદ અને આત્મવિશ્વાસ જાગે એ નિ:શંક છે.
આપણા જીવનમાં અચાનક કોરોના મહામારીનું આગમન થતાં દુનિયાભરમાં હાહાકાર મચી ગયો. હળવા-મળવા પર પ્રતિબંધ લાગી ગયો. એમાંથી બહાર નીકળવા લેટેસ્ટ ટેકનોલોજી આપણી વ્હારે આવી. વર્ચ્યુઅલ કાર્યક્રમોનો જન્મ થયો. ઘરની ચાર દિવાલોમાં નવો પ્રાણ ફૂંકાયો. કુટુંબભાવ વધ્યો. કરૂણા જાગી. સમયનું અને ફેમિલી સભ્યો તેમજ સમાજનું મૂલ્ય સમજાયું. હવે કોરોનાનો ભય જતા જનજીવન થાળે પડતું ગયું. એ સાથે જ સામાજિક-સાંસ્કૃતિક-ધાર્મિક કાર્યક્રમો યથાવત્ ચાલુ થઇ ગયા ને પુન: મિલન-મેળાવડાનો આરંભ થઇ ગયો

નવનાત યોજીત વોલંટીયર લંચ સાથે સંગીત ભરી બપોર

-  આ જનજીવન થાળે પડ્યો એની સાક્ષી સમા એક સામાજિક કાર્યક્રમમાં હાજરી 

રવિવાર ૧૨ જુનના રોજ નવનાત વણિક એસોસિએશન યુ.કે. એ વોલંટીયર લંચનું આયોજન કર્યું હતું. એમાં મારી હાજરીનું નિમિત્ત બન્યાં કીચન કમિટીના લીડર શકુબેન શેઠ. એમાં ૨૨૫ (હા, પૂરા ૨૨૫થી વધુ) વોલંટીયર્સે હાજર રહી સૂરજદાદાની સવારી સાથેનો રવિવાર રસિક બનાવ્યો. સરસ-સ્વાદષ્ટિ ભોજન માણ્યા બાદ સભાખંડમાં સૌએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું.
મંચ પર સંગીતકારો ગોઠવાઇ ગયા. ફ્લોર પર પ્રેસિડેન્ટ શ્રી દિલિપભાઇ મીઠાણી સહિત લંચ કમિટીના કાર્યકરોની ખુરશીઓ મૂકાઇ.
સભાખડમાંથી કેટલાક ભાઇ બહેનોએ વર્ષભરના કાર્યક્રમોમાં અનુભવેલ પ્રશ્નો અને ક્ષતિઓની રજુઆત કરી. મંચ પરના લાગતા-વળગતા એક્ઝીક્યુટીવ સભ્યોએ એના ઉત્તરો આપતાં ભવિષ્યમાં એ ભૂલનું પુનરાવર્તન ન થાય એ માટેની સજાગતા રહે એની નોંધ લીધી. ભૂતકાળની ક્ષતિઓનું અવલોકન કરી ભવિષ્યના કાર્યક્રમો વધુ સુયોજીત બનાવવાની આ પ્રશ્નોત્તરીનું સંચાલન સરસ રીતે થયું. પ્રશ્નોત્તરીનો એ કાર્યક્રમ મને સ્પર્શી ગયો. આવું આયોજન મને લાગે છે દરેક સંસ્થાઓએ કરવું જોઇએ અને સેવા સાદર કરનારાઓ સેવાભાવીઓની કદર થવી જોઇએ જેથી એમનો સંસ્થા માટે કામ કરવાનો હોંસલો માત્ર જળવાઇ જ ન રહે બલ્કે વધે.
આ પ્રશ્નોત્તરી બાદ સંગીતનો કાર્યક્રમ શરુ થયો.

સેંટ લ્યુક હોસ્પીસની મીડ નાઇટ વોક માટે મનીષાબેન વાલાની અપીલ

મનીષાબેન વાલા સેંટ લ્યુક હોસ્પીસ માટે તા.૨૫-૬-૨૨ના રોજ મીડ નાઇટ વોકમાં ભાગ લઈ રહ્યાં છે.
મનીષાબેન જાણીતા યોગા ઇનસ્ટ્રક્ટર છે. છેલ્લા ૨૧ વર્ષથી તેઓ લંડનમાં યોગા શીખવે છે. નવનાત, નવજીવન વડિલ કેન્દ્ર,
સંગમ, સ્ટેનમોર મોસ્ક, એશિયન વુમન કેન્સર ગૃપ વગેરે સંસ્થાઓમાં યોગા શીખવાડી રહ્યાં છે. ભાવનગર યુનિવર્સિટીમાંથી યોગા સહિત સાયન્સ ડીગ્રી મેળવેલ છે. અત્યંત સુશીલ અને કુશળ યોગા શિક્ષક છે.
તેઓશ્રી બ્લડ ડોનેશન ચેરિટીમાં તેમજ સેંટ લ્યુક્સ હોસ્પીસ માટે ફંડ એકત્ર કરવામાં અનુદાન આપી રહ્યાં છે.
for Donation :http//www.justgiving.com/fundraising/
midnightwalk2022-manishawala

મહાવીર ફાઉન્ડેશનના કેન્ટન દેરાસરના 10મા પ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર ઉજવણી 

શુક્રવાર ૧૭ જુનથી ૧૯ જુન ૨૦૨૨ દરમિયાન મહાવીર ફાઉન્ડેશને કેન્ટન દેરાસરના ૧૦મા પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ઉત્સાહ-ઉમંગભેર કરી. ભક્તિ સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વાજતે-ગાજતે કરી એક સિમાચિહ્ન સ્થાપિત કર્યું. ત્રણ-ત્રણ દિવસ સુધી સ્વામિ વાત્સલ્ય અને વિવિધ પ્રોગ્રામો કિંગ્સબરીની જ્યુઇસ સ્કુલના વિશાળ હોલમાં હજારથી વધુ ભાવિકોએ ઉપસ્થિત રહી રંગેચંગે કરેલ ઉજવણીના સચિત્ર અહેવાલ માટે જુઓ આગામી અંક. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter