લંડનઃ આધુનિક જમાનામાં પરીક્ષામાં ચોરી કરવા વિવિધ નુસખા અપનાવાય છે ત્યારે બ્રિટનમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્પાય કેમેરા, સ્માર્ટ વોચીસ અને અદૃશ્ય ઇયરફોન્સનો ઉપયોગ વધ્યો છે. આવા સાધનોથી ચોરી કરવાનું પ્રમાણ પણ ૪૨ ટકા વધ્યું છે. ૨૦૧૬માં ગુપ્ત ડિવાઇસિસ દ્વારા ચોરી કરવાનાં ૨૧૦ કેસ નોંધાયા હતા. ચોરી કરવાના આવા ઉપકરણો ઇ-બે પર ઓનલાઇન ૧૧ પાઉન્ડમાં મેળવી શકાય છે. બ્રિટનની ૧૫૪માંથી ૪૧ યુનિવર્સિટીમાં ગણિત- વિજ્ઞાન વિષયોમાં પરીક્ષામાં સૌથી વધુ ચોરી થતી જોવાનું જણાયું હતું.
આધુનિક ટેકનોલોજીથી પરીક્ષામાં ચોરી કરવાનું પ્રમાણ ૨૦૧૨થી નોંધપાત્ર રીતે વધ્યું છે. ગમે તેટલી ચોકસાઈ કે નજર રાખવા છતાં કેટલાક સાધન પકડી શકાતાં નથી. નિષ્ણાતો માને છે કે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં કરાતી ચોરીનું પ્રમાણ ધારણા કરતાં ઘણું વધારે હોઈ શકે છે. પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા દર ચારમાંથી એક વિદ્યાર્થી આધુનિક ટેકનોલોજી ધરાવતા ફોન્સ, સ્માર્ટ વોચિસ, અદૃશ્ય ઇયરફોન્સ જેવા સાધનોનો ઉપયોગ કરતાં જણાયા હોવાનું ફ્રીડમ ઓફ ઇન્ફર્મેશને જણાવ્યું હતું.
કોવેન્ટ્રી યુનિવર્સિટીનાં એકેડમિક મેનેજર આઇરીન ગ્લેન્ડિનિંગે કહ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરવા આવા ઉપકરણનો ઉપયોગ કરતાં હોવાની જાણ તેમને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ હતી. વિદ્યાર્થિનીઓએ લાંબા વાળની પાછળ આવા સાધન છુપાવ્યા હોય તેથી તેઓ ચોરી કરતા હોવાનું ધ્યાનમાં આવતું જ નથી. લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાં ૨૦૧૨-૨૦૧૬ના ગાળામાં પરીક્ષામાં ચોરીનાં આવા ૫૪ કેસ નોંધાયા હતા. દર ત્રણમાંથી બે કેસ આધુનિક ટેકનોલોજી દ્વારા ચોરીનાં હતા. ન્યુ સલ યુનિવર્સિટીમાં ચોરીનાં ૯૧ કેસમાંથી ૪૩ ટકામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો.
નેનો એટલે માઇક્રો ઇયરફોન્સ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ કાનની કેનાલમાં ગમે ત્યાં સરળતાથી ફિટ થઈ શકે છે. ઇ-બે પર આવા વાયરલેસ કોમ્યુનિકેશન ધરાવતાં ડિવાઇસ ૩૦૦ ડોલરમાં મેળવી શકાય છે.


