લંડનઃ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની સતામણી કે જોરજૂલમની ઘટનાઓ અજાણી નથી. પરંતુ હવે પવન પલટાયો છે. શિક્ષકો પર ઓનલાઈન સતામણી કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે. એક વિદ્યાર્થીએ મહિલા શિક્ષકને નિશાન બનાવવા તેમની બનાવટી ડેટિંગ પ્રોફાઈલ તૈયાર કરી હતી. શાળાઓમાં સાયબર-બુલીઈંગનો સામનો કરતી ચેરિટીના જણાવ્યા અનુસાર તેમની મદદ હેઠળના ૩૦ ટકા અસરગ્રસ્તો વિદ્યાર્થીઓનો શિકાર બનેલા શિક્ષકો છે.
ચેરિટી ડિજિટલ યુકેના સહસ્થાપક એમા રોબર્ટસને જણાવ્યું હતું કે શક્ષકોની ઓનલાઈન સતામણી ચિંતાનો વિષય છે. શિક્ષકોને સતામણીનો શિકાર બનતા કેવી રીતે અટકાવી શકાય તે માટે શાળાઓ હવે આ સંસ્થાની મદદ લે છે. કેટલાક શિક્ષકોને સમજ પડતી નથી કે વિદ્યાર્થીઓ તેમને ઓનલાઈન કેવી રીતે શોધી શકે છે. ફેસબૂક પર બનાવટી પ્રોફાઈલ્સ બનાવી શિક્ષિકાઓ સાથે ફ્લર્ટ કરવાનું અને ડેટિંગ પર બોલાવવાનું સામાન્ય બની ગયું છે. સામેની વ્યક્તિ પુખ્ત પુરુષ હોવાનું માની મહિલાઓ તેની સાથે વાતચીત પણ કરતી રહે છે. ઘણી વખત શિક્ષિકાનો બનાવટી પ્રોફાઈલ તૈયાર કરી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવે છે અને તેને સાચી સમજી અન્ય શિક્ષિકાઓ તે સ્વીકારે છે. આમ, તેમના પ્રોફાઈલ્સની માહિતી પણ જે તે વિદ્યાર્થીની જાણમાં આવી જાય છે અને તેનો દુરુપયોગ કરવામાં આવે છે.
NASUWT યુનિયનના તાજા સર્વે અનુસાર ગયા વર્ષે ત્રીજા ભાગના શિક્ષકોની ઓનલાઈન સતામણી થઈ હતી, જેમાં મોટા ભાગના ગુનેગાર વિદ્યાર્થીઓ હતા. આવી હેરાનગતિની ફરિયાદ કરાઈ તેવા કિસ્સાઓમાં ૪૫ ટકા કેસમાં કોઈ પગલાં લેવાયાં ન હતાં, જ્યારે ૩૮ ટકા શિક્ષકોએ તેમના અંગત સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ બંધ કરી દેવાનું યોગ્ય માન્યું હતું.


