પાંચ મિલિયન બ્રિટિશ પેન્શનર્સ ફ્રોડના શિકાર બનવાનું જોખમ

Wednesday 14th August 2019 03:02 EDT
 
 

લંડનઃ ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) અને પેન્શન્સ રેગ્યુલેટરે પાંચ મિલિયન બ્રિટિશ પેન્શનર્સની બચતો સામે છેતરપિંડીનું જોખમ હોવાની ચેતવણી આપી છે. નિવૃત્તિકાળ માટે આવક વધારવાના ઝડપી માર્ગો શોધતા પેન્શનર્સ આવા ફ્રોડનો શિકાર બની શકે છે. ગયા વર્ષે પેન્શન કૌભાંડોનો શિકાર બનેલી દરેક વ્યક્તિએ સરેરાશ ૮૨,૦૦૦ પાઉન્ડ ગુમાવ્યા હતા.

FCA અને પેન્શન્સ રેગ્યુલેટર દ્વારા ૨૦૦૦ લોકોના સર્વેમાં જાણવા મળ્યું છે કે ૪૫-૬૫ વયજૂથના લોકોના ૪૦ ટકાથી વધુ હિસ્સો ફ્રી રિવ્યૂની લલચામણી ઓફરો અથવા રિટાયરમેન્ટમાં આવકો વધારી આપવાના વચનો સામે પોતાને છેતરપિંડી માટે ખુલ્લાં કરી દે છે. વોચડોગ્સને જાણવા મળ્યું હતું કે નિવૃત્તિમાં પોતાની આવક વધારવાના ઝડપી માર્ગો શોધતાં લોકો કૌભાંડોનો મોટા ભાગનો શિકાર હતા. સર્વે હેઠળના ૨૫ ટકાથી વધુ લોકોએ રોકાણ જોખમી અથવા પેન્શનની બચતો માટે અયોગ્ય લાગવા છતાં ઓવરસીઝ પ્રોપર્ટી, રિન્યુએબલ એનર્જી બોન્ડ્સ, સ્ટોરેજ યુનિટ્સ અથવા ફોરેસ્ટ્રીમાં ભારે વળતરની ઓફર્સથી લલચાયા હોવાનું જણાવ્યું હતું. ૨૩ ટકાએ તેમના પેન્શન પ્લાન્સની ચર્ચા માટે અજાણ્યા કોલર્સની સાથે વાતો કરવાની તેમજ સાત ટકા પેન્શન બચતકારોએ ટુંકી મુદતની ઓફરમાં જ તેમને મોકલવામાં આવનારા પેપરવર્ક પર તત્કાળ સહી કરવાની તૈયારી દર્શાવી હતી.

વોચડોગ્સ દ્વારા પેન્શનર્સને સોશિયલ મીડિયા, ઈમેઈલ્સ અથવા અજાવ્યા કોલર્સ દ્વારા કરાતી અનપેક્ષિત ઓફર્સ અથવા ઝડપી નિર્ણયો લેવાં કરાતાં દબાણો પર ધ્યાન નહિ આપવા સલાહ અપાઈ હતી.

પેન્શન્સ મિનિસ્ટર ગાય ઓપેરમાને જણાવ્યું હતું કે ગયા વર્ષના પેન્શન કૌભાંડ જાગૃતિ અભિયાનોથી સેંકડો લોકો ૩૪ મિલિયન પાઉન્ડ ગુમાવવામાંથી બચી ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter