નવી દિલ્હીઃ જૈન ધર્મ દેશ-વિદેશના સીમાડા પાર કરીને પ્રવર્તી રહ્યો છે. જ્યાં કટ્ટર દુશ્મની છે અને યુદ્ધ લડાય છે તેવા દેશના લોકો પણ આ ધર્મને સાચવવા સમય આપી રહ્યા છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં 40 જેટલાં જૈન મંદિરો આવેલાં છે. દિલ્હી ખાતે આવેલા જૈન હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા આ મંદિરોને પાકિસ્તાન સરકાર પાસેથી પરત મેળવવા, તેમના સહયોગથી તેનું મેન્ટેનન્સ કરવા અને ત્યાં જૈન ધર્મ સચવાય, દેરાસર સચવાય તે માટેની કામગીરી કરાઈ રહી છે. પાકિસ્તાન સરકાર સાથે આ કામ ચાલી રહ્યું છે.
બીજી તરફ પાકિસ્તાનમાં આવેલી 10 જેટલી યુનિવર્સિટીમાં જૈનિઝમ વિષય ભણાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાન ગયેલા જૈનાચાર્ય કુશલસુરી દાદા દ્વારા પાકિસ્તાનના પ્રોફેસરે લખેલા જૈન ધર્મ અંગેના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં રહેતા 500 પરિવારોએ જૈન ધર્મથી પ્રેરાઇ માંસ ખાવાનું બંધ કર્યું છે.
પાકિસ્તાનમાં એક પણ જૈન નથી
દિલ્હીના હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી એટલા માટે પણ મહત્ત્વની બને છે કે, પાકિસ્તાનમાં એક પણ જૈન વ્યક્તિ નથી. જૈન ધર્મમાં માનનારા ભારતીયો ત્યાં મંદિરો-મિલકતો છોડીને ભારત આવ્યા હતા. આ તમામ દેરાસર પાકિસ્તાન સરકારની હસ્તક હતાં. જેને કોર્ટ કેસ અને લીગલ પ્રોસિજર દ્વારા પરત મેળવવામાં આવ્યાં છે. તેની જાળવણી પણ સ્થાનિક લોકો અને દિલ્હીનું ટ્રસ્ટ કરી રહ્યું છે.
તાજેતરમાં ભારતભરમાં ગુરુ પૂર્ણિમાની ઊજવણી કરવામાં આવી હતી ત્યારે પાકિસ્તાનમાં પણ 6 દેરાસર ખાતે દીપ પ્રાગટ્ય કરી સ્થાનિક લોકોએ નવકાર મંત્રનો જાપ કરી ગુરુ પૂર્ણિમા મનાવી હતી. સિંધ પ્રાંત, પંજાબ, બલુચિસ્તાન જેવા સ્થળ પર ગુરુ પૂર્ણિમા ઊજવાઈ હતી.