પાકિસ્તાની છોકરી સાથે ડેટિંગ કરનારા બાંગલાદેશી વિદ્યાર્થીને ભારે માર મરાયો

Wednesday 20th December 2017 06:04 EST
 
 

લંડનઃ લેન્કેશાયરના બ્લેકબર્નની ૧૬ વર્ષીય પાકિસ્તાની છોકરી સાથે ડેટિંગ કરનારા બ્લેકબર્નના ૧૬ વર્ષીય બાંગલાદેશી વિદ્યાર્થીને છોકરીના પરિવારે ભારે માર માર્યો હોવાની રજૂઆત પ્રેસ્ટન ક્રાઉન કોર્ટ સમક્ષ કરાઈ હતી. યુવકને બંધક બનાવી આ છોકરી સાથે મેળમિલાપ નહિ રાખવાની ધમકી પણ અપાઈ હતી. છોકરીના ૪૮ વર્ષીય ટેક્સી ડ્રાઈવર પિતા મિર્ઝા બેગ, ૨૯ વર્ષીય એકાઉન્ટન્ટ ભાઈ ખિજુમ બેગ, તેનો ૨૯ વર્ષીય પિતરાઈ અને કોલેજ સ્ટુડન્ટ સાકિબ મિર્ઝા બેગ અને છોકરીના ૩૭ વર્ષીય કાકા ગજનફર મિર્ઝા દ્વારા મારામારી અને ધમકીના ગુનાની કબૂલાત કરી હતી અને આગામી સપ્તાહે તેમને સજા સંભળાવાશે.

પાકિસ્તાની મૂળની છોકરી અને બાંગલાદેશી વિદ્યાર્થી હાઈ સ્કૂલમાં એક જ વર્ગમાં અભ્યાસ કરતાં હતાં અને એકબીજાના પ્રેમમાં હતા. ગત વર્ષે સાતમી માર્ચે છોકરી સાથે વિદ્યાર્થી વાતચીત કરતો હશે ત્યારે છોકરીના ટેક્સી ડ્રાઈવર કાકા ગજનફરે તેમને જોઈ લીધા હતા. તેમણે છોકરાનો સ્માર્ટફોન પડાવી લઇ તેમાં છોકરી સાથે ડેટિંગના પુરાવાઓની તપાસ કરી હતી અને ફોનમાં બંનેનાં ફોટોગ્રાફ્સ મળી આવતા વાત વધી હતી. આ વિદ્યાર્થીને પકડી એક સ્થળે લઈ જવાયો હતો અને પરિવારના સભ્યો દ્વારા માથા પર લાતો મારી ભારે માર મરાયો હતો. આ પછી તેને સ્થાનિક બાર્બરની દુકાન નજીક ફેંકી દેવાયો હતો.

વિદ્યાર્થીને રોયલ બ્લેકબર્ન હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. વિદ્યાર્થી જીવન બચાવવા પ્રયાસ કરતો હતો ત્યારે ઘટના નિહાળનારાઓ પણ ‘તેને મારી નાખો, ખતમ કરો’ની બૂમો લગાવતા હતા, જેમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હતી.

પ્રોસીક્યુટર નિકોલસ ફ્લેનગાને જણાવ્યું હતું કે છોકરો બાંગલાદેશી મૂળનો છે અને તમામ આરોપી પાકિસ્તાની મૂળના છે. આ વિદ્યાર્થીની વંશીયતા હુમલા માટેનો હેતુ હોઈ શકે છે. આથી જ ‘અમારા લોહી સાથે છેડછાડ ન કરીશ’ અને ‘તારી જાતની જ કોઈને શોધી લેજે’ જેવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ઘટનામાં કુળગૌરવનો મુદ્દો દેખાય છે. બીજી તરફ, ચારે આરોપીના વકીલોએ વંશીયતા, કુળગૌરવ કે જાતિનો મુદ્દો નકારી કાઢ્યો હતો. ગજનફર બેગે બાંગલાદેશી વંશના કોઈ વિરુદ્ધ દુશ્મનાવટનો ઈનકાર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે નોર્થ ઇંગ્લેન્ડના શહેરોમાં સ્થાનિક વ્હાઇટ, હિન્દુ અને શીખ કિશોરીઓનું ગૃમીંગ કરવાના બનાવો વધી રહ્યા છે, પરંતું આવી રીતે માર મરાયો હોવાના બનાવો ભાગ્યે જ નોંધાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter