લંડનઃ ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સ વિસ્તારમાં પાકિસ્તાની ડ્રગ ગેંગને શોધવા માટે આઠ વર્ષ સુધી ચાલેલી તપાસ પછી નેશનલ ક્રાઇમ એજન્સી(NCA)એ ૧૭ મિલિયન પાઉન્ડની જપ્ત કરેલી સંપત્તિની વિગતો જાહેર કરી છે. તપાસકર્તાઓએ પાકિસ્તાનમાંથી હેરોઇનની આયાત કરવાના ક્રિમિનલ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો અને જુલાઇ, ૨૦૧૭માં બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા આલમ અને આમેરન ઝેબ ખાન સહિતના આઠ લોકોને કુલ ૧૩૯ વર્ષ અને ચાર મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.
એજન્સીએ ૨૦૧૧માં ઈસ્ટ બર્મિંગહામમાં ડ્રગ ડિલર્સ સાથે નાણાકીય સંપર્કો ધરાવનારા અનેક શકમંદોની તપાસ હાથ ધરી હતી. તેમણે સાબિત કર્યું હતું કે હેરોઈનની આયાત અને વિતરણ, છેતરપિંડી અને મની લોન્ડરિંગ સહિતની ગુનાખોરીની આવકમાંથી આ પ્રોપર્ટીઝ ખરીદાઈ હતી. આ ગેન્ગ તેના ગેરકાનૂની નાણા છુપાવવા પરિવારના સભ્યો તેમજ સાથીઓના નામે પ્રોપર્ટીઝ રાખતી હતી.
જપ્ત કરાયેલી સંપત્તિમાં ૫૯ ખાનગી રહેણાંક મિલકતો પણ સામેલ છે. આ મિલકતોમાં ઝેબ ખાનના પરિવારને રહેવા માટે રિનોવેશન કરાયેલું બર્મિગહામના સ્ટોની લેનસ્થિત ૨,૩૫,૦૦૦ પાઉન્ડનું મકાન પણ સામેલ છે. ઘણી મિલકતો ભાડે આપી દેવાઈ હતી. જપ્ત કરાયેલ મિલકતોમાં એક કોમર્શિયલ બિલ્ડિંગ અને એપાર્ટમેન્ટ્સ પણ સામેલ છે. પ્રારંભિક તપાસ પછી NCA દ્વારા ૨૦૧૭માં કુલ ૧૧ પ્રોપર્ટીઝ અને બે બેન્કખાતાંમાંથી કુલ ૧.૭૫ મિલિયન પાઉન્ડ મેળવાયા હતા. એજન્સી હવે આ મિલકતોના વેચાણની પ્રક્રિયા શરુ કરી રહી છે. સેલી પાર્ક અને સોલિહલમાંથી પકડાયેલી ૯૦૦,૦૦૦ પાઉન્ડની બે પ્રોપર્ટીઝ આલમ અને આમેરન ઝેબ ખાનના સાથીઓ પાસેથી રીકવર કરવામાં આવી હતી. કોર્ટે ૨૦૧૮માં કુલ ૧૨.૫ મિલિયન પાઉન્ડની ૩૩ પ્રોપર્ટી રીકવર કરવાનો આદેશ આપ્યો હતો. બર્મિંગહામના ચેરિંગ્ટન રોડ પરની એક પ્રોપર્ટી ૨૬૫,૦૦૦ પાઉન્ડમાં વેચાઈ હતી.
બોર્ડર ફોર્સના ઓફિસરોએ આશરે પાંચ મિલિયન પાઉન્ડની કિંમતનું ૧૬૫ કિલોગ્રામ હેરોઈન છુપાવેલું ઈન્ડસ્ટ્રિયલ લેથ્સનું કન્ટેનર જપ્ત કર્યાં પછી NCA દ્વારા ૨૦૧૪માં તપાસ હાથ ધરી હતી. તપાસકર્તા અધિકારીઓએ પાકિસ્તાનમાં ગેરકાયદે હેરોઈન આયાત કરવાનું ષડયંત્ર પકડી પાડ્યું હતું.