પારિવારિક આવકમાં તીવ્ર ઘટાડોઃ સેવિંગ્સ દર તદ્દન નીચી સપાટીએ

Monday 03rd July 2017 08:15 EDT
 
 

લંડનઃ બ્રેક્ઝિટ મતદાન પછી યુકેના આર્થિક વિકાસમાં હવે તદ્દન અટકાવ આવ્યો છે અને ગ્રાહકોએ સ્થગિત વેતનો અને વધતા ફૂગાવાનો સામનો કરવા પિગ્ગી બેન્ક્સનો સહારો લેવા માંડ્યો છે. ૧૯૭૦ના દાયકાની મધ્યમાં આર્થિક કટોકટી પછી પરિવારોના જીવનધોરણ પર સૌથી ભારે દબાણ અનુભવાય છે. ફૂગાવા સામે એડજસ્ટ કરાતી આવકો સતત ત્રણ ક્વાર્ટ્સના ગાળા દરમિયાન નીચી રહી છે. ૧૯૭૬માં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે યુકેના આર્થિક બચાવ માટે આગળ આવવું પડ્યું હતું તેવા જ સંજોગો પ્રથમ વખત સર્જાયા છે.

બીજી તરફ, બચત તરીકે બાજુએ મૂકાતી રકમો હવે આવકના ૧.૭ ટકા જેટલી નીચે ગઈ છે, જે અત્યાર સુધી નીચી સપાટીએ છે. એક વર્ષ અગાઉ આ પ્રમાણ વર્તમાન કરતા ત્રણ ગણુ હતું. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના નવા ડેટા મુજબ કન્ઝ્યુમર ક્રેડિટમાં ભારે ઉછાળો નોંધાયો છે. પરિવારો દ્વારા મે મહિનામાં ક્રેડિટ કાર્ડ્સ, પર્સનલ લોન્સ અને કાર ફાઈનાન્સ માટે વધુ ૧.૭ બિલિયન પાઉન્ડ કરજ લેવાયું હતું, જે ધારણા કરતા ૩૦૦ મિલિયન વધુ છે. ઓછી બચત અને વધુ કરજ લેવાં છતાં, વપરાશકારોએ તેમના ખર્ચા નિયંત્રિત રાખ્યા છે, જેની અસર આર્થિક વૃદ્ધિ પર પડી છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે પણ કન્ઝ્યુમર ઋણનાં વધતાં પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

યુકેમાં ભાવની હેરફેર માટે એડજસ્ટ કરાતી ખરીદશક્તિનું માપ વાસ્તવિક ઘરેલુ આવક ૨૦૧૭ના પ્રથમ ત્રણ મહિનામાં ૧.૪ ટકા, જ્યારે ૨૦૧૬ના ત્રીજા ક્વાર્ટરમાં ૦.૩ ટકા અને ચોથા ક્વાર્ટરમાં ૦.૪ ટકા ઘટી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter