પાર્કિન્સન્સના સાઉથ એશિયન દર્દીઓને સપોર્ટ કરવા લેસ્ટરમાં અનોખું કાફે

પાર્કિન્સન્સ રોગથી પીડાતા સાઉથ એશિયનોની મદદ કરવા 2019માં સ્થાપના કરાઈ

Wednesday 03rd January 2024 01:19 EST
 
 

લેસ્ટરઃ સાઉથ એશિયન કોમ્યુનિટીમાં પાર્કિન્સન્સ (કંપવા) રોગ ધરાવનારાને સપોર્ટ કરવા અનોખું સાઉથ એશિયન પાર્કિન્સન્સ કાફે લેસ્ટરમાં બેલગ્રેવના ઓર્ચાર્ડસન એવન્યુના પીપુલ સેન્ટરમાં આવેલું છે જેની સ્થાપના પાર્કિન્સન્સની પીડાતાં 58 વર્ષીય હેમા રેઈલીએ 2019માં શરૂ કર્યું હતું. આ ગ્રુપ સતત વધતા બ્રેઈન ડિસઓર્ડર ધરાવતા સાઉથ એશિયન સભ્યોને સપોર્ટ કરે છે.
હેમા રેઈલીને 2016માં પાર્કિન્સન્સ રોગનું નિદાન થયું હતું. તેઓ કહે છે કે, ‘હું પૂર્ણકાલીન સામાજિક કાર્યકર તરીકે કાર્યરત હતી અને આ રોગ લાગુ પડ્યો હતો. મને ત્યારે જ જાણ થઈ કે આપણી કોમ્યુનિટીમાં લોકોને આ રોગ વિશે જાણકારી જ નથી. મારાં પરિવાર અને ખાસ કરીને જૂની પેઢીને સમજાવવામાં મને ભારે મુશ્કેલી પડી હતી. મારે ક્યાં તો ડૂબવાનું કે તરવાનું હતું અને મેં ખુદને કહ્યું હતું કે આ રોગ મને હરાવે તેં થવા નહિ દઉં અને ત્યારે જ હું આપણી કોમ્યુનિટીને શિક્ષિત કરીશ તેવો નિશ્ચય કર્યો હતો.’
હેમાબહેને આ કાફે સ્થાપવા પાર્કિન્સન્સ યુકે ચેરિટીનો સહકાર લીધો હતો અને તે પછી તેનો સતત વિકાસ થતો રહ્યો છે. આ કાફે, મુખ્યત્વે સાઉથ એશિયન કોમ્યુનિટી માટે જ હોવાં છતાં, લેસ્ટરની વિવિધ કોમ્યુનિટીઓના લોકો માટે પણ તે આકર્ષણનું કેન્દ્ર છે. હેમા રેઈલી કહે છે કે કંપવાના લક્ષણોના કારણે લોકો તરફ નકારાત્મક ધ્યાન ખેંચાય છે. જાહેર સ્થળોએ જઈએ ત્યારે લોકો તમારા તરફ જોયા જ કરે છે પરંતુ, કાફેમાં બધા જ લોકોને કંપવા હોવાથી કોઈ તકલીફ સર્જાતી નથી. આ કાફેમાં માત્ર મસાલા ચા -કોફી, ફ્રી પિઝા, રેફલ્સ, મફત ચીજવસ્તુઓ અને સંખ્યાબંધ બિસ્કિટ્સ માણતા અને વાતચીતોમાં પરોવાયેલા લોકો જોવા મળતા નથી. અહીં પાર્કિન્સન્સથી પીડાતા દર્દીઓ અને તેમના પરિવારોને શૈક્ષણિક તક પણ ઓફર કરાય છે. અલ્ઝાઈમર્સ યુકે અને સાઉથ એશિયન હેલ્થ એક્શન સંસ્થાઓ સાથે મળીને સ્મૃતિભ્રંશ–ડામેન્શીઆ સંબંધિત રજૂઆત કરે છે. પાર્કિન્સન્સ યુકે ચેરિટીના પ્રતિનિધિ આવી ડિસેબિલિટીઝ ધરાવતી વ્યક્તિઓને મળી શકતા સપોર્ટ અને સલાહો વિશે ઘણી જાણકારી પૂરી પાડે છે.
આ કાફે તો પુનર્મિલનનું સ્થળ બની રહ્યું છે. 84 વર્ષના વનરાજ પટેલ ભારતથી અને 82 વર્ષના બ્રિલહાર્ટ જેમ્સ કેરેબિયન્સથી 1959માં યુકે આવ્યા હતા. અલગ અલગ સ્થળોએથી આવવા છતાં થોડા વર્ષ એક જ ઘરમાં સાથે રહ્યા હતા અને પછી અલગ પડ્યા હતા. એકબીજા સાથે સંપર્ક ગુમાવ્યા પછી અચાનક આ વર્ષે આ કાફેમાં તેઓ આમનેસામને થઈ ગયા હતા. વનરાજ પટેલની દીકરીને પાર્કન્સન્સ છે.
61 વર્ષીય ફિરોઝા દેસાઈ ચાર વર્ષથી પાર્કિન્સન્સથી પીડાતાં તેમનાં 70 વર્ષીય આન્ટી ઝરિના મકડા સાથે આ કાફેમાં આવે છે. ઝરિનાને બોલવામાં તકલીફ પડે છે ત્યારે આ કાફે તેમના માટે સલામત સ્વર્ગ બની રહ્યું છે. એશિયન કોમ્યુનિટી અને મુસ્લિમ કોમ્યુનિટીમાં આ બીમારીથી એકલતા આવે છે પરંતુ, ઝરિના હવે બધાને મળવા આતુર રહે છે તેમ ફિરોઝા કહે છે. દરમિયાન, 85 વર્ષીય મધુબહેન પટેલને પહેલા શરીરમાં ધ્રૂજારીઓ આવતી અને તે પછી વસ્તુઓ પકડવામાં મુશ્કેલી થતી હતી. તેમણે પાર્કિન્સન્સ વિશે જાણ્યું અને હેમાબહેનનો સંપર્ક સાધી ગ્રૂપમાં સામેલ થયાં અને ઘણાં મિત્રો બનાવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter