લંડનઃ જો તમે ઘરમાં કોઇ પ્રાણી પાળવાનું નકકી કરો તો એને સંતાનની જેમ પ્રેમ, કાળજી અને સન્માન સાથે રાખવું જોઇએ એવું માનતી લંડનની સાશા નામની યુવતીએ પોતે પાળેલા અને કાળજાના કટકા સમાન ૧૧ વર્ષના શ્વાન ‘કેપ્ટન’ને શાહી ઠાઠ સાથે આ દુનિયામાંથી વસમી વિદાય આપી હતી.
પાલતુ શ્વાન કેપ્ટનની માંદગીમાં પણ સાશાએ પૈસાનું પાણી કરવામાં કોઇ કસર છોડી ન હતી. આમ છતાં, કેપ્ટનને બચાવી શકાયો નહોતો. કેપ્ટને પ્રાણીઓની હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધાં હતાં. સાશાએ શ્વાનના ફયુનરલને પણ ખાસ બનાવી દીધું હતું.
તેણે કેપ્ટનના ફયુનરલમાં તમામ ચીજો સફેદ રંગની રાખી હતી. કોફિનને પણ સફેદ રંગે રંગવામાં આવેલું અને મોંઘેરાં સફેદ ફૂલોથી સજાવાયું હતું. હોસ્પિટલમાંથી કેપ્ટનના પાર્થિવ શરીરને સફેદ રંગના ઘોડાવાળી ઘોડાગાડીમાં બેસાડીને સ્મશાનયાત્રા કાઢી સૌ પહેલા ઘરે લઇ જવાઇ હતી. અહીંથી કેપ્ટન જયાં રોજ ચાલવા જતો હતો એ પાર્કમાં લઇ જવાઈ ત્યારે સાશા કેપ્ટનના કોફિન સાથે લગભગ ૩૦-૪૦ મિનિટ ચાલી હતી. શ્વાનને દફનાવ્યા પછી તેણે ૧૧ વર્ષના શ્વાનને મુકિત મળે એ માટે ૧૧ સફેદ કબૂતરોને આકાશમાં ઉડાવી મુકત કર્યા હતા. આ તમામ ચીજો માટે તેણે ૪૦૦૦ પાઉન્ડથી વધુ ખર્ચ કર્યો હતો.


