લંડનઃ પીટરબરો સ્થિત ભારત હિન્દુ સમાજ મંદિરને લઇને હિન્દુ સમુદાયને થઇ રહેલા અન્યાયને અવાજ આપવા ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા શરૂ કરાયેલા અભિયાનને સમાજના વિવિધ અગ્રણીઓ અને સંગઠનો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ હાંસલ થયો હતો. સમુદાયે એક અવાજે ભારત હિન્દુ સમાજ મંદિરને સમર્થન જાહેર કર્યું હતું.
ભારત હિન્દુ સમાજ મંદિરે હાર માનવી જોઇએ નહીઃ લોર્ડ ક્રિશ રાવલ
લોર્ડ ક્રિશ રાવલે જણાવ્યું હતું કે મંદિરના ટ્રસ્ટી અને શ્રદ્ધાળુગણે હાર માનવી જોઇએ નહીં. છેલ્લા 40 કરતાં વધુ વર્ષથી આ મંદિર સ્થાનિક હિન્દુ સમુદાયના હૃદયની ધડકન રહ્યું છે. હું 16 વર્ષનો હતો ત્યારે ભક્તિવેદાંતા મેનોર બંધ થતા બચાવવાના અભિયાનમાં જોડાયો હતો. એક પવિત્ર સ્થળ ફક્ત બેલેન્સ શિટમાં તબદિલ થતું જોવું કેટલું દુઃખદ છે. અંતે તત્કાલિન લેબર સરકારે મેનોરને બચાવ્યું હતું જે ન્યાયનો પુરાવો છે. તેથી હું પીટરબરો કાઉન્સિલને તેનો નિર્ણય સ્થગિત કરવા અને ટ્રસ્ટીઓને મંદિર બચાવવાની તક આપવા અપીલ કરું છું. આ ફક્ત એક પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન નહીં પરંતુ પેઢીઓ વચ્ચેનો કરાર છે. તેને બચાવવાની તક આપવી જ જોઇએ.
કાઉન્સિલે સામાજિક મૂલ્યો કરતાં આર્થિક બાબતોને વધુ મહત્વ આપ્યુઃ લોર્ડ રેમી રેન્જર
સેક્રેટરી ફોર હાઉસિંગ, કોમ્યુનિટિઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ સ્ટીવ રીડ (ઓબીઇ)ને લખેલા પત્રમાં લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે, પીટરબરો કાઉન્સિલે સ્થાનિક હિન્દુ સમુદાયના સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને ધ્યાનમાં લીધા વિના હિન્દુ મંદિરની પ્રોપર્ટીનું વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 40 વર્ષથી આ મંદિર કાયદાપાલન કરતા સમુદાયના હૃદયમાં વસેલું છે. ધાર્મિક સ્થળો વાણિજ્યિક સંપત્તિ નહીં પરંતુ આસ્થા અને સામાજિક મિલાપના કેન્દ્ર હોય છે. કોરોના મહામારી દરમિયાન આ મંદિરે સમાજના જરૂરીયાતમંદો માટે મહત્વની ભુમિકા ભજવી હતી. ખેદની વાત એ છે કે કાઉન્સિલના લીડર શબિના કય્યુમે સામાજિક મૂલ્યો કરતાં આર્થિક મૂલ્યોને વધુ મહત્વ આપ્યું છે. હિન્દુ સમાજની લાગણીઓને ધ્યાનમાં લીધા વિના મંદિરને કોમર્શિયલ પ્રોપર્ટી ગણી લેવાયું છે. તે ઉપરાંત મંદિર દ્વારા અપાયેલી ઓફર પણ એવી હતી કે કાઉન્સિલને કોઇ આર્થિક નુકસાન થતું નહીં. પરંતુ તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જો આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો પીટરબરો અને આસપાસના હજારો હિન્દુ શ્રદ્ધાળુ મંદિરથી વંચિત બની જશે. તેથી હું આપને આ મામલામાં તમારી સત્તાનો ઉપયોગ કરી નિર્ણયની પુનઃસમીક્ષા અને યોગ્ય જણાય તો રદ કરવા વિનંતી કરું છું. તમારા હસ્તક્ષેપથી ખર્ચાળ કાનૂની પ્રક્રિયા અટકાવી શકાશે અને સરકારમાં હિન્દુ સમાજનો વિશ્વાસ પુનઃસ્થાપિત થશે.
બ્રિટિશ હિન્દુ સમાજ મતભેદો બાજુમાં મૂકી એકજૂથ બનેઃ જય શર્મા
સાઉથોલ, લંડન સ્થિત શ્રી રામ મંદિરના જય શર્માએ જણાવ્યું હતું કે, જે કાંઇ બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટના યુકેના સનાતન અને હિન્દુ સમાજને મૂલ્યવાન પાઠ શીખવે છે કે તેમણે તમામ મતભેદો બાજુ પર મૂકીને એકજૂથ થઇ કામ કરવું જોઇએ. કોઇપણ પ્રકારના અંગત હિતોને બાજુમાં મૂકી આપણા વિદ્વાન વડીલોના માર્ગદર્શન હેઠળ પગલાં લેવાનો સાચો સમય આવી ગયો છે. અમે કોઇપણ પગલાં અને નિર્ણયને સમર્થન જાહેર કરીએ છીએ.
પીટરબરો કાઉન્સિલ હિન્દુ સમાજના યોગદાનને યાદ કરેઃ બીએપીએસ લંડન
લંડન સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરે જણાવ્યું હતું કે, પીટરબરોમાં ભારત હિન્દુ સમાજ મંદિર જે સ્થિતિનો સામનો કરી રહ્યું છે તેનાથી અમે ઘણા વ્યથિત છીએ. મંદિરો ભક્તિના સ્થળ કરતાં પણ વિશેષ હોય છે. તેઓ આપણા સમુદાયોનો આંતરિક હિસ્સો છે જે જરૂરી સામાજિક કાળજી પણ પૂરી પાડે છે. મંદિરો વારસાનું જતન કરે છે અને વડીલે સુરક્ષિત જગ્યા આપે છે. બાળકો અને યુવાઓમાં સંસ્કારનું સિંચન કરે છે. ભારત હિન્દુ સમાજ મંદિર ગુમાવવાથઈ સ્થાનિક સમુદાયના તાણાવાણાને પણ નુકસાન થશે. અમે પીટરબરો કાઉન્સિલને હિન્દુ સમાજના સામાજિક અને આધ્યાત્મિક યોગદાનને યાદ કરવા અને તેના નિર્ણય પર પુનઃવિચારણાની અપીલ કરીએ છીએ.
રાજનેતાઓ સમજે તેવી ભાષામાં હિન્દુઓ મતાધિકારનો ઉપયોગ કરેઃ કાન્તિ નાગડા(એમબીઇ)
સંગત સેન્ટરના કાન્તિ નાગડા (એમબીઇ)એ જણાવ્યું હતું કે, 40 વર્ષથી ઉપયોગમાં લેવાઇ રહેલી જગ્યાને ખરીદવા માટે મંદિરને પહેલી પ્રાથમિકતા આપવાનું સ્થાનિક સત્તાવાળાઓને યોગ્ય લાગ્યું નથી તે અત્યંત દુઃખદ બાબત છે. હિન્દુ સમાજને પ્લાનિંગ પરમિશન અથવા સર્વિસ આપવાની વાત આવે ત્યારે આ પ્રકારના પગલાં લેવાતાં હોય છે. રાજનેતાઓ સમજી શકે તેવી ભાષામાં મતાધિકારનો ઉપયોગ કરવાનો સમય હિન્દુ સમાજ માટે આવી પહોંચ્યો છે.
પીટરબરોના ગૌરવ હિન્દુ મંદિરને બચાવવાની આપણી નૈતિક ફરજઃ અનુપમ મિશન
અનુપમ મિશનના વિનોદ નાકરેજાએ જણાવ્યું હતું કે, મંદિર ફક્ત પૂજાનું સ્થળ નહીં પરંતુ હિન્દુ સમાજનો આત્મા છે. તે અમારી આસ્થા, વારસા અને મૂલ્યોને પ્રદર્શિત કરે છે. મંદિરમાં અમારા સંતાનો અમારા મૂળ વિશે શીખે છે. પરિવારો એકઠાં મળીને તહેવારોની ઉજવણી કરે છે. મંદિરો અમને વતનની સાથે જોડી રાખે છે. ભારત હિન્દુ સમાજ મંદિર ફક્ત એક પ્રોપર્ટી બચાવવાની વાત નથી. તે આપણી ઓળખ બચાવવા અને ભાવિ પેઢીને આપણી સંસ્કૃતિ અને આસ્થા સાથે જોડી રાખવાની બાબત છે. એકવાર મંદિર ગુમાવી દેવાથી તેની સહેલાઇથી સ્થાપના થઇ શક્તી નથી. ભારત હિન્દુ સમાજ મંદિર પીટરબરોનું ગૌરવ છે અને તેને બચાવવું આપણી નૈતિક ફરજ છે. હું મંદિર બચાવવાના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું.
પીટરબરો કાઉન્સિલનો નિર્ણય યુકેના હિન્દુ સમાજ પ્રત્યેની અસંવેદનશીલતાઃ જલારામ મંદિર લેસ્ટર
લેસ્ટરના જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ મંદિરના પ્રમોદ ઠક્કરે જણાવ્યું હતું કે, પીટરબરો કાઉન્સિલનો નિર્ણય યુકેના હિન્દુ સમાજ પ્રત્યેની અસંવેદનશીલતા છે. ભારત હિન્દુ સોસાયટી માટે દેશવ્યાપી સમર્થન ઊભું કરવાના ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના પ્રયાસની અમે પ્રશંસા કરીએ છે, અમે આ મામલાને અત્યંત ગંભીરતાથી હાથ પર લઇએ છીએ. અમે આ કોઝ માટે 10,000 પાઉન્ડની ફાળવણી પણ જાહેર કરીએ છીએ. આ પગલાં દ્વારા અમે જાહેર કરીએ છીએ કે પીટરબરોના હિન્દુઓ એકલાં નથી. અમે તેમની સાથે છીએ. અમે જલારામ બાપાને પ્રાર્થના કરીએ છીએ કે પીટરબરો મંદિર ઝડપથી પુનઃસ્થાપિત થાય.
ભારત હિન્દુ સમાજ મંદિર યથાસ્થાને રહેવું જ જોઇએઃ ગો ધાર્મિક
ગો ધાર્મિક સંસ્થાના હનુમાન દાસે જણાવ્યું હતું કે, અમારા મિશનના કેન્દ્રમાં સેવા છે. મંદિર ફક્ત ફિઝિકલ સ્ટ્રક્ચર નહીં પરંતુ આધ્યાત્મિક અને સામાજિક કેન્દ્ર છે. અમે માનીએ છીએ કે મંદિર યથાસ્થાને જ રહેવું જોઇએ. ગો ધાર્મિક શાંતિપૂર્ણ અને રચનાત્મક પ્રયાસોને ટેકો આપે છે.
પીટરબરો કાઉન્સિલ તેના નિર્ણયની પુનઃસમીક્ષા કરેઃ ગુજરાત હિન્દુ સોસાયટી
ગુજરાત હિન્દુ સોસાયટીના ઇશ્વર ટેલર (એમબીઇ) અને અશિત જરીવાલાએ જણાવ્યું હતું કે, પીટરબરો સિટી કાઉન્સિલના નિર્ણયને અમે વખોડી કાઢીએ છીએ.. અમે કાઉન્સિલને તેના નિર્ણયની પુનઃસમીક્ષા કરવા અને પીટરબરોના હિન્દુ સમુદાય માટેના આ વિચલિત કરનારા સમાચારને ખુશીમાં બદલી નાખવા અપીલ કરીએ છીએ. અમે મંદિર બચાવવાના અભિયાનને સંપૂર્ણ સમર્થન જાહેર કરીએ છીએ. અમે સાંસદ સર માર્ક હેન્ડરિકના હસ્તક્ષેપની પણ માગ કરીએ છીએ.
પીટરબરો કાઉન્સિલ નિર્ણાયક પ્રક્રિયામાં પારદર્શિતા પ્રગટ કરેઃ અનુપ મેહતા
અનુપ મેહતાએ કાઉન્સિલ દ્વારા મંદિર પ્રોપર્ટીના વેચાણની પ્રક્રિયા પર ગંભીર ચિંતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, પીટરબરોના હિન્દુ સમાજને એમ લાગી રહ્યું છે કે તેમની સાથે સમાન વ્યવહાર કરવામાં આવી રહ્યો નથી. અમે ઇચ્છીએ છીએ કે સમાનતા, વૈવિધ્યતા અને ન્યાયી પ્રક્રિયાનું પાલન કરવામાં આવે. તેથી અમે કાઉન્સિલને નિર્ણાયક પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા, ઇક્વાલિટી ઇમ્પેક્ટ એસેસમેન્ટ જાહેર કરવા, હિન્દુ સમુદાયની જરૂરીયાતો કેવી રીતે સંતોષવામાં આવશે તેની સ્પષ્ટતા કરવા માગ કરીએ છીએ.
કાઉન્સિલ પ્રોપર્ટી વેચાણનો અમલ સ્થગિત કરી મંદિર સાથે રચનાત્મક ઉકેલ લાવેઃ એક્શન ફોર હાર્મની
એક્શન ફોર હાર્મનીના નિતિન પલાન (એમબીઇ) અને નિલેષ સોલંકીએ જણાવ્યું હતું કે, 40 માઇલની ત્રિજ્યામાં આવેલા એકમાત્ર હિન્દુ મંદિરને ગુમાવવાથી હિન્દુ સમાજ પર વિપરિત અસરો થશે. આ પ્રકારના નિર્ણયો સામાજિક, સાંસ્કૃતિક જવાબદારી સાથે લેવાવા જોઇએ. અમે પીટરબરો કાઉન્સિલને પ્રોપર્ટીના વેચાણના અમલને સ્થગિત કરવા અને મંદિરના આગેવાનો સાથે રચનાત્મક વાટાઘાટો દ્વારા શક્ય વિકલ્પોના અમલ માટે અપીલ કરીએ છીએ. આ સ્થાનિક મુદ્દો નથી પરંતુ આધુનિક બ્રિટનમાં લઘુમતીના અધિકારોનો પણ મામલો છે.
સરકાર મામલાનો વિના વિલંબે ઉકેલ લાવેઃ વિમલજી ઓડેદરા
NCGOUK ના વિમલજી ઓડેદરાએ હાઉસિંગ સેક્રેટરી સ્ટીવ રીડને પત્ર લખી પીટરબરો સિટી કાઉન્સિલના અન્યાયી નિર્ણયથી અવગત કરાવ્યા હતા. ઓડેદરાએ રીડને અપીલ કરી હતી કે તેઓ તેમની સત્તાનો ઉપયોગ કરી નિર્ણયની સમીક્ષા કરે. તેમણે જણાવ્યું હતું કે, અમે કાનૂની પગલાં લેવા પણ તૈયાર છીએ પરંતુ તે હિન્દુઓ માટે ખર્ચાળ બની રહેશે. તેથી હું સરકારને આ મામલો વિલંબ વિના ઉકેલવા અપીલ કરું છું.
તમામ સ્ટેક હોલ્ડર્સ સમસ્યાના ઉકેલ માટે રચનાત્મક કામ કરેઃ ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી
ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી યુકેના દીપક પટેલે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, યુકેના સામાજિક તાણાવાણાની જાળવણી માટે કાયદાના શાસન, પરસ્પર સન્માન અને ડાયલોગ અત્યંત જરૂરી છે. અમે હિન્દુ શ્રદ્ધાળુઓ, સમાજના આગેવાનો અને સ્થાનિક રહેવાસીઓની પડખે ઊભા છીએ. અમે તમામ સ્ટેક હોલ્ડર્સને આ સમસ્યાના કાયદાકીય અને સન્માનપૂર્ણ ઉકેલ માટે રચનાત્મક કામ કરવાની અપીલ કરીએ છીએ. અમે સત્તાવાળાઓને તમામ સમદાયની સુરક્ષા અને ધાર્મિક સ્વતંત્રતાની જાળવણી સુનિશ્ચિત કરવાની અપીલ કરીએ છીએ.
પીટરબરો કાઉન્સિલની હિન્દુ સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ગંભીર સવાલોઃ તૃપ્તિ પટેલ
તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે, કાઉન્સિલની સ્ક્રુટિની કમિટીના રિપોર્ટમાં પારદર્શકતાનો અભાવ જણાય છે અને કાઉન્સિલરોને પ્રોપર્ટીના વેચાણ અંગેની મહત્વની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી નહોતી. જે દર્શાવે છે કે કાઉન્સિલને હિન્દુ સમાજના હિતોની પરવા નથી. હિન્દુ સમાજ 2011થી પ્રોપર્ટી ખરીદવા માટે વાટાઘાટો કરી રહ્યો હતો પરંતુ શરતો માન્ય રાખ્યા બાદ પણ પ્રોપર્ટીને ઓપન માર્કેટમાં વેચી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો. જે કાઉન્સિલની પ્રતિબદ્ધતા પર ગંભીર સવાલો ઉઠાવે છે. તેથી અમે કેબિનેટના આ નિર્ણયની પુનઃસમીક્ષા કરવાની અપીલ કરીએ છીએ.
અમે સરકારના વિભાગો સમક્ષ આ મામલો ઉઠાવી રહ્યાં છીએઃ વિનોદ પટેલ, WDHA મેનેજમેન્ટ
WDHA મેનેજમેન્ટના વિનોદ પટેલે જણાવ્યું હતું કે, આ મુદ્દો ઉઠાવવા માટે અમે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના આભારી છીએ. યુકેના અગ્રણી હિન્દુ સંગઠન તરીકે અમારું માનવું છે કે પીટરબરો કાઉન્સિલનો નિર્ણય ચિંતાજનક છે. અમારું સંગઠન ભારત હિન્દુ સમાજને સમર્થન માટે પ્રતિબદ્ધ છે. હાલ અમે અમારા સ્થાનિક સાંસદની મદદથી સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યાં છીએ. અમે મંદિરના ટ્રસ્ટીઓને લીગલ એડવાઇઝર્સ ઉપલબ્ધ કરાવવાની ઓફર આપીએ છીએ.
00000000000000000000000000
પીટિશન
પીટરબરો મંદિરને બચાવવા તમારો અવાજ ઉઠાવો
લગભગ 40 વર્ષથી પીટરબરો મંદિર તરીકે ઓળખાતા ભારત હિન્દુ સમાજ મંદિરને બચાવવાની ઝુંબેશ સમુદાય દ્વારા જ ચલાવવામાં આવી રહી છે. તે ફક્ત એક ઇમારત જ નહીં; તે શ્રદ્ધા, વારસો, પ્રિય યાદોનું પ્રતીક છે અને આપણા સમુદાયના હાર્દ તરીકે સેવા આપે છે. અમે આ પહેલ પાછળ મજબૂત રીતે ઊભા રહેવાનું ગૌરવ અને જવાબદારી અનુભવીએ છીએ.
લગભગ 40 વર્ષથી, મંદિર શહેરના ન્યૂ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સમાં માત્ર એક ઇમારત તરીકે જ નહીં, પરંતુ કેમ્બ્રિજશાયર, નોર્ફોક અને લિંકનશાયરના કેટલાક ભાગોમાં લગભગ 18,500 ભક્તોની જીવનરેખા તરીકેના પવિત્ર સ્થાન તરીકે ઊભું છે. 35 માઇલના ત્રિજ્યામાં એકમાત્ર હિન્દુ મંદિર અને સમુદાય કેન્દ્ર છે, જ્યારે લગભગ 390 ચર્ચ અને લગભગ 25-30 મસ્જિદો અથવા મુસ્લિમ સમુદાય કેન્દ્રો આવેલાં છે.
આ મંદિરમાં પેઢીઓએ પૂજા અર્ચન, તહેવારો અને પ્રસંગોની ઉજવણી કરી છે. કોવિડ-૧૯ દરમિયાન સ્થાનિક સમુદાયને મદદ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ ઇમારતની માલિકી ધરાવતી કાઉન્સિલે તેને વેચી દીધી છે અને જણાવ્યું છે કે આ વેચાણ કાઉન્સિલના વધતા દેવા ચૂકવવા અને કરદાતાઓ માટે મૂલ્ય સુરક્ષિત કરવા માટે જરૂરી છે. પરંતુ મંદિર પ્રતિનિધિઓ કહે છે કે તેમના આધ્યાત્મિક ઘરને બચાવવાના તેમના પોતાના પ્રયાસો આશાભંગ અપેક્ષા સાથે પૂરા થયાં છે. સંકુલ ખરીદવા માટે અમે 1.3 મિલિયન પાઉન્ડની ઓફર આપી હતી. કાઉન્સિલ સાથે 14 વર્ષ વાટાઘાટો કરી હતી. કાઉન્સિલ સતત શરતોમાં બદલાવ કરતી હોવાથી કોન્ટ્રાક્ટ ક્યારેય પૂરો થઇ શક્તો નહોતો.
પ્રોપર્ટી ખરીદવાના પ્રયાસો નિષ્ફળ જવાના કારણે શ્રદ્ધાળુઓના હૃદય ભંગિત થયાં હતાં. તેથી બ્રિટિશ હિન્દુ સમાજે પીટરબરો કાઉન્સિલના વેચાણ સામે ભારત હિન્દુ સમાજ મંદિરને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.
અમારી સાથે જોડાઓ. આ પવિત્ર સંસ્થાને સુરક્ષિત રાખવા માટે આ મહત્વપૂર્ણ ઝુંબેશને સમર્થન આપવા માટે સમુદાયની પીટિશનમાં તમારો અવાજ ઉમેરો. સાથે મળીને આપણે અર્થપૂર્ણ ફરક લાવી શકીએ છીએ. જો તમે મંદિરને દુર્ભાગ્યપૂર્ણ રીતે બંધ થતું અટકાવવાના પ્રયાસોના સમર્થનમાં છો અને તેને સુરક્ષિત રાખવા માટે લડતા લોકો સાથે ઊભા રહેવા તૈયાર છો, તો કૃપા કરીને તમારો ટૂંકો સંદેશ (100 શબ્દોથી વધુ નહીં) તમારા આખા નામ, ફોન નંબર અને ઇમેઇલ સરનામાં સાથે [email protected] પર 2 માર્ચ 2026 સુધીમાં મોકલી આપો.
0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000


