લંડનઃ હિન્દુ કાઉન્સિલ યુકેએ આરોપ મૂક્યો છે કે, પીટરબરો કાઉન્સિલની નવી કેબિનેટે પૂર્વગ્રહથી રામ મંદિર બંધ કરાવ્યું છે. હિન્દુ કાઉન્સિલ યુકેના ડિરેક્ટર દિપેન રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, મંદિર દ્વારા કાઉન્સિલને અપાયેલી ઓફર નવી કેબિનેટ દ્વારા અવગણવામાં આવી હતી. કાઉન્સિલની નવી કેબિનેટ દ્વારા બીએચએસને એમ જણાવવામાં આવ્યું હતું કે, કાઉન્સિલનું દેવુ ઘટાડવા માટે અમારે આ સાઇટને સૌથી ઊંચી બોલી બોલાવનારને ઓફર કરવી પડશે. કાઉન્સિલમાં મહત્વના નિર્ણય લેનારામાં શબિના કય્યુમ (લીડર), મોહમ્મદ ફારૂક (ડેપ્યુટી) મોહમ્મદ જમિલ (ફાઇનાન્સ) અને ઝમીર અલી (કોમ્યુનિટીઝ)નો સમાવેશ થાય છે. કેબિનેટે બીજી સમીક્ષા પર નિર્ણય લેતાં રામ મંદિરને બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
મોહમ્મદ જમિલે કાઉન્સિલનું 500 મિલિયન પાઉન્ડનું દેવુ ઘટાડવા માટે બીએચએસ સાઇટ મહત્તમ 1.5 મિલિયન પાઉન્ડમાં વેચવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ચેતવણીજનક બાબત એ છે કે શબિના કય્યુમે તેમના પસંદગીના બીડરનું નામ ગુપ્ત રાખ્યું હતું અને બીજીતરફ તેઓ બીબીસીના આર્ટિકલમાં લોકશાહીની વાતો કરી રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે હિન્દુ કાઉન્સિલ યુકે મોહમ્મદ જમિલના પૂર્વગ્રહયુક્ત વલણને વખોડે છે. બીએચએસના ટ્રસ્ટીઓનો આરોપ છે કે નવી કેબિનેટ ક્લોઝ્ડ ડોર પોલિસી અનુસરી દસ્તાવેજો છૂપાવી રહી છે. કાઉન્સિલ પારદર્શિતા નહીં દાખવીને તેની જાહેર ફરજનું ઉલ્લંઘન કરી રહી છે. અમે વડાપ્રધાન સ્ટાર્મરને આ મામલામાં હસ્તક્ષેપની અપીલ કરીએ છીએ.


