પીટરબરો, યુકેઃ પીટરબરો, કેમ્બ્રિજશાયર, નોર્ફોક, લેસ્ટરશાયર અને લિંકનશાયરમાં પથરાયેલી ભારતીય કોમ્યુનિટીના 18,500થી વધુ સભ્યો માટે સાંસ્કૃતિક, સામાજિક અને સામુદાયિક જીવનનું હાર્દ બની રહેલા અને 1986થી પીટરબરોના ન્યૂ ઈંગ્લેન્ડ કોમ્પ્લેક્સમાં આવેલા ભારત હિન્દુ સમાજ (BHS) ટેમ્પલનું ભવિષ્ય ડામાડોળ બની રહેલું જણાય છે.
સ્ક્રુટિની કમિટીએ નિર્ણય લીધો છે કે હિન્દુ ટેમ્પલની સાઈટ વેચવાનો નિર્ણય લેતી વખતે કાઉન્સિલરોને પૂરતી માહિતી આપવામાં આવી નથી.પીટરબરો સિટી કાઉન્સિલે તેનું દેવું ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે આ સંપત્તિ વેચવાનો નિર્ણય લીધો હતો અને કેબિનેટે ડિસેમ્બરમાં જમીન માટે બિડરની પસંદગી પણ કરી લીધી હતી. આના પગલે મંદિરે ચિંતા દર્શાવી હતી કે તેને આ જમીન હસ્તગત કરવાની તક અપાઈ નથી. હવે કાઉન્સિલની સ્ક્રુટિની કમિટીએ સભ્યો પાસે નિર્ણય લેવા સંપૂર્ણ સામગ્રી કે માહિતી ન હોવાનું કારણ આગળ ધરી આ નિર્ણય ફરી કેબિનેટને પરત મોકલવા વિનંતી કરી છે. પસંદગીપાત્ર બિડરની ઓળખ જાહેર કરાઈ નથી ત્યારે કમિટીએ એવી પણ ભલામણ કરી છે કે વર્તમાન ટેનન્ટ વૈકલ્પિક પ્રીમાઈસીસ હાંસલ ન કરે અથવા છ મહિનાના સમયગાળામાં તેની હાલની ટેનન્સી જાળવી ના રાખે ત્યાં સુધી કોઈ ડિસ્પોઝલ ન કરવા કેબિનેટે ચોકસાઈ રાખવી જોઈશે.
35 માઈલની ત્રિજ્યાના વિસ્તારમાં BHS એકમાત્ર હિન્દુ મંદિર, સાંસ્કૃતિક અને કોમ્યુનિટી સેન્ટર છે. તે પૂજાસ્થાન કરતાં પણ વધુ મહત્ત્વના કોમ્યુનિટી કેન્દ્ર તરીકે સેવા આપે છે, જે સ્વાસ્થ્ય, સામાજિક સંવાદિતા અને સિવિક સંપર્કને પ્રમોટ કરતી સેવાઓ સાથે તમામ વયના, ધર્મના અને પશ્ચાદભૂના લોકોને સપોર્ટ કરે છે તેમજ પબ્લિક સર્વિસીસ પરનું ભારણ નોંધપાત્રપણે ઘટાડે છે. તેના આઉટરીચ પ્રોગ્રામ્સ, ફૂડ ડિસ્ટ્રિબ્યુશન, વૃદ્ધોને સપોર્ટ, યુવાસંપર્ક, ઈન્ટરફેઈથ કાર્યો અને સાંસ્કૃતિક ઈવેન્ટ્સ મારફત BHS નોંધપાત્ર સામાજિક મૂલ્યનું યોગદાન આપે છે. સ્વતંત્ર અંદાજો મુજબ તેની પ્રવૃત્તિઓથી દર પાંચ વર્ષમાં પબ્લિક સર્વિસ કોસ્ટમાંમ 3.5થી 4 મિલિયન પાઉન્ડની બચત થાય છે જે આ સ્થળની માર્કેટ વેલ્યુ કરતાં ઘણી વધુ છે.
BHS વર્ષોથી આ સાઈટ ખરીદવા ભંડોળ એકત્ર કરે છે અને 2011થી કાઉન્સિલ સાથે વાટાઘાટો ચલાવે છે. BHSના કિશોરભાઈ લાડવાએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે,‘BHS કોમ્યુનિટી 14 કરતાં વધુ વર્ષથી તેના કબજા અને નિભાવ હેઠળના પ્રીમાઈસીસનું ભવિષ્ય સુરક્ષિત કરવા પીટરબરો સિટી કાઉન્સિલ સાથે સકારાત્મક અને વિશ્વાસ સાથે સંપર્કમાં રહી છે. આ સમયગાળામાં વોલન્ટીઅર્સની પેઢીઓએ નોંધપાત્ર ભાવનાત્મક અને નાણાકીય ખર્ચ સાથે પણ કાઉન્સિલ દ્વારા કરાયેલી દરેક વિનંતીઓને માન્ય રાખી છે. તાજેતરના મહિનાઓમાં આ પ્રક્રિયા વધુ ચિંતાપ્રેરક બની છે.
કોમ્યુનિટીને અતિશય કડક બિડ સબમિશન ટાઈમલાઈન અપાઈ હતી તેમજ વાસ્તવિક સ્પર્ધાત્મક અથવા માહિતીપ્રદ રજૂઆત કરી શકાય તે માટે પૂરતી અથવા પૂર્ણ સામગ્રી પણ પૂરી પાડવામાં આવતી નથી. આમ છતાં, વાજબી અને પારદર્શક પ્રોસેસમાં ભાગ લઈ રહ્યા હોવાની માન્યતા સાથે BHSદ્વારા માગણી અનુસાર અને નિયત સમયગાળામાં બિડ સબમિટ કરી દેવાઈ હતી જોકે, આ વિશ્વાસ ડગી ગયો જ્યારે ચાવીરૂપ નિર્ણયો અચાનક કેબિનેટ સમક્ષ મોકલી અપાયા તેનાથી અર્થસભર વાતચીત અને ચકાસણી મર્યાદિત બની ગઈ. કોમ્યુનિટીના મતે કેબિનેટનો નિર્ણય સામાજિક મૂલ્ય અને કોમ્યુનિટી પરની અસરોના સ્પષ્ટ મૂલ્યાંકન સહિત સંપૂર્ણ અને ચોકસાઈપૂર્વકની માહિતી વિના લેવાયેલા છે.’ તેમણે એમ પણ જણાવ્યું હતું કે,‘ વર્ષો સુધી વાટાઘાટો કરવી એ કોઈ રમૂજ નથી. આ યાત્રા શરૂ કરનારા લોકોમાંથી કેટલાક આજે અમારી સાથે નથી. યોગ્ય વિચારણા કરાયા વિના આટલી હદે પહોંચવું તે હૃદયભંગ સમાન છે.’
ટ્ર્સ્ટીઓ કહે છે કે,‘અમે માત્ર મંદિર નથી- અમે કોમ્યુનિટી રિસોર્સ છીએ. ‘વસુધૈવ કુટુમ્બકમ્’ના માર્ગદર્શન સાથે અમારા દ્વાર બધા માટે ખુલ્લાં છે. અહીં માત્ર ઈમારત પર જોખમ નથી, પરંતુ શહેરના સામાજિક પોતના મહત્ત્વના હિસ્સા સામે જોખમ છે.’
17 વર્ષની સામ્યુએ કહ્યું હતું કે, ‘ આ કોમ્યુનિટી મારાં જન્મથી મારો હિસ્સો રહી છે. હું અહીં ઉછરી છું, પરફોર્મ કર્યું છે, દરેક માઈલસ્ટોન ઉજવ્યાં છે. હવે તેને ગુમાવવું પડે તે આઘાતજનક બની રહેશે.’ સીનિયર લંચ ક્લબ મેમ્બર મીનાબહેને ઉમેર્યું હતું કે, ‘આ સેન્ટર છે જ્યાં અમે આનંદ-ખુશી અને દુઃખ-દર્દ વહેંચ્યા છે. આ અમારું હૃદય છે. તેને લઈ લેવું અન્યાયી ગણાશે.’
મંદિરના પૂજારી ધર્મેશભાઈ પંડ્યાએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘ પવિત્ર પ્રાણ પ્રતિષ્ઠા સાથે આ મંદિર જીવંત આધ્યાત્મિક હાજરી બન્યું છે. તેને ખાલી પ્રોપર્ટી ગણાવી શકાય નહિ. તેને ગુમાવવાથી હજારોના હૃદય તૂટી જશે.’


