લંડનઃ મનોવિજ્ઞાનીઓ દ્વારા એક સંશોધનમાં જે સમાજોમાં પુરુષોની બહુમતી હોય તે વધુ સ્થિર હોવાનો દાવો કરાયો છે કારણકે સ્ત્રીઓને આકર્ષવા માટે પુરુષો પોતાની નકારાત્મક લાગણીઓ પર કાબુ રાખે છે. કોઈ જૂથમાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ હોય ત્યારે પુરુષો વધુ જોખમ ઉઠાવતા હોય છે. સ્ત્રીઓની બહુમતી હોય તેવા સમાજમાં પુરુષો બેપરવા સેક્સ જેવી વર્તણૂક અપનાવતા જણાય છે. નિષ્ણાતો માને છે કે કોઈ પણ જાતિ-પુરુષ કે સ્ત્રી બહુમતીમાં હોય, પાર્ટનર્સ શોધવામાં ભારે સ્પર્ધા થતી રહે છે અને પ્રજનન સ્ટ્રેટેજી બદલાતી રહે છે.
ટ્રેન્ડ્સ ઈન કોગ્નિટિવ સાયન્સીસ જર્નલમાં પ્રસિદ્ધ અમેરિકન સંશોધન અનુસાર પુરુષોની બહુમતી હોય તેવો સમાજ કે સમુદાય વધુ સ્થિર હોય છે કારણકે સંભવિત પાર્ટનર્સને પ્રભાવિત કરવા તેઓ શ્રેષ્ઠ વર્તન કરે છે. બીજી તરફ, સ્ત્રીઓનું પ્રમાણ વધુ હોય ત્યારે પુરુષો વધુ સ્પર્ધાત્મક બની જાય છે અને વિરુદ્ધ જાતિને આકર્ષવા વધુ જોખમ લેવા સાથે હિંસક આચરણ પણ કરે છે. સંશોધન કહે છે કે સ્ત્રીઓનું પ્રમામ ઓછું હોય ત્યારે પુરુષો સંબંધોને જાળવી રાખવા સારા પતિ અને પ્રેમાળ પિતા બની રહેવાનો પ્રયાસ કરે છે. જ્યારે સ્ત્રીઓ બહુમતીમાં હોય ત્યારે પુરુષો તેમની સાથે સંકળાયેલી કેઝ્યુઅલ સેક્સ જેવી વર્તણૂકો અપનાવે છે.
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ઓફ સાયકોલોજી જોન મેનર કહે છે કે,‘ કોઈ પણ વાતાવરણ-ઈકોલોજીમાં પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતાં ઓછી હોય ત્યારે હિંસક અપરાધોની સંખ્યા આસમાને પહોંચી જવાની, લગ્નોમાં અસ્થિરતા તેમજ લગ્ન વિના બાળકોના વધુ જન્મની શક્યતા વધી જાય છે. આનાથી વિપરીત પણ જોવામાં આવ્યું છે.’