BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ મુંબઈમાં દાદર ખાતે બિરાજમાન છે. ૧૦મીએ સવારે પૂજા દર્શન બાદ આશીર્વચનમાં તેમણે કહ્યું,‘ વચનામૃત વંચાતુ હોય તો શ્રીજી મહારાજનો સમાગમ કર્યો કહેવાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતો વંચાતી હોય તો તેમનો સમાગમ કર્યો કહેવાય. ૧૨મીએ પૂ. મહંત સ્વામીની નિશ્રામાં વૈદિક વિધિ સાથે મુંબઈ BAPS મંદિરના ૩૬મા પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. ઠાકોરજીને અન્નકૂટ ધરાવાયો હતો. પૂ. મહંત સ્વામીએ આરતી ઉતારી હતી. આરતી પછી તેમણે કહ્યું,‘ બધા તને, મને ધને સુખી થાય અને બધાના હૃદયમાં સત્સંગ સ્થપાય એવા આશીર્વાદ છે.’ સાંજની સભામાં જે સંતો દાદર મંદિરમાં રહી ચૂક્યા હતા તેમણે તેમની સ્મૃતિઓ વર્ણવી હતી. પૂ. મહંત સ્વામીએ પણ પોતાની સ્મૃતિ વર્ણવ્યા બાદ કહ્યું,‘ આ સરસ મંદિર છે તો બધા સંકલ્પો પડ્યા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને ભજન, ભક્તિ અને પ્રદક્ષિણા કરવા.’ ૧૩મીએ પૂ. મહંત સ્વામીએ સાકરી વિસ્તારના માણેકપુરના હરિમંદિરની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. આશીર્વચનમાં તેમણે જણાવ્યું,‘ મહારાજના ચરણમાં જ અડસઠ તીરથ આવી ગયા. આપણે ભગવાન અને સંતમાં દ્રઢપણે જોડાઈ જવું.’ ૧૪મીને શનિવારે સવારના પૂજા દર્શન બાદ આશીર્વચનમાં તેમણે કહ્યું,‘ ભગવાન સુખના ધામ છે. એમાં વૃત્તિ રાખોને. માયિક પદાર્થમાં જરાપણ આસક્તિ રહે તે ખુવાર કરે.’૧૫મીએ સવારે આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ સત્સંગ જ આ છે - કોઈ પ્રકારનું માન રાખવું નહીં અને દાસના દાસ થવું.’ સાંજે રવિસભામાં પ્રાપ્તિ વિષયક કીર્તન અને પ્રસંગો કહેવાયા હતા. પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ મોટા પુરુષના અવગુણ લે તે ખોટું છે. તે બધું બંધ કરે તો આગળ વધ્યા કરે.’ ૧૬મીથી પૂ. મહંત સ્વામી દરરોજ બ્રહ્મવિદ્યાનો પાઠ આપવાનું શરૂ કર્યું છે. તેમાં તેમણે કહ્યું,‘ બીજા બધાં સાધનોનું ફળ સત્સંગ છે.’


