પૂ. રામબાપાનો ૧૦૦મો જન્મદિન ઉજવવા ભાવિકો-શુભેચ્છકો લોકડાઉનમાં પણ ઉમટ્યા

Wednesday 03rd June 2020 09:00 EDT
 
 

લંડનઃ ગત સપ્તાહે ૨૮ મે, ગુરુવારે પૂજ્ય રામબાપાના ૧૦૦મા જન્મદિનની ઉજવણીમાં ભાવિકો અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. કમનસીબે કોરોના લોકડાઉનના કારણે ૩૦ કરતા વધુ વર્ષથી ચાલી રહેલો પરંપરાગત ‘હરિ નામ ધૂન’ કાર્યક્રમ પ્રથમ વખત જ યોજાઈ શક્યો ન હતો. જોકે, ભાવિકો અને શુભેચ્છકો આ પવિત્ર પ્રસંગને અને યુકેના સૌથી વરિષ્ઠ હિન્દુ સંતના જીવનના સીમાચિહ્નને દીપાવવા ઉમટી પડ્યા હતા.
પૂજ્ય રામબાપા સમગ્ર વિશ્વના મંદિરો અને કોમ્યુનિટી સેન્ટરો માટે સતત પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક બની રહ્યા છે. માત્ર યુકેમાં જ ૫૦થી વધુ સ્થળોએ તેમને દેવ-દેવીની મૂર્તિઓ ભેટ આપી છે. અને જરૂરતમંદોને દાનસેવા આપી છે. આથી, ઘણા લોકોએ તેમના માનમાં શ્રેણીબદ્ધ ડિજિટલ કાર્યક્રમો યોજવાની ઓફર કરી તેમાં જરા પણ આશ્ચર્ય નથી. ગ્રીનફોર્ડના શ્રી જલારામ મંદિર દ્વારા તેમના ૨૮ મેના જન્મદિને પૂજ્ય બાપાને મનપસંદ હનુમાન ચાલીસાના ૨૧ પાઠનું ઓનલાઈન ગાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશની કેટલીક સૌથી જૂની મંડળીઓએ એકત્ર થઈ ‘ઝૂમ’ મારફત પરંપરાગત ગુજરાતી ભજનો ગાવાનું આયોજન કર્યું હતું. વિશ્વ ભજન મંડળ (લેસ્ટર), વિષ્ણુભાઈ સિકોતરા, મધુભાઈ સોની અને લાડવા પરિવાર (૩૦ મે) તેમાં જોડાયા હતા. પિયુષભાઈ મહેતાએ ૩૧ મેએ વિષ્ણુ સહસ્રનામ યજ્ઞનું આયોજન કર્યું હતું. ભારતમાં રામાયણના સુંદરકાંડ અધ્યાયનું ગાયન દિલ્હીના લોકેશ શર્મા અને અજય કે. યાજ્ઞિક દ્વારા હાથ ધરાયું હતું. દુબાઈમાં પણ ભાવિકોએ નાના જૂથોમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. આ તો માત્ર આરંભ છે, આગામી સપ્તાહો અને મહિનાઓમાં અન્ય ઘણા કાર્યક્રમો થવાના છે.
પૂજ્ય રામબાપાના ૧૦૦મા જન્મદિનની વિશેષતા એ રહી કે ભક્તિવેદાંત મેનોર (વોટફોર્ડ) મંદિરના ટ્રસ્ટીઓએ શ્રી રામજી અને શ્રી હનુમાનજીની મૂર્તિઓ પર ચડાવાયેલા હાર પૂજ્ય રામબાપાને પ્રસાદ સ્વરુપે મોકલી આપ્યા હતા. રામબાપાની દીકરી ભારતીદેવી કંટારિયાએ આ હાર રામબાપાને પહેરાવ્યા હતા. પૂજ્ય રામબાપાએ ૧૯૮૧માં શ્રી રામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ ભક્તિવેદાંત મેનોર મંદિરને દાનમાં આપી હતી. બાપાએ આ દિવ્ય પ્રસાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી.
પૂજ્ય રામબાપાએ તેમનો જન્મદિન નિકટના પરિવારજનો સાથે ગાર્ડનમાં પસાર કર્યો હતો. તેમણે વિશ્વભરમાંથી સંતો, કોમ્યુનિટી અગ્રણીઓ, શ્રદ્ધાળુઓ, ભક્તો અને શુભેચ્છકોના સેંકડો કોલ્સ અને સંદેશાઓ મેળવ્યા હતા. કેનેડાથી એક શુભેચ્છકે સંદેશામાં જણાવ્યું હતું કે,‘પૂજ્ય રામબાપા અનોખા અને વિશિષ્ટ આત્મા છે જેમણે જીવનકાળમાં સંપૂર્ણ વિનમ્રતા સાથે અભૂતપૂર્વ હાંસલ કર્યું છે. તેઓ પ્રેરણા, માર્ગદર્શક પ્રકાશ અને દીવાદાંડી છે તેમજ માનવજાત માટે અદ્ભૂત આદર્શ છે.’
યુકેમાં લોકડાઉન ઉઠાવી લેવાય તે પછી જિજ્ઞાસુ સત્સંગ મંડળ પૂજ્ય રામબાપાના સ્વાસ્થ્ય અને સત્સંગ, સેવા અને સમર્પણના આધ્યાત્મિક જીવન અને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે સતત નવ કલાક સુધી તેમના પરંપરાગત ‘હરિ નામ ધૂન’ કાર્યક્રમનું આયોજન કરવા માગે છે. પૂજ્ય રામબાપાના પરિવાર દ્વારા વિડિયો તૈયાર કરાયો છે જેમાં, ગત ૩૦ વર્ષના આ વાર્ષિક કાર્યક્રમની ઝલક દર્શાવાઈ છે, જે રામબાપાની યૂટ્યુબ ચેનલ અને Facebook @pujyarambapa પર નિહાળી શકાશે.
પૂ. રામબાપાના દીકરી ભારતીદેવી પણ દિવ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા એનએચએસ ફ્રંટ લાઈન વર્કરોને અને એમ્બ્યુલન્સ સેવાને વિનામૂલ્યે ભોજન પહોંચાડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter