બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી સમગ્ર વિશ્વમાં એક પ્રેરણાદાયી નેતા, સર્જનાત્મક વિચારક, પ્રેરક વક્તા અને માનવતાવાદી કાર્યોના ધ્વજવાહક તરીકે આગવી ઓળખ ધરાવે છે. તેમણે તેમના પ્રિય ગુરુહરિ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ પાસેથી દીક્ષા સ્વીકાર કર્યાના 42 વર્ષ પૂર્ણ કર્યા છે.
ગુજરાતી ઇમિગ્રન્ટ માતાપિતાને ત્યાં જન્મેલા બ્રહ્મવિહારી સ્વામી લેસ્ટરમાં ઉછર્યા અને શાળાકીય અભ્યાસ દરમિયાન શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. GCSEમાં A ગ્રેડથી તેમના માટે ઓક્સફર્ડ કે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરવાની ઉજળી તકો હતી. જોકે, તેમણે ઉજ્જવળ વ્યાવસાયિક કારકીર્દિને જાકારો આપીને આધ્યાત્મિક માર્ગ પર પસંદગી ઉતારી. તેઓ સાધુ તરીકે દીક્ષા લેવા માટે 1981માં ભારત પ્રવાસે ગયા. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી દરમિયાન 12 એપ્રિલ 1981ના રોજ અમદાવાદમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પાસેથી તેમણે દીક્ષા અંગીકાર કરી.
બ્રહ્મવિહારી સ્વામી સ્વામિનારાયણ અક્ષરધામ, નીસ્ડન મંદિર અને ‘મિસ્ટિક ઈન્ડિયા’ ફિલ્મ જેવા અનેક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રોજેક્ટ્સની ક્રિએટીવ ટીમનો ભાગ રહ્યા છે. તેઓ ગાંધીનગર, નવી દિલ્હી અને રોબિન્સવિલે - ન્યૂ જર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામને સાકાર કરનારી ટીમમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ચાર - ચાર વિક્રમ નોંધાવનાર નિસ્ડન મંદિરની કોર ટીમનો પણ તેઓ મહત્ત્વનો ભાગ રહ્યા છે. તેમણે લંડન, યુકે, ટોરોન્ટો અને નૈરોબી ખાતેના બીએપીએસ મંદિરોના એક્ઝિબિશનની ડિઝાઇન તૈયાર કરવાની સાથે સાથે ક્રિએટિવ સ્ક્રિપ્ટ પણ તેમણે લખી છે. તેમણે નવી દિલ્હી અને ગાંધીનગર અક્ષરધામનું આગવું નજરાણું એવા વોટર સ્પેક્ટેક્યુલર શો તેમજ ‘મિસ્ટિક ઈન્ડિયા’ જાયન્ટ સ્ક્રીન ફિલ્મના ડિઝાઈન અને નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજ અને વરિષ્ઠ સાધુઓના માર્ગદર્શનમાં તેઓ બીએપીએસની ધાર્મિક, સાંસ્કૃતિક, માનવતાવાદી અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવામાં મદદરૂપ થાય છે. હાલમાં તેઓ અબુ ધાબીમાં સાકાર થઇ રહેલા મિડલ ઇસ્ટના સૌપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના ઐતિહાસિક પ્રોજેક્ટનું સુકાન સંભાળી રહ્યા છે.
બ્રહ્મવિહારી સ્વામીએ શાંતિ અને સહિષ્ણુતા ઉદ્દેશ સાથે યોજાયેલી અનેક કોન્ફરન્સમાં હાજરી આપી સનાતન ધર્મનો ધ્વજ લહેરાવ્યો છે. તેઓ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના એવા 1200 સાધુઓમાંના એક છે, જેઓ વિશ્વભરમાં 160 કરતાં પણ વધુ માનવતાવાદી પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. તે બીએપીએસ કોર કમિટીના સૌથી યુવા સભ્ય છે, જે સંસ્થાની વૈશ્વિક પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખે છે અને સંચાલન કરે છે. આ ઉપરાંત, તેઓ બીએપીએસની મુખ્ય રચનાત્મક ટીમનો એક અભિન્ન ભાગ છે. બ્રહ્મવિહારીદાસજીએ સમગ્ર વિશ્વમાં પ્રવાસ કર્યો છે અને વૈશ્વિક સંસ્કૃતિઓ, ઇતિહાસ અને ફિલસૂફીનો ગહન અભ્યાસ કર્યો છે. ભૂજ-કચ્છનો વિનાશક ભૂકંપ હોય, તામિલનાડુમાં સુનામી હોય કે પછી અન્ય કોઇ સ્થળ હોય, બ્રહ્મવિહારીદાસજીએ બીએપીએસ દ્વારા હાથ ધરાતા રાહત કાર્યોનું નેતૃત્વ કર્યું છે. સમાજના સામાજિક અને આધ્યાત્મિક ઉત્થાનમાં ઉલ્લેખનીય યોગદાન બદલ ગુજરાત યુનિવર્સિટીએ તેમને માનદ્ પીએચડીથી સન્માનિત કર્યા છે.


