પૂર્વ ડચ વડાપ્રધાને પત્ની સાથે ઈચ્છામૃત્યુ પસંદ કર્યુંઃ હાથમાં હાથ પરોવીને દેહ છોડ્યા

Sunday 25th February 2024 06:55 EST
 
 

એમ્સ્ટર્ડમઃ દુનિયા આખી 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરે છે અને એકમેકના પ્રેમનો સ્વીકાર કરે છે, પણ નેધરલેન્ડ્સમાં આ પૂર્વે જ એક દંપતીએ 70 વર્ષના પ્રેમનો અંત આણ્યો છે. નેધરલેન્ડ્સના પૂર્વ વડાપ્રધાન ડ્રાઈસ વેન એગ્ટ અને તેમનાં પત્ની યુજેને એકસાથે પ્રાણ ત્યાગ્યા છે. બંને 93 વર્ષનાં હતાં. પતિ-પત્ની એકબીજાના હાથમાં હાથ પરોવીને કાયદેસર ઇચ્છામૃત્યુથી મૃત્યુને શરણ ગયાં હતાં. આ દંપતીએ પાંચમી ફેબ્રુઆરીએ કાયદેસર રીતે ઇચ્છામૃત્યુ પસંદ કર્યું હતું. એગ્ટ અને તેમનાં પત્ની યુજેન બંને થોડા સમયથી કથળતા આરોગ્યને લીધે પરેશાન હતાં.
ડ્રાઈસ વેન એગ્ટ 1977થી 1982 દરમિયાન નેધરલેન્ડ્સના વડાપ્રધાન હતા. તેઓ નેધરલેન્ડ્સની ક્રિશ્ચિયન ડેમોક્રેટિક અપીલ પાર્ટીના પ્રથમ નેતા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, એગ્ટને 2019માં બ્રેઈન હેમરેજ થયું હતું. ત્યાર બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ ન થયા. તેમનાં પત્ની યુજેન પણ બીમાર રહેતાં હતાં. બંને માટે હરવાફરવાનું મુશ્કેલ થઈ ગયું હતું. જોકે પતિપત્ની એકબીજા વગર રહી શકતાં નહોતાં, તેથી બંનેએ એકસાથે ઇચ્છામૃત્યુ પસંદ કર્યું હતું. પતિ એગ્ટ પોતાનાં પત્નીને હમેશાં ‘માય ગર્લ’ કહીને બોલાવતા હતા.
રિપોર્ટ અનુસાર, એગ્ટ અને તેમનાં પત્ની યુજેનને બાજુ બાજુની કબરમાં દફનાવવામાં આવ્યાં હતાં. નેધરલેન્ડ્સમાં ડુઓ યૂથેનેસિયા કે ઇન્જેક્શન આપીને ઇચ્છામૃત્યુનું ચલણ વધી રહ્યું છે.
નેધરલેન્ડ્સમાં વર્ષે 1000 લોકો ઇચ્છામૃત્યુ પસંદ કરે છે
આ દેશમાં દર વર્ષે લગભગ 1000 લોકો મૃત્યુ માટે ઇચ્છામૃત્યુ પસંદ કરે છે. એકલા 2022ના વર્ષે અહીં 29 દંપતીએ ઇચ્છામૃત્યુનો વિકલ્પ પસંદ કર્યો હતો. નેધરલેન્ડ્સમાં વર્ષ 2000માં યૂથેનેસિયા એટલે કે ઇચ્છામૃત્યુને કાયદેસર માન્યતા મળી હતી. આ કાયદા હેઠળ પીડિત વ્યક્તિ છ પરિસ્થિતિઓમાં મૃત્યુની માગણી કરી શકે છે. એવી બીમારી હોય જેમાં અસહ્ય પીડા થતી હોય, જેની સારવાર ન હોય કે આરોગ્યમાં સુધારાની કોઈ શક્યતા ન હોય તેવી બીમાર વ્યક્તિ ઇચ્છામૃત્યુની માગ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter