પૂર્વ મેજિસ્ટ્રેટે ટેક્સની ઠગાઈના £૨૫૪,૩૭૫ ચૂકવવા પડશે

Monday 19th June 2017 04:56 EDT
 
 

લંડનઃ ટેક્સની ઠગાઈ કરનારા ૫૮ વર્ષીય પૂર્વ મેજિસ્ટ્રેટ ઝહેર સોમાણી અને તેના ભાઈ પ્યારઅલી સોમાણીએ ત્રણ મહિનામાં કુલ ૪૪૩,૧૯૦ પાઉન્ડની રકમ પરત ચુકવવી પડશે અથવા વધુ જેલવાસ કરવો પડશે તેવો ચુકાદો નોટિંગહામ ક્રાઉન કોર્ટે ૧૨ જૂને આપ્યો હતો. ઝહેર સોમાણીને ૨૦૧૫માં ટેક્સ ફ્રોડ અને મની લોન્ડરિંગ ગુનામાં જેલ થઈ છે. આ કાવતરામાં ભાગ લેવા બદલ પ્યારઅલી અને અન્ય પરિવારજનોને પણ જેલની સજા થઈ છે.

HMRC તપાસમાં જણાયું હતું કે તેણે પોતાની આવક અંગે જુઠાણુ આચર્યું હતું અને લાફબરોની બે ટેક્સી કંપનીઓનો નફો ઓફશોર બેન્કખાતાઓમાં છુપાવ્યો હતો. લાફબરો વિસ્તારમાં મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપનારા ઝહેરે ત્રણ મહિનામાં ૫૪,૦૦૦ની કોસ્ટ સાથે કુલ ૨૫૪,૩૭૫ પાઉન્ડ ચુકવવાના રહેશે અન્યથા વધુ બે વર્ષ જેલમાં ગાળવા પડશે તેવો ચુકાદો કોર્ટે આપ્યો છે. પ્યારઅલીએ ૨૮,૦૦૦ની કોસ્ટ સાથે કુલ ૧૮૮,૮૧૨ પાઉન્ડ ચુકવવાના રહેશે.

સોમાણી લાફબરોમાં બે ટેક્સી કંપનીનો માલિક હતો અને તેના કાફલામાં ૩૦ ખાનગી ટેક્સી હતી. તેણે સેલ્ફ એસેસમેન્ટ રિટર્નમાં પોતાની કમાણી ખોટી દર્શાવી હતી અને તેની કંપનીના નફાને છુપાવવામાં પરિવારે મદદ કરી હતી. પરિવારે કેનેડા, તુર્કી અને મોરોક્કોમાં પ્રોપર્ટી, ખાનગી શાળાઓ ખરીદી હતી તેમજ સમગ્ર વિશ્વમાં ઓફશોર બેન્કખાતાંમાં રોકડ રકમો જમા કરાવી હતી અને જગારની મોજ માણી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter