લંડનઃ અસમાન પેન્શન્સના વિરોધમાં ગુરખા જૂથ દ્વારા કરાયેલી હંગર સ્ટ્રાઈકનો આખરે અંત આવ્યો છે. સરકારે મંત્રણા માટે સંમતિ દર્શાવ્યા પછી બ્રિટિશ આર્મીના પૂર્વ સૈનિકો સાથે સમાન પેન્શનના મુદ્દે ૧૩ દિવસથી ચાલતી ભૂખહડતાળ સમેટી લેવાઈ હતી. ડિફેન્સ મિનિસ્ટ્રીના અધિકારીઓ આગામી મહિને નેપાળના એમ્બેસેડર અને ગુરખા જૂથ સાથે વાતચીત કરશે.
ગુરખા ઈક્વલ રાઈટ્સ ગ્રૂપે ટ્વીટર પર જણાવ્યું હતું કે બંને સરકારો વાતચીત કરવા સંમત થયા પછી ભૂખહડતાળ સમેટી લેવાઈ છે. ડિફેન્સ મિનિસ્ટ્રીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘ગ્રૂપ દ્વારા તેમના ઉપવાસ તોડાયાથી તેમને ખુશી થઈ છે અને હવે આગળ વધવાની આશા છે. અમારી પ્રાથમિકતા અમારા સેવારત અને નિવૃત્ત પર્સોનેલના આરોગ્ય અને કલ્યાણની રહી છે અને આ સ્ટ્રાઈક અમે ઉત્તેજન આપીએ તે નથી.’ યુકે નેપાલ ફેલોશિપ સોસાયટીના ચીફ એક્ઝિક્યુટિવ એલન મર્સેલ-સાન્કાએ જણાવ્યું હતું કે સરકારને જબરદસ્ત નેતિક દબાણનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘ સામાન્ય બ્રિટિશ પ્રજા આપણા ગુરખાઓને બ્રિટિશરો કરતાં પણ વધુ બ્રિટિશ માને છે અને ૬૦ વર્ષથી વધુના પીઢ સૈનિકોએ આવી હાલતમાં મૂકાવું પડ્યું તેનાથી ભારે આઘાત અનુભવ્યો છે.’
ઉપવાસમાં જોડાયેલા બેસિંગ્સટોક, હેમ્પશાયરના ૪૦ વર્ષીય ધન ગુરુંગના હૃદયના ધબકારા ધીમા થઈ ગયા પછી ગત બુધવાર ૧૮ ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જોકે, તેમને ડિસ્ચાર્જ કરાયા પછી તેઓ ફરી અનશનમાં જોડાઈ ગયા હતા. વ્હીલચેરમાં બેઠેલા ગુરુંગ સાથે પૂર્વ સૈનિક જ્ઞાનરાજ રાય અને નેપાળથી આવેલાં ૫૯ વર્ષના વિધવા પુષ્પા રાણા ઘાલે પણ ઉપવાસમાં સામેલ થયાં હતાં.
ત્રણે ઉપવાસીઓએ અગાઉ જણાવ્યું હતું કે ભૂખહડતાલ આખરી શસ્ત્ર છે પરંતુ, તેઓ તેંમને સમાન ગણવામાં આવે તે માટે તેઓ મરવા માટે પણ તૈયાર છે. ગત સપ્તાહે મિ. ગુરુંગે જણાવ્યું હતું કે ૧૯૯૪માં તેમનું માસિક પેન્શન માત્ર ૨૦ પાઉન્ડ હતું અને બ્રિટિશ સરકારની પેની બચાવવાની નીતિએ તેમને અને પરિવારને ગરીબીમાં રહેવાની ફરજ પડી હતી. લંડનમાં બુધવારે આ જૂથના સપોર્ટમાં ૧૦૦થી વધુ લોકોએ વિરોધકૂચ આદરી હતી.
બ્રિટિશ આર્મીમાં ૧૯૯૭ પહેલા નિવૃત્ત થયેલા ગુરખાઓને બ્રિટનમાં જન્મેલા લશ્કરી સૈનિકો કરતાં ઓછું પેન્શન મળે છે કારણકે ગુરખા પેન્શન સ્કીમ (GPS) ભારતીય લશ્કરના દરો પર આધારિત હતી. ગુરખા લોકોએ બે વિશ્વ યુદ્ધમાં બ્રિટિશ આર્મીમાં સેવા આપી હતી તેમજ ગત ૫૦ વર્ષ દરમિયાન હોંગ કોન્ગ, મલેશિયા, બોર્નિઓ, સાયપ્રસ, ફોકલેન્ડ ટાપુઓ, કોસોવો, ઈરાક એને અફઘાનિસ્તાનમાં પણ સેવા આપી છે.