પેરિસમાં બીએપીએસ હિન્દુ મંદિરઃ 56 વર્ષ બાદ સપનું સાકાર

Tuesday 25th August 2026 04:44 EDT
 
 

બુસી-સેંટ-જ્યોર્જેસ (પેરિસ)ઃ ફ્રાન્સમાં બીએપીએસના મંદિર નિર્માણનું સપનું 56 વર્ષ બાદ સાકાર થયું છે. ફ્રાન્સમાં મંદિર નિર્માણનો વિચાર સૌપ્રથમ 1970માં આવ્યો હતો. ત્યારબાદ 1995માં પેરિસમાં આ યોજના પર કામ આગળ વધારાયું હતું. વર્ષ 2017માં જમીન સંપાદન બાદ 2021થી નિર્માણ કાર્ય શરૂ થયું હતું. આમ 56 વર્ષના અંતરાલ બાદ 2026માં મંદિર નિર્માણનો મનોરથ પૂરો થયો છે.
બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે વિવિધ ધર્મોના ઉપાસના સ્થાનોને સમાવતા એસ્પ્લેનેડ દેસ રિલિજિયન્સ એટ દેસ કલ્ચર્સ ખાતે આ મંદિરનું નિર્માણ કરાયું છે.
2017માં પેરિસમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલ સભામાં બુસી-સેંટ-જ્યોર્જેસના મેયર યાન ડ્યુબોસ્ક દ્વારા મંદિર માટે જમીન ફાળવણીની જાહેરાત કરાઇ હતી. આ પછી 2021માં બીએપીએસના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન વિધિ અને 2022માં શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ હતી.

પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે પેરિસમાં
યોજી હતી પહેલી સત્સંગ સભા

ઉલ્લેખનીય છે કે 1970માં પેરિસમાં ટૂંકા રોકાણ દરમિયાન, બીએપીએસના ગુરુ યોગીજી મહારાજે ફ્રાન્સમાં સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. 1982માં એફિલ ટાવર નજીક એકત્ર થયેલા નાના સમૂહ સાથે પેરિસમાં બીએપીએસની પ્રથમ સત્સંગ સભા યોજાઈ હતી. પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પે અને પ.પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી બનેલું આ મંદિર પ્રાચીન ભારતીય સ્થાપત્ય, કળા, આધ્યાત્મિક વારસા અને સેવાનું વિરલ સ્થાન બની રહેશે.

પરંપરાગત હિન્દુ મંદિર સ્થાપત્યના
સિદ્ધાંતો આધારિત રચના

મંદિરની ડિઝાઇન બીએપીએસ દ્વારા પરંપરાગત હિન્દુ મંદિર સ્થાપત્યના સિદ્ધાંતો સાથે તૈયાર કરાઇ છે, જેને ફ્રાન્સના ઈજનેરી, પર્યાવરણ અને બાંધકામના ધોરણો સાથે સાકાર કરવા પ્રસિદ્ધ ફ્રેન્ચ આર્કિટેક્ચર ફર્મ આર્તે ચાર્પેન્ટીયેર (Arte Charpentier)ને કામગીરી સોંપાઇ હતી. આ મંદિરના નિર્માણકાર્યમાં આર્તે ચાર્પેન્ટીયેર ઉપરાંત બાતેગ (વિન્સી કન્સ્ટ્રક્શનની સહયોગી કંપની) અને જીએસ કન્સ્ટ્રક્શન (ઇન્ટિરિયર ફિનિશીંગ)નો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે 13 જુલાઈ, 2023ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પેરિસમાં બીએપીએસ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ આર્તે ચાર્પેન્ટીયેરના આર્કિટેકટ્સ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે મંદિર નિર્માણની યોજના અને મંદિરનું થ્રી-ડી મોડેલ રજૂ કરાયું હતું.
એપ્રિલ 2024માં, પ.પૂ. મહંત સ્વામી મહારાજે મંદિરના અંતિમ નકશા પર એક ફ્રેન્ચ શબ્દ લખીને શુભાશિષ આપ્યા હતા. આ શબ્દ હતો - 'Bénédictions' એટલે કે આશીર્વાદ. 2024માં સત્તાવાર રીતે મંદિરના નિર્માણકાર્યની શરૂઆત કરાઇ હતી, અને પાયાના સ્તંભનું કાર્ય 4 જૂન 2024ના રોજ શરૂ થયું અને એ જ વર્ષે પાછળથી ભારતમાં પ્રથમ પથ્થરની પૂજનવિધિ સંપન્ન થઈ હતી. જાન્યુઆરી 2026 માં ભારતમાં કોતરાયેલા પથ્થરોનું પ્રથમ કન્ટેનર પેરિસ ખાતે પહોંચ્યું હતું.
આ ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણમાં ભારતીય કારીગરો અને ફ્રેન્ચ ઈજનેરોની સાથે વિખ્યાત નોત્ર-દામ કેથેડ્રલના પુનઃ સ્થાપન કાર્ય સાથે જોડાયેલ ફ્રેન્ચ સંસ્થા એચ શેવાલિયેર (H Chevalier)ના નિષ્ણાતો પણ સામેલ છે.

5 હજાર ચોરસ મીટરમાં ફેલાવો
5 શિખરો, 10 ઘુમ્મટો અને 20 કંડારેલા સ્તંભ

પ્રાચીન ભારતીય સ્થાપત્ય શાસ્ત્રોથી લઈને આધુનિકતમ ટેક્નોલોજીના વિનિયોગથી નિર્મિત આ મંદિરનું સર્જન તેની વિવિધતા અને કળા કૌશલ્યથી વિશ્વમાં અજોડ છે. ભારતના કુશળ કારીગરો દ્વારા હાથથી કોતરવામાં આવેલાં 1000 કરતાં વધુ પથ્થરો અને કાષ્ઠના ટુકડાઓમાં સૂક્ષ્મ અને સુંદર કોતરણી કરવામાં આવી છે. આ પ્રત્યેક ભાગને અત્યંત કાળજીપૂર્વક તૈયાર કરી, કોડ નંબર આપીને ફ્રાન્સમાં એસેમ્બલિંગ માટે મોકલવામાં આવ્યા હતા.
સમગ્ર મંદિર સંકુલ 5000 ચોરસ મીટર એટલે કે 53,800 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં 5 શિખરો, 10 ઘુમ્મટો, 20 કંડારેલાં સ્તંભો, 120 ઝરૂખાઓ, 49 ચરિત્ર શિલ્પ પેનલ અને 4 સુશોભિત છત્રીઓનો સમાવેશ થાય છે.

મંદિર સંકુલ માત્ર ઉપાસનાનું નહીં,
સામાજિક-સાંસ્કૃતિ સેવાઓનું પણ કેન્દ્ર

આ મંદિર ઉપાસના સ્થાનની સાથે સાથે આંતર સાંસ્કૃતિક સંવાદ, શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક સેવાઓના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેમાં પ્રદર્શન ખંડ, વર્ગખંડો, સભાગૃહ, સેમિનાર હોલ, સ્પોર્ટ્સ હોલ, કાફેટેરિયા, ગિફ્ટ શોપ જેવી સુવિધાઓ હશે. આ ઉપરાંત પર્યાવરણ રક્ષા - સસ્ટેનેબિલિટીને અનુરૂપ સુવિધાઓમાં - રેઈન વોટર હાર્વેસ્ટિંગ (વરસાદી પાણી સંગ્રહ વ્યવસ્થા), LED સેન્સર લાઈટિંગ, રૂફટોપ ગાર્ડન અને અંડરફ્લોર હીટિંગનો સમાવેશ થાય છે.

નિર્માણમાં અંબાજીથી લઇને વિયેતનામ
અને ઇટલીના માર્બલનો ઉપયોગ

મંદિરના નિર્માણમાં મુખ્યત્વે ગ્રીસના થાસોસ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતના અંબાજી માર્બલ અને વિયેતનામ, ઈટલીથી મેળવાયેલા માર્બલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં ગ્વાલિયરના સેન્ડસ્ટોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
પથ્થરોથી બનેલા આ પરંપરાગત શિખરબદ્ધ મંદિરમાં ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરનું માળખાકીય ફ્રેમવર્ક ફ્રાન્સની આધુનિક ઈજનેરી પદ્ધતિઓ અનુસાર કોન્ક્રીટનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે.

મંદિરના આંગણે ફેસ્ટિવલ ઓફ કલ્ચર:
13 દિવસનો શાનદાર સાંસ્કૃતિ મહોત્સવ

આ ભવ્યાતિભવ્ય મંદિરના લોકાર્પણ પ્રસંગે 13 દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ - ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર ’ ઉજવવામાં આવશે. બીજી સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી ચાલનારો આ ફેસ્ટિવલ ખરા અર્થમાં વૈશ્વિક મહોત્સવ બની રહેશે.
આ સાંસ્કૃતિક મહોત્સવ અંતર્ગત શ્રદ્ધા, સેવા અને બંધુત્વના મૂલ્યોને દ્રઢ કરાવતાં અનેકવિધ રોચક કાર્યક્રમો અને કોમ્યુનિટી ઇવેન્ટ્સ આયોજિત કરવામાં આવશે. આ મહોત્સવની સેવામાં 3000 સ્વયંસેવકો જોડાયા છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે 42જેટલાં દેશોમાંથી ભક્તો-ભાવિકો પેરિસ પહોંચશે.
કોવિડ-19 મહામારી દરમિયાન પેરિસમાં બીએપીએસના સ્વયંસેવકો વરિષ્ઠ નાગરિકો, જરૂરિયાતમંદો અને ફ્રંટલાઈન વર્કર્સ માટે ભોજન, જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવાની સેવામાં જોડાયા હતા. ફ્રેન્ચ ગૃહ મંત્રાલયના આમંત્રણથી, બીએપીએસના સ્વયંસેવકોએ પેરિસ ઓલિમ્પિક દરમિયાન ઓલિમ્પિક વિલેજમાં હિન્દુ ફેઇથ સેન્ટર દ્વારા સેવા આપી હતી. આ ઉપરાંત, પેરિસના સ્વયંસેવકોએ યુકે, અમેરિકા અને યુરોપના અન્ય ભાગોમાંથી આવેલા બીએપીએસ સ્વયંસેવકોની સાથે મળીને યુક્રેનના સંકટમાં સેવા આપી, પોલેન્ડના રઝેશોવ શહેરમાં શરણાર્થીઓને દરરોજ આશરે 1,000 ગરમ શાકાહારી ભોજન પૂરાં પાડ્યાં હતાં.
પ.પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી બીએપીએસ સંસ્થાના સંતો અને સ્વયંસેવકો આ મંદિર મહોત્સવની તૈયારીઓમાં અવિરત સેવાયજ્ઞ કરી રહ્યા છે. આંતરધર્મ સંવાદિતાને પ્રોત્સાહન આપતું અને વિવિધતા, સર્વસમાવેશકતા અને પરસ્પર સહઅસ્તિત્વના સીમાચિહ્નરૂપ આ મંદિર પેરિસનું નજરાણું બનશે.

મહોત્સવના મુખ્ય આકર્ષણો
• 2 થી 14 સપ્ટેમ્બર – વૈદિક મહાયજ્ઞ
• 2 સપ્ટેમ્બર - મહિલાઓ દ્વારા પાલખી યાત્રા
• 3 સપ્ટેમ્બર - પેરિસની સેન નદી પર 11 સુસજ્જ નૌકાઓ સાથે જલ યાત્રા. આ જલયાત્રા 1997માં પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની
સેન નદી પરની નૌકાયાત્રાનું સ્મરણ કરાવે છે
• 5 સપ્ટેમ્બર – નગરયાત્રા: પેરિસના જગવિખ્યાત સીમાચિહ્નો પાસેથી ૧૪ સુશોભિત રથોમાં સાંસ્કૃતિક શોભાયાત્રા
• 6 સપ્ટેમ્બર – મૂર્તિપ્રતિષ્ઠા અને લોકાર્પણ
• 14 સપ્ટેમ્બર – હિન્દુ સાંસ્કૃતિક ઉત્સવ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter