લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ‘કિલ ધ બિલ’ દેખાવો દરમિયાન પોલીસ સાથે હિંસક અથડામણ, હુમલા તેમજ શાંતિ અને કોરોના નિયંત્રણોના ભંગના કારણોસર લંડનમાં કુલ ૧૦૭ દેખાવકારોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ૧૦ ઓફિસરને ઈજા પહોંચી હતી.
પોલીસને વધુ સત્તા આપતા પોલીસ, ક્રાઈમ, સેન્ટન્સિંગ અને કોર્ટ્સ બિલના વિરોધમાં દેશભરના શહેરોમાં હજારો લોકોએ ૩ એપ્રિલ શનિવારે ‘કિલ ધ બિલ’ સભા અને સરઘસો યોજ્યાં હતાં. માન્ચેસ્ટર, ન્યૂકેસલ, લંડન, બ્રિસ્ટોલ, બર્મિંમગહામ, લેસ્ટર, નોરવિચ, નોટિંગહામ, ઓક્સફર્ડ, લિવરપૂલ, લૂટન, પ્લીમથ, લેન્કેસ્ટર, કાર્ડફ, એક્સટર, કેમ્બ્રિજ અને પોર્ટ્સમથ સહિતના શહેરોમાં દેખાવકારો વિરોધમાં સામેલ થયા હતા.
મેટ્રોપાલીટન પોલીસના જણાવ્યા મુજબ લંડનમાં દેખાવો મોટા ભાગે શાંતિપૂર્ણ રહ્યા હતા. શનિવારે રાત્રે બ્રિસ્ટોલમાં દેખાવકારોએ M32 મોટરવે પર અડિંગો જમાવી દેતા પોલીસે ૨૮ની ધરપકડ કરી હતી. બ્રિસ્ટોલમાં ગત બે સપ્તાહ દરમિયાન યોજાએલા દેખાવોમાં ૧૦૦૦થી વધુ લોકો સામેલ થયા હતા. લંડનમાં પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે દેખાવકારોએ પોલીસ પર બિયરના કેન્સ અને ટ્રાફિક કોન્સ ફેંકતા પોલીસને બળપ્રયોગ અને પેપર સ્પ્રેના ઉપયોગની ફરજ પડી હતી. સેન્ટ્રલ લંડનમાં હજારો લોકો હાઈડ પાર્કમાં એકત્ર થયા હતા અને બિલવિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ હાઈડ પાર્કથી બકિંગહામ પેલેસ થઈ વેસ્ટમિન્સ્ટર સુધી સરઘસ કાઢ્યું હતું. લેબર પાર્ટીના પૂર્વ નેતા જેરેમી કોર્બીન, લેબર સાંસદો ઝારાહ સુલતાના. અપ્સાના બેગમ અને બેલ રીબેરો-એડી તેમજ ઓલ બ્લેક લાઈવ્ઝ, ગ્લોબલ મેજોરિટી, એક્સટિંક્શન રિબેલિયન જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અન્ય અગ્રણીઓએ દેખાવકારોને સંબોધન કર્યું હતું.
પોલીસ, ક્રાઈમ, સેન્ટન્સિંગ અને કોર્ટ્સ બિલ ગયા મહિને પાર્લામેન્ટમાં બીજા વાચનમાં પસાર કરી દેવાયું હતું. જો દેખાવો કે વિરોધ પ્રદર્શનો ભારે અવ્યવસ્થા કે અરાજકતા તરફ દોરી જશે તેવો ભય જણાય તો પોલીસ શાંતિપૂર્ણ દેખાવો બંધ કરાવી શકે અથવા પ્રતિબંધ લગાવી શકે તેવી સત્તા આ બિલથી પોલીસને મળવાની છે. દેશભરમાં આ બિલને વિરોધના અધિકાર પર હુમલા અને તાનાશાહી તરફ આગેકદમ તરીકે ગણાવાયું છે.