પોસ્ટ ઓફિસ કૌભાંડઃ ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઈનકાર

Wednesday 05th May 2021 06:19 EDT
 

લંડનઃ પોસ્ટ ઓફિસ કૌભાંડે હાહાકાર મચાવી દીધો હતો જ્યારે સંખ્યાબંધ સબ પોસ્ટ માસ્ટર્સે અન્યોની ભૂલથી યાતના સહન કરવી પડી હતી. પોસ્ટ ઓફિસની હોરાઈઝન આઈટી સિસ્ટમમાં ગંભીર ખામીના કારણે ઘણા લોકોને નાણાકીય અને ભાવનાત્મક નુકસાન સહન કરવું પડ્યું હતું. બે સંતાનના ૫૯ વર્ષીય પિતા અને પૂર્વ પોસ્ટમાસ્ટર માર્ટિન ગ્રીફિથ્સે આત્મહત્યા કરવી પડી હતી. આવી ઘણી ઘટનાઓ બની કારણકે આ સબ પોસ્ટમાસ્ટર્સને ન્યાયનો ઈનકાર કરવામાં આવ્યો હતો.

ધ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર પૂર્વ પોસ્ટમાસ્ટર માર્ટિન ગ્રીફિથ્સના ભત્રીજા સેમ્યુઅલ કાવીને કૌભાંડ અને તેના પર ઢાંકપિછોડા મુદ્દે યોગ્ય ઈન્ક્વાયરીની માગણી કરી છે. કાવિને ટાઈમ્સને જણાવ્યું હતું કે કોઈ ખુલાસો નહિ કરાતા તેમમે પોસ્ટ ઓફિસ પાસેથી જવાબ માગ્યો હતો. ખુલાસો તો ન મળ્યો પરંતુ, તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવાયું કેઆ માત્ર તમારી સમસ્યા છે. અન્ય સબ- પોસ્ટમાસ્ટર્સ પણ આવી સમસ્યા ધરાવતા હોવાની માહિતી પણ ન આપી.

હવે જાણ થઈ છે કે ૨૦૦૦થી વધુ સબ- પોસ્ટમાસ્ટર્સની આવી હાલત હતી. પોસ્ટ ઓફિસે બધા પાસેથી નાણા પરત માગ્યા હતા. માર્ટિન અને તેમના પરિવારે પોસ્ટ ઓફિસને ૧૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ ચૂકવી હતી. એક વખતના ઉત્સાહી માર્ટિન નિરાશાજન્ય એકલતામાં સરી પડ્યા હતા. કાવીનના કહેવા અનુસાર કોમ્પ્યુટરના સ્ક્રીન પર સૌપ્રથમ ખોટ દેખી તેના ચાર વર્ષ પછી ૨૦૧૩માં પોસ્ટે ઓફિસે વહીવટમાં નિષ્ફળતા બદલ માર્ટિનને ડિસમિસ કરવાની અને વધી રહેલા નુકસાનની પતાવટ કરવાની નોટિસ પાઠવી હતી. અમાનવીય ભૂલ અને માનવીય નિષ્ઠુરતાએ સંસ્થા અને પોતાની કોમ્યુનિટીને ૧૪ વર્ષ સુધી આપેલી વફાદારી અને ઉદાહરણરુપ સેવાને ધોઈ નાખી, વિવાદાસ્પદ બનાવી દીધી.

કોર્ટ ઓફ અપીલે ૩૯ સબ- પોસ્ટમાસ્ટર્સને નિર્દોષ જાહેર કર્યા છે પરંતુ, તેનાથી એ હકીકત બદલાઈ નથી કે ૭૦૦થી વધુ લોકો સામે ચોરી, ફ્રોડ અને ખોટા હિસાબો સબબે સફળ કાનૂની કાર્યવાહી કરાઈ હતી. માર્ટિનની માફક ઘણા- લગભગ ૨,૦૦૦થી વધુને પોસ્ટ ઓફિસ દ્વારા પ્રોસીક્યૂટ કરાયા ન હતા પરંતુ, નાણાકીય, પ્રતિષ્ઠા અને લાગણીની દૃષ્ટિએ તેઓ ખતમ થઈ ગયા. આ સિસ્ટમ તેમના માટે ખરાબ રીતે નિષ્ફળ અને માર્ટિન માટે તો જીવલેણ જ નીવડી.

વડા પ્રધાન જ્હોન્સને આ કૌભાંડના તળિયા સુધી પહોંચવાની ખાતરી આપી છે પરંતુ, સરકારની ઈન્ક્વાયરી આ ત્રાસદાયી કસૂવાવડ કેવી રીતે થવા દેવાઈ અને કોની સત્તાના ઈશારે આટલા લાંબા સમય સુધી ઢાંકપિછોડા કરાયા તે સમજવાના બદલે કોઈ બોધપાઠ શીખાયો છે કે કેમ તેના પર જ ધ્યાન આપશે.

સબ- પોસ્ટમાસ્ટર્સ અને તેમના પરિવારોને ન્યાય મળવો જરુરી છે જેમાં વિલંબ થઈ જ ચૂક્યો છે પણ ઈનકાર નહિ થવાની આશા છે. સબ- પોસ્ટમાસ્ટર્સની યાદીમાં સીમા મિશ્રા અને વિજય પારેખ જેવા સાઉથ એશિયન નામો પણ છે તેઓ ‘ન્યાયની સૌથી મોટી કસૂવાવડ’ સહન કરી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter