લંડનઃ સેંકડો પોસ્ટમાસ્ટર્સને વિના વાંકે કલંકિત કરી જીવનને દુષ્કર બનાવી દેનારા પોસ્ટ ઓફિસ કૌભાંડમાં અન્યાયી રીતે ચોરીની સજા કરાયેલા ડઝનબંધ લોકોને વચગાળાના વળતર તરીકે ૧૦૦,૦૦૦ પાઉન્ડ આપવાની જાહેરાત કરાઈ છે. સરકારે વળતર આપવા માટે ૨૩૩ મિલિયન પાઉન્ડ અલગથી ફાળવ્યા છે. પોસ્ટ ઓફિસની શાખાઓમાં હોરાઈઝન કોમ્પ્યુટર સિસ્ટમની ખામીના કારણે હિસાબના નાણા અદૃશ્ય થઈ ગયાથી સબ પોસ્ટમાસ્ટર્સને બરતરફ કરાયા હતા અથવા કાનૂની કાર્યવાહી કરાઈ હતી. યુકેના ન્યાયિક ઈતિહાસમાં આ કૌભાંડને ન્યાયની સૌથી મોટી કસુવાવડ ગણાવાયું હતું.
દરમિયાન, ૨૦૦૨થી ૨૦૧૨ સુધીના ગાળામાં IT સિસ્ટમનો ભોગ બની નાણાકીય ગોટાળાના કારણે સજા કરાયેલા વધુ ૧૨ સબ-પોસ્ટમાસ્ટર્સને ક્રિમિનલ કોર્ટ ઓફ અપીલના લોર્ડ જસ્ટિસ ટિમોથી હોલરોઈડે નિર્દોષ જાહેર કરી તેમની સજા ફગાવી દીધી છે. બ્રિટિશ ઈતિહાસમાં ન્યાય માટે કલંક સમાન આ કૌભાંડમાં અત્યાર સુધી કુલ ૫૯ સબ-પોસ્ટમાસ્ટર્સને નિર્દોષ જાહેર કરાયા છે. આગામી મહિનાઓમાં હજુ સેંકડો સબ પોસ્ટમાસ્ટર્સની સુનાવણી કરાશે.
સમગ્ર યુકેને હચમચાવી દેનારા પોસ્ટ ઓફિસ કૌભાંડમાં ખામીપૂર્ણ કોમ્પ્યુટર સિસ્ટમના કારણે હિસાબી ભૂલોથી નાણાની ઘટ પડી હોવાનું પોસ્ટ ઓફિસે સ્વીકાર્યું ન હતું અને સબ પોસ્ટમાસ્ટર્સને આ રકમો ચૂકવવા આદેશ કર્યો હતો. આનાથી ઘણા લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ હતી જેમાં ગુજરાતીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે.
હાઈ કોર્ટના જજે ૨૦૧૯માં કોમ્પ્યુટર સિસ્ટમમાં ખામીનો શિકાર નિર્દોષ લોકો બન્યા હોવાનો ચુકાદો આપ્યો હતો. આ પછી પોસ્ટ ઓફિસ આશરે ૬૫૦ પોસ્ટમાસ્ટર્સની સજાની સમીક્ષા કરી રહી છે. ઘણા લોકોએ સજા સામે અપીલો કરી હતી અને પોસ્ટ ઓફિસે પોતાની ભૂલો સ્વીકારી તેનો વિરોધ કર્યો ન હતો અને ભૂતકાળની નિષ્ફળતા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.
ખામીપૂર્ણ હોરાઈઝન સિસ્ટમમા લીધે નોકરી ગુમાવનારા, નાદાર થયેલા અથવા ખોટી રીતે સજા કરાયેલા સેંકડો નિર્દોષ પોસ્ટ ઓફિસ સ્ટાફને વળતર ચૂકવવા સરકારે ૨૩૩ મિલિયન પાઉન્ડ ફાળવ્યા છે. પોસ્ટ ઓફિસે વળતર માટે જે ફાળવણી કરી છે તેના કરતાં કરદાતાઓનો હિસ્સો ૧૫૩ મિલિયન પાઉન્ડથી પણ વધી જશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે પોસ્ટમાસ્ટર્સને સજામુક્ત કરાયા છે તે તમામને ઝડપથી વળતર આપવા કાર્યવાહી કરાશે.
નિર્દોષ સબપોસ્ટમાસ્ટર્સને પોસ્ટ ઓફિસ અને સરકાર દ્વારા વળતર આપવાની તૈયારી કરાઈ છે. મિનિસ્ટર્સે જણાવ્યું છે કે અસરગ્રસ્તોના ખિસ્સા ખાલી નહિ થવા દેવાય. પોસ્ટલ એફેર્સ મિનિસ્ટર પૌલ સ્કલીએ જણાવ્યું હતું કે સબપોસ્ટમાસ્ટર્સ અને તેમના પરિવારોએ જે યાતના સહન કરી છે તેની સરખામણીએ કશું આવી શકે નહિ. આ પ્રાથમિક પગલું થોડી રાહત આપનારું નીવડે તેવી આશા છે. પોસ્ટ ઓફિસની ચીફ એક્ઝિક્યુટિવ નિક રીડે સરકારના સપોર્ટને આવકારવા સાથે કહ્યું હતું કે ‘ભૂતકાળ બદલી શકાતો નથી પરંતુ સહન કરનારા લોકોને અર્થપૂર્ણ વળતર આપવા તરફનું આ પગલું છે. અમે શક્ય ઝડપથી પેમેન્ટ્સની ઓફર કરીશું.’
એમ પણ કહેવાય છે કે સરકાર ૨૦૧૨-૨૦૧૯ના ગાળામાં પોસ્ટ ઓફિસના ચીફ એક્ઝિક્યુટિવ રહેલાં અને પોતાના જ સ્ટાપ વિરુદ્ધ ૯૦ મિલિયન પાઉન્ડના કોર્ટ કેસ માટે જવાબદાર મનાયેલાં પૌલા વેનેલ્સને ૨૦૧૯માં અપાયેલા CBE એવોર્ડને પાછો ખેંચી લેવાનું સક્રિયપણે વિચારી રહી છે.