લંડનઃ કોમ્પ્યુટર સિસ્ટમની ખામીના કૌભાંડના પરિણામે બ્રિટનમાં ન્યાયની સૌથી મોટી કસુવાવડ થઈ તે બાબતે પોસ્ટ ઓફિસે માફી માગી છે. કોર્ટ ઓફ અપીલના જજમેન્ટના પગલે પોસ્ટ ઓફિસે જેમની સાથે ખરાબ વ્યવહાર કરાયો છે તેવા સેંકડો સબ-પોસ્ટમાસ્ટર્સને શોધી તેમનો સંપર્ક સાધવાની શરુઆત કરી છે.
કોર્ટ ઓફ અપીલે દોષી ઠરાવાયેલા અને જેલમાં પણ મોકલાયેલા ૩૯ પૂર્વ સબ-પોસ્ટમાસ્ટર્સને નિર્દોષ ઠરાવ્યા પછી પોસ્ટ ઓફિસે સંભવિત દોષી ઠરાવાયા હોય તેવા આશરે ૫૪૦ લોકોનો સંપર્ક કરવાની કવાયત આરંભી છે તેમજ વધુ ૧૦૦ કેસ અંગે વધારાની માહિતી મેળવાઈ રહી છે. પોસ્ટ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘પોસ્ટ ઓફિસ ગંભીર ઐતિહાસિક નિષ્ફળતા બાબતે માફી માગે છે અને અસરગ્રસ્ત લોકો માટે યોગ્ય કાર્યવાહી કરવાનું અમે ચાલુ રાખીશું. જે લોકોને દોષી ઠરાવાયા છે તેમને ઓળખી કાઢવાના ખાસ પ્રયાસ કરાઈ રહ્યા છે’
ખામીપૂર્ણ હોરાઈઝન આઈટી સિસ્ટમના લીધે પોસ્ટ ઓફિસની બ્રાન્ચ એકાઉન્ટ્સના હિસાબે મળતા ન હતા અને દોષનો ટોપલો સબ-પોસ્ટમાસ્ટર્સના માથે નખાયો હતો જેમની સામે ચોરી, ફ્રોડ અને ખોટા હિસાબો બદલ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. ગયા મહિને કોર્ટ ઓફ અપીલે દોષી ઠરાવાયેલા અને જેલમાં પણ મોકલાયેલા ૩૯ પૂર્વ વર્કર્સને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે ફુજિત્સુ દ્વારા વિકસાવાયેલી અને ૨૦૦૦ બ્રાન્ચીસમાં મૂકાયેલી IT સિસ્ટમની વિશ્વસનીયતા બાબતે ગંભીર પ્રશ્નો હોવાની પોસ્ટ ઓફિસને જાણ હતી. આમ છતાં, હોરાઈઝનના ડેટાના આધારે સબ-પોસ્ટમાસ્ટર્સના વિરુદ્ધ ગંભીર ક્રિમિનલ ચાર્જીસ મૂકાયા હતા. કૌભાંડનો ભોગ બનેલાં ઘણા લોકોને જેલમાં મોકલાયા હતા તેમજ અન્ય ઘણા લોકોએ જીવનનિર્વાહ, ઘર અને પ્રતિષ્ઠા ગુમાવી હતી.