પોસ્ટમેન વાન નહિ, ઈ-ટ્રાઈક્સથી કાર્ડ, લેટર્સ અને પાર્સલ્સ વહેંચશે

Wednesday 27th March 2019 02:01 EDT
 
 

લંડનઃ પત્રો, કાર્ડ્સ અને પાર્સલ્સની વહેંચણી કરનારા પોસ્ટમેન સહિતના વર્કર મૈત્રીપૂર્ણ પર્યાવરણમાં પોતાનું કામ સરળપણે કરી શકે તે માટે રોયલ મેઈલ દ્વારા પોસ્ટલ વાનના બદલે સૌપ્રથમ વખત ઈ-ટ્રાઈક્સનો સહારો લેવામાં આવશે. આગામી થોડાં સપ્તાહોમાં ઈટાલિયન બનાવટની આઠ ઈ-ટ્રાઈક્સનો પ્રયોગ ઈસ્ટ લંડનના સ્ટ્રેટફર્ડ, કેમ્બ્રિજ અને વેસ્ટ મિડલેન્ડ્સના સટન કોલ્ડફિલ્ડમાં છ મહિના સુધી કરવામાં આવશે. આ પછી, સમગ્ર બ્રિટનના માર્ગો પર તેના ઉપયોગ વિશે નિર્ણય લેવામાં આવશે.

સોલાર બેટરી, પેડલ્સ અને બ્રેક ટેકનોલોજીના સમન્વય સાથેની આ ઈ-ટ્રાઈક્સ એટલે કે ત્રણ પૈડા સાથેની સાયકલ કે રીક્ષાનું નિર્માણ ઈટાલિયન કંપની દ્વારા કરવામાં આવ્યું છે. ઈ-ટ્રાઈક્સમાં બેટરી ઓપરેટેડ મોટરની સહાયથી પેડલ વાગશે, જેને વાહનની ઉપરની તરફ લગાવાયેલી સોલાર પેનલ્સની મદદ મળતી રહેશે અને તેનું રિચાર્જિંગ મેઈન્સ પાવર દ્વારા કરી શકાશે. આના પરિણામે પ્રદૂષણ સામે લડવામાં મદદ મળશે. ઈ-ટ્રાઈક્સનો ઉપયોગ રોડ્સ, હાઈવેઝ અને સાયકલ માટેના માર્ગો પર પણ કરી શકાશે.

રોયલ મેઈલના પબ્લિક એફેર્સ એન્ડ પોલિસીના ડાયરેક્ટર ડેવિડ ગોલ્ડે જણાવ્યું હતું કે ‘અમારી કામગીરીમાં ફેરફારો સાથે પર્યાવરણ પર ખરાબ અસરો ઘટાડવાની સાથોસાથ, અમારા ગ્રાહકોની અપેક્ષા સંતોષવા અમે પ્રતિબદ્ધ છીએ. અમે ઘણા સ્થળોએ ઈલેક્ટ્રિક વાનનો ઉપયોગ શરૂ કર્યો છે.–

લંડનના વોકિંગ અને સાયકલિંગ કમિશનર વિલ નોર્મને જણાવ્યું હતું કે,‘ ઈ-ટ્રાઈક્સની ટ્રાયલથી આપણા માર્ગો પર પ્રૂષણ સર્જતા વાહનો ઘટશે અને ભીડ ઘટવા સાથે લંડનની ઝેરી હવા પણ સ્વચ્છ થવામાં મદદ મળશે. અન્ય ડિલિવરી કંપનીઓએ પણ રોયલ મેઈલને અનુસરે તેવી મારી આશા છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter