પ્રજાસત્તાક ભારતની 77મા વર્ષે ગતિશીલતા

પ્રજાસત્તાક પર્વવિશેષ

– વિક્રમ દોરાઈ સ્વામી, યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર Wednesday 28th January 2026 05:57 EST
 
 

કેટલાક માઈલસ્ટોન સંસ્મરણોને પ્રોત્સાહન આપે છે, કેટલાક ગતિનો સંકેત પાઠવે છે, જ્યારે ઘણા થોડામાં આ બંને જોવા મળે છે. ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ આવો જ એક વિશિષ્ટ સંયોગ છે જે એક બંધારણીય લોકશાહી અને ગણતંત્રના સ્વરૂપે ભારતની યાત્રાના સાતત્યને દર્શાવે છે. જાન્યુઆરી 26,1950 થી સતત વધી રહેલા આત્મવિશ્વાસ અને હિંમત સાથે ભારતે નોંધપાત્ર દડમજલ કાપી છે

જ્યારે ભારતની પ્રજાએ પોતાના માટે બંધારણની ભેટ આપી ત્યારે તેમણે આ વિનમ્રતા અને મહત્ત્વાકાંક્ષા સાથે આમ કર્યું હતું. તે સમયની પેઢી સમક્ષ કાર્ય પણ ભગીરથ હતું, સદીઓ પછી દરેક જાતિ-વર્ણ અને ભાષાના ભારતીયોમાં સંપ લાવવાનો હતો, વિવિધ મુહાવરાઓમાં સ્વપ્ન સેવવાની સાથે જ એક જ સ્વપ્ન નિહાળનારા સુસંગત રાષ્ટ્ર તરીકે એકતા લાવવાની હતી. અને મહત્ત્વાકાંક્ષા તો બીજાઓએ કર્યું હતું તેનાથી વિપરીત પહેલા સમૃદ્ધિ હાંસલ કરવાની રાહ જોવાના બદલે આધુનિક ઈતિહાસમાં લોકશાહીમાં પોતાની મુક્તિ ઈચ્છનારા પ્રથમ રાષ્ટ્ર બની રહેવાની મક્કમતામાંથી આવી હતી.

પ્રજાસત્તાકનો વિચાર કદી ફિનિશ્ડ પ્રોડક્ટ તરીકે ઉદ્ભવ્યો જ ન હતો. તેનું સ્થાન આરંભથી જ હતું, કાયદાઓ, અધિકારો અને સમગ્ર માનવજાતના ગૌરવ પર આધારિત સહભાગી મૂલ્યોની આ કવાયત હતી. તેની કલ્પના વિકાસ, સુધારણા અને રીન્યુઅલ માટે સક્ષમ જીવંત માળખા સ્વરૂપે કરાઈ હતી. 77 વર્ષ પછી આ કલ્પના અનુભવ સ્વરૂપે પરિપક્વ બની છે. ભારતને આજે તેના ભૂતકાળના નિયંત્રણોથી નહિ, પરંતુ તેના વર્તમાનના આત્મવિશ્વાસ થકી પરિભાષિત કરવામાં આવે છે.

આ પ્રજાસત્તાક દિન વંદે માતરમના 150 વર્ષની સાથે એકાકાર થયો છે ત્યારે તેમાં વિશિષ્ટ ગૂંજ સર્જાઈ છે. બંકિમચંદ્ર ચેટરજી દ્વારા લિખિત આ ગીત સ્વતંત્રતા અને પ્રજાસત્તાકથી પણ અગાઉનું છે. આમ છતાં, જ્યારે રાજકીય સંપ્રભૂતા અતિ દૂરની બાબત હતી તે સમયે પણ ભારતની રાષ્ટ્રીય ચેતના જગાવવામાં તેની ભૂમિકા નિર્ણાયક રહી હતી.

વંદે માતરમ કોઈ કાર્યક્રમ કે ઘોષણાને અભિવ્યક્ત કરતું નથી. તેનાથી તો વધુ તાત્વિક, ભાવનાત્મક એકતાની લાગણી ઉભી થતી હતી. તેમાં માતૃભૂમિનો ઉલ્લેખ માત્ર ભૂગોળ સ્વરૂપે નહિ, પરંતુ સહભાગી વિરાસત તરીકે કરાયો હતો. આમ કરવા સાથે તેણે ભારતીયોને પોતાના સામૂહિક ભવિતવ્યતાના હિસ્સા તરીકે કલ્પવામાં મદદ કરી હતી. આ કલ્પનાનું કાર્ય સ્વાતંત્ર્ય આંદોલન માટે અત્યાવશ્યક બની રહ્યું હતું અને રાષ્ટ્ર પોતાને શું સમજે છે તે સંદર્ભે તે આજે પણ કેન્દ્રીય રહ્યું છે.

વંદે માતરમ્‌ની ચિરસ્થાયી પ્રસ્તુતિ પ્રેમ અને જવાબદારી બંનેને પ્રેરિત કરવામાં જ રહેલી છે. તે ગર્વ જગાવે છે, પરંતુ આળસ નહિ; સંબંધ જગાવે છે, પરંતુ બહિષ્કાર નહિ. વર્તમાન ભારતમાં આ ગીત અમને સ્મરણ કરાવતું રહે છે કે રાષ્ટ્રનિષ્ઠા નિષ્ક્રિય નથી; તેમાં પ્રયત્ન, શિસ્ત અને ઉદ્દેશ્યની આવશ્યકતા છે. આ અર્થમાં, તે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતની સમકાલીન આકાંક્ષાઓ સાથે સીધી વાત કરે છે – ક્ષમતામાં મૂળમાં રહેલા આત્મવિશ્વાસની વાત કરે છે.

ભારતની પ્રજાસત્તાક તરીકેની યાત્રાએ તેની વૈશ્વિક ઉપસ્થિતિને વધુને વધુ પરિભાષિત કરી છે. ભારત આંતરરાષ્ટ્રીય બાબતોમાં એક મહત્વપૂર્ણ અભિનેતા તરીકે ઉભરી આવ્યું છે, જે આબોહવા કાર્યવાહી, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વૈશ્વિક આરોગ્ય અને આર્થિક સ્થિતિસ્થાપકતા જેવા વિષયો પર વાતચીતને આકાર આપે છે. તેના લોકશાહીના પાયાની વ્યાપકતા, ટેકનોલોજિકલ ઈનોવેશન અને આર્થિક વૃદ્ધિ ધ્યાન અને અપેક્ષા બંનેને આકર્ષિત કરે છે.

આ વૈશ્વિક ભૂમિકા કોઈ રીતે આકસ્મિક નથી. તે સંસ્થાકીય નિર્માણ, સામાજિક રોકાણ અને બંધારણીય શાસન હેઠળની રાજકીય સ્થિરતાના કેન્દ્રિત પ્રયાસોનું સંચિત પરિણામ છે. વિદેશમાં ભારતનો અવાજ તેની ઘરેલુ જટિલતાઓને સંભાળવાની ક્ષમતાથી વિશ્વસનીયતા મેળવે છે. આમ, ગણતંત્રની સફળતાનો માપદંડ માત્ર વૃદ્ધિના આંકડાઓ કે રાજનૈતિક પહોંચમાં નથી, પરંતુ તેની લોકશાહી પ્રક્રિયાઓની સાતત્યપૂર્ણ જીવંતતામાં છે.

વિકસિત ભારત તરફ આગળ વધી રહેલા આત્મનિર્ભર ભારતની વિભાવનાને વિશ્વ સાથે સમાન શરતો પર સંકળાવાની ભારતની તૈયારીના સંદર્ભમાં સમજવી જોઈએ. ભારતની સભ્યતાની શક્તિ હંમેશાં તેના મૂળ મૂલ્યોને ગુમાવ્યા વિના અનુકૂલન સાધવાની ક્ષમતામાંથી પ્રવાહિત થઈ છે. તે સંતુલન આગામી તબક્કાના ભારતના ઉદયને પરભાષિત કરશે.

77મા વર્ષે, ભારતીય પ્રજાસત્તાક ઉદ્દેશ્યપૂર્ણ છે. ૨૬ જાન્યુઆરીએ ત્રિરંગો ફરકી રહ્યો છે અને વંદે માતરમ્‌નો નાદ ગુંજે છે – જેના પ્રથમ ઉત્તેજક સ્વરોના ૧૫૦ વર્ષ પછી પણ – સંદેશ સ્પષ્ટ છે: ભારતની કથા શાંત સાતત્ય અને ઊર્જાસભર પરિવર્તનની, સંસ્મૃતિ અને ગતિની છે. પ્રજાસત્તાકની ઊજવણી એ માત્ર નિર્માણ કરાયેલાનું સન્માન કરવાની બાબત નથી, પરંતુ આગળની યાત્રા પ્રત્યે દૃઢપણે પુનઃપ્રતિબદ્ધ થવાની બાબત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter