પ્રથમ પુણ્યતિથિએ શ્રધ્ધાંજલિ સ્વ. શ્રી દિનેશચંદ્ર રસિકલાલ શાહ (ડી.આર.)

Wednesday 06th October 2021 05:19 EDT
 
 

જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં ત્યાં યાદી ભરી આપની,
ચહેરા પર ફિક્કું હાસ્ય અને આંખો રડે છાનીમાની
અંતરનો એક ખૂણો લાગે સદાય ખાલી ખાલી
હ્દય ખોલવાની જગ્યા થઇ ગઇ સૂની સૂની
મનને મનાવું છું વાતો કરી ફિલોસોફીની
તમારી ખોટ પૂરાય ના કદી કોઇથી
જનમો જનમની સાથી તમારી
હવે તો રહી છે યાદોં હાથવગી
પરમાત્માને વિનવું હું પાય લાગી
તમ આત્માની માગું સદાય સુખ- શાંતિ
- આપની જીવનસંગિની
આ સાપ્તાહિક આપના હાથમાં આવશે ત્યારે અમારા પિતાશ્રીની ચિર વિદાયને એક વર્ષ પૂરૂં થઇ ગયું હશે. આ ૩૬૫ દિવસનો ગાળો અમારા માટે અસહ્ય થઇ પડ્યો. આ ઘા પૂરવામાં કેટલો સમય વીતિ જશે એ કહેવું અસંભવ છે. આ સમય દરમિયાનમાં અમારા પપ્પા સાથે મેં પિતા ગુમાવ્યા, મારી દેરાણી હિરલે માતા ગુમાવ્યા અને મારા નણદોઇ મનીષે પિતા ગુમાવ્યા. કુટુંબના મોભ સમા સ્વજનોની વસમી વિદાયના ઘા રૂઝાવા માટે સમય જ નથી હાથમાં રહ્યો!
અમારા પપ્પાનું અવસાન બધા પહલૂએથી જોઇએ તો "કુદરતી" ન હોવાને કારણે અમે કઇ રીતે અમારી જાતને આશ્વાસન આપી શકીએ?
અમને થયું કે, અમારા આંસુ સમય જવા સાથે સૂકાઇ જશે પણ એમ નથી થયું. મારી દિકરી માનસી એડીનબરો યુનિવર્સિટીની એની ગ્રેજ્યુએટ સેરીમનીમાં સામેલ થવા દાદા વિના ઉત્સુક ન હતી. મારો દિકરો ધ્યાન ડાઇનીંગ ટેબલ પર એના દાદાની જગ્યા પર બેસતો નથી. દાદાનું જમ્પર વર્ષ દરમિયાન પહેરીને ફર્યા કરે છે. નાના-મોટા બધા જ પ્રસંગોએ ...ટેલીવીઝન જોતા હોઇએ કે ભારતમાં સગાંસંબંધી-મિત્રો સાથે વાત કરતા હોય એમાં પપ્પા કેન્દ્ર સ્થાને જ હોય. દિવસની એક પળ પણ અમે એમને વિસરી શકતા નથી. એમનું પ્રિય ભોજન હોય, બર્થ ડે હોય કે અમારી સિલ્વર વેડિંગ એનિવર્સરી ...બધું જ એમની ગેરહાજરીથી ફિક્કું -ફિક્કું લાગે છે.
એમની ગેરહાજરી અમને તો ખૂબ સાલે છે પરંતુ અન્યોને પણ કેટલી સાલે છે એ એમના ચાહકો સાથે વાત કરીએ તો એનો અહેસાસ થાય. મારા જીવનસાથી જીગરની અઠ્ઠાઇ વેળા આવેલ શુભેચ્છકોના મુખેથી સાંભળીએ તો એમની લોકપ્રિયતાનો અંદાજ આવ્યો. તેઓ જેને જેને મળ્યા એમના હ્દયમાં વસી ગયા. તેમણે બધાને ભરપુર પ્રેમ, હૂંફ અને માન આપ્યા છે કે એ બધાના પ્રેરણા પાત્ર બની ગયા છે.
અમારા અંતરમાં જોઇએ તો સદા-સર્વદા ડેડ અમારી સાથે જ હોવાની અનુભૂતિ થાય છે: એમણે અમને આપેલ માર્ગદર્શન, પ્રેરણા અને શીખ સારા માનવ બનવાની દિશા તરફ લઇ જઇ રહ્યા છે. એમનું લક્ષ્ય ખુબ સરળ અને ભવ્ય હોવા છતાં એને અમલમાં મૂકવું આસાન નથી! તેમછતાં ડેડે એમના જીવનના અભિગમ વડે એ ચરિતાર્થ કરી બતાવ્યું છે.
અમારી ઇશ્વરને એ જ પ્રાર્થના છે કે એમનો ભવ્ય વારસો ભાવી પેઢી સુધી આગળ વધારીએ અને જીવન સાર્થક કરીએ.
પપ્પા, અમે તમને ખૂબ જ મીસ કરીએ છીએ. - નમીતા-જીગર
વ્હાલા પપ્પા,
તમે અમને છોડીને અનંત યાત્રા ચાલ્યા ગયા એને લગભગ એક વર્ષ પૂરૂં થયું. આપણે બધાં જાણીએ છીએ કે એક દિવસ જીવનનો અંત આવશે પરંતુ હકીકતમાં, આપના વિનાનું જીવન જીવવામાં અમને સમય લાગશે.
અમે તમને તમારા વિનાની બર્થ ડે કે એનિવર્સરી સહિતનો કોઇપણ પ્રસંગ હોય આપની ખોટ વરતાતી રહેશે.
અમને તમારી ખોટ સાલશે એ નક્કી છે પરંતુ કુટુંબના દરેક પ્રસંગો તમારા સદ્ગુણોને યાદ કરી ઉજવીશું : તમારૂં જીવન, તમારા હકારાત્મક વિચારો અને તમારી સાથે અમે વીતાવેલ ખુશીની પળો .
છેલ્લે, તમારા સદા બહાર સોનેરી વાક્ય જે અમને હરહંમેશ જીંદગીભર આપની સાથે સાંકળી રાખશે : _”સ્વર્ગ તૂટી પડવાનું નથી"
તમને સદાય પ્રેમ કરતા રહીશું ડેડ... - હાર્દિક-હિરલ-કરીના
મારા વ્હાલા પપ્પા,
આપની ચિર વિદાયને વર્ષ વીતિ જવા આવ્યું ...અનેક સંવેદનાઓ અમારા મન-મસ્તિષ્કને ઘેરી વળી છે. દરરોજ, હરપળ હું આપને યાદ કરૂં છું. હજી સુધી આપને ગુમાવ્યાનો ઘા રૂઝાયો નથી. જીવન અધૂરૂં લાગે છે. આખું વર્ષ અજીબ રીત વીત્યું છે. હવે જીવન હતું એવું ક્યારેય નહિ થાય.
તેમછતાં એટલું ચોક્કસ છે કે, મારા પિતા ભરપુર જીવ્યા છે. તેમણે એમની આસપાસમાં રહેતા પ્રત્યેકની દરકાર રાખી છે. એમનો એક એક દિવસ પરોપકારમાં વીત્યો છે. એમને કોઇવાતની ફરિયાદ ન હતી. એમનો ચહેરો સદાય હસમુખો હતો.એમના આ ગુણો મને આશ્વાસન આપી રહ્યા છે. હું એને અનુસરવાનો પ્રયાસ કરી રહી છું. બનવાકાળ બની ગયું હવે તો આપણને ભગવાને જીવનની જે ભેટ આપી છે એનો સારામાં સારો ઉપયોગ થાય એમ ઇચ્છું છું. મારા પપ્પાના જીવનનો ઉદ્દેશ પારદર્શક હતો. તેઓ બિનશરતી પ્રેમના વાવેતર કરી જીવ્યા હતા અને હંમેશા આપવામાં જ માનતા હતા.
જૂના એ દિવસોની યાદ મને તાજી થાય છે. હજી એક વર્ષ પહેલા તો હું એમનો અવાજ સાંભળતી ત્યારે હંમેશા બીજાને સલાહ આપતા હોય અને અન્યોને આર્થિક કે અન્ય પ્રકારની સેવામાં રત હોય. સદાય કાર્યરત રહેવાને કારણે યુવાન જેવો જુસ્સો જાળવી શક્યા હતા.
એ ખૂબ જ રસિક જીવ હતા. ફાયનાન્સીયલ એડવાઇઝર સાથે સંગીત, નાટકનો શોખ હતો. એમનો બુલંદ, સુમધુર કંઠ ઇશ્વરીય બક્ષિસ સમો હતો. અમારા સહિત કેટલાય માટે એ સ્તંભ સમાન હતા. દર વર્ષે અમારા લંડન આવ્યાના દિવસ ૧૬ નવેમ્બરના રોજ પ્રેરક પત્ર ફેમીલીને લખતા અને અમને યાદ અપાવતા કે આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા ? માતા-પિતા અને વડિલોના આશીર્વાદનું એ ફળ છે. હિંમત અને શક્તિના ડોઝ અમને હંમેશા આપ્યા કરતા.
દર શનિવારે મારા માતા-પિતા સાથે હું ચા પીતી હતી એ હું મીસ કરૂં છું. મારી દિકરી વિરીનાને ક્લાસીકલ સંગીત શીખવી શક્યા હોત તો...એવી મારી ખ્વાઇશ અધૂરી રહી ગઇ પરંતુ ગયા વર્ષે એમણે એને પ્રાર્થનાની બે પંક્તિ શીખવાડી હતી એ દાદાની એ યાદ અણમોલ હોય એમ સાચવી રહી છે. મારી મોટી દિકરી વિહાના પણ એણે ગયા વર્ષે દાદાને ઇમેઇલ પ્રીન્ટ કરવામાં મદદ કરી હતી એ થકી દાદાને યાદ કર્યા કરે છે. મારો જીવનસાથી મનીષ પણ પપ્પાને ખૂબ જ લાગણી સભર બની યાદ કરતા કહેતો હોય છે, “ પપ્પા આપણી સંભાળ રાખી રહ્યા છે, દીવાદાંડી બની આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. તાજેતરમાં એણે પણ એના ડેડી ગુમાવ્યા હોવાથી ભારે શોકની પરિસ્થિમાં દ્રઢપણે માને છે કે બન્ને પપ્પા આપણું ધ્યાન રાખી રહ્યા છે.
એમની યાદોં સદાય જીવંત રહેશે અને એમની કાયમી સ્મૃતિ જે જેના પરિચયમાં આવ્યા એ બધાયના હ્દયમાં કોતરાયેલી રહેશે. અમે એમને ખૂબ જ ચાહીએ છીએ. - હેમા રચોયા
જન્મ અને જીવન આપનારા મા-બાપનું કર્જ ક્યારેય ના ચૂકવી શકાય. એવી જ રીતે જીવન આપવાવાળા પુણ્યશાળી જીવનો કર્જ કેવી રીતે ચૂકવાય? સ્વ. દિનેશચંદ્ર રસિકલાલા શાહ સગપણમાં મારા ફૂઆ થાય પણ સગામાં મારા પ્રિય પપ્પા. મને જીવનમાં વિનય, વિવેક, સંસ્કાર, કુટુંબ ભાવના, બિનશરતી પ્રેમના પાઠ શીખવાડનાર અને મને અખૂટ પ્રેમ આપવા માટે હું સદાય એમની આભારી રહીશ. જીવન ક્ષણિક છે. મૃત્યુ એ સત્ય છે.
તમારો પ્રેમ, તમારા અમૂલ્ય શબ્દ, સલાહ અમારા હ્દયમાં રહેશે. ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. - અનુજા શાહ
ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter