પ્રથમ વિશ્વ યુદ્ધના શહીદોની યાદમાં ૧૦,૦૦૦ મશાલ પ્રગટી

Wednesday 14th November 2018 01:33 EST
 

લંડનઃ બ્રિટનમાં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જીવ ગુમાવનારાઓને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અપાઈ છે. ખરેખર ૧૧ નવેમ્બરે પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થયાને ૧૦૦ વર્ષ પૂરાં થયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં ટાવર ઓફ લંડન (શાહી મહેલ) અને કિંગ સહિત તેમના સામ્રાજ્યને બચાવવા કિંગના સેંકડો સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એ જ ટાવર ઓફ લંડનના પરિસરની લોનમાં લશ્કરી દળોના સૈનિકો અને વોલેન્ટિયરોએ પાંચ નવેમ્બર, સોમવારે ૧૦ હજારથી વધારે મશાલોની રોશની કરી હતી. આ રોશનીથી ઘાસનું મેદાન ઝળહળી ઊઠ્યું હતું. રોયલ નેવી સાથે જોડાયેલા બલરાજા ઢંડાએ કહ્યું કે ૨૦૦થી વધુ લોકોએ મશાલ સળગાવવામાં મદદ કરી હતી. આ કવાયતનો ઉદ્દેશ એવા લોકો માટે થોડી ક્ષણો કાઢવાનો હતો જેમની સંપૂર્ણ પેઢીએ પોતાના દેશ કે બ્રિટિશ શાહી પરિવારને બચાવવામાં બલિદાન આપ્યા હતા. આ મશાલ ૪૫ મિનિટમાં પ્રજ્જવલિત થઈ હતી.

ટાવર ઓફ લંડન રોશન

ટાવર ઓફ લંડનના ગવર્નર ડિક હેરોલ્ડે કહ્યું કે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સ્પેશિયલ બેન્ડે પ્રસ્તુતિ આપી હતી. સેનાએ સન્માન પરેડ યોજી. યુદ્ધના સમયના દેશભક્તિ ગીત અને કવિતાઓ પણ સંભળાવાઈ. આ સમારોહનો ઉદ્દેશ્ય શહીદો સાથે યુદ્ધમાં જીવતા બચી ગયેલા અને શહીદોના પરિવારોને પણ સન્માન આપવાનો છે.

ચાર વર્ષ પૂર્વે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયાનાં ૧૦૦ વર્ષ પૂરાં થવાના પ્રસંગે પણ ટાવર ઓફ લંડનમાં શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ત્યારે લગભગ ૯ લાખ પોપી (અફીણના ફૂલો)થી ટાવર ઓફ લંડનની લોનને શણગારાઈ હતી ત્યારે ક્વિન એલિઝાબેથ દ્વિતીય પણ કાર્યક્રમમાં જોડાયા હતા. (૨૩૮)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter