અમદાવાદઃ શહેરના સાબરમતી નદીના કિનારે રવિવારે પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી. જેમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને 1950માં અમદાવાદમાં આંબલીવાળી પોળ ખાતે BAPS ના આજીવન પ્રમુખ તરીકે નિયુક્ત કર્યાને 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરાઈ હતી. પૂર્ણાહુતિ સમયે પ.પૂ. મહંત સ્વામી મહારાજ સહિત હજારો હરિભકતોએ આરતી ઉતારી હતી. બાદમાં ભવ્ય આતશબાજી સાથેની અદભુત પ્રસ્તુતિ કરાઈ હતી. BAPS દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ. મહંત સ્વામી મહારાજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલો ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’નો સમાપન સમારોહ ખરા અર્થમાં અદ્ભૂત - અલૌકિક - અવિસ્મરણીય બની રહ્યો હતો.
આ પ્રસંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં ઉપસ્થિત રહેવું એ મારું સૌભાગ્ય છે. પ્રમુખસ્વામી મહારાજે ભક્તિ અને સેવાને એકબીજા સાથે જોડી દીધા છે. આપણાં સનાતન ધર્મની સંત સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજે પુનર્જીવિત કરી છે. સનાતન ધર્મ અને સમાજ માટે સંકટના સમયમાં પ્રમુખ સ્વામી મહારાજ માર્ગદર્શક બન્યા છે. પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય દેશના સૌ સંપ્રદાયો માટે અનુકરણીય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજે જીવનના નવ નવ દાયકા સુધી કર્મઠ રહીને માનવસેવાના અનેક ક્ષેત્રોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજનો વરણી અમૃત મહોત્સવ જન-જનનો ઉત્સવ છે.
પ્રમુખસ્વામી મહારાજે ભૂખ્યા રહીને મને
રોટલી જમાડી હતી: પૂ. મહંત સ્વામી મહારાજ
પ.પૂ. મહંત સ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે, પ્રમુખરવામી મહારાજે આખી જિંદગી સેવા જ કરી છે. તેમના જીવનની પ્રત્યેક ક્ષણ અન્યની સેવા માટે સમર્પિત હતી. તેમણે આંબલીવાળી પોળમાં એકવાર પોતે ભૂખ્યા રહીને મને રોટલી જમાડી હતી. તેઓ ખરેખર માનતા કે બીજાના સુખમાં આપણું સુખ છે. તે આપણાં માટે જ જીવ્યા, સૌમાં ગુણ જોયા, દોષોને માફ કર્યા અને સૌને શ્રેષ્ઠ બનવા પ્રેરિત કર્યા. તેમની નમ્રતા સ્પર્શી જાય તેવી હતી. પ્રમુખપદે નિયુક્ત થયાના દિવસે પણ તેમણે સેવકભાવે વાસણ ધોયા હતા, તેઓ અહંકારથી મુક્ત હતા. તેઓ ક્યારેય વિસરાશે નહીં. એમના ગુણો આપણા જીવનમાં કેળવીએ એ પ્રમુખ વરણી અમૃત મહોત્સવ સાર્થક ઉજવ્યો ગણાશે.
95 વર્ષનું સેવામય જીવન
પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ભવ્ય ઉત્સવ સભાનું આયોજન કરાયું હતું, જેમાં BAPSના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને 1950માં અમદાવાદમાં આંબલીવાળી પોળ ખાતે BAPSના આજીવન પ્રમુખ તરીકે નિયુક્ત કર્યાને 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરાઇ હતી. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અથાક સેવા, નમ્રતા, કરુણા અને અન્યોના કલ્યાણ માટે સંપૂર્ણ સમર્પણ - જાતિ, સંપ્રદાય, રંગ કે પૃષ્ઠભૂમિના કોઈ પણ ભેદભાવ વિના જીવાયેલા તેમના જીવનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સને 1950માં જે દિવસે તેમને પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા, તે જ દિવસે પ્રમુખ સ્વામી મહારાજે વાસણ ધોયા હતા, જે તેમની સેવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેઓના વૈશ્વિક સેવાકાર્યોમાં પ્રતિબિંબિત થતો સેવાનો આ આદર્શ તેમના 95 વર્ષના સેવામય જીવનની ઓળખ બની રહ્યો હતો.
BAPSના વરિષ્ઠ સંતો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરાયું હતું. ગૃહમંત્રી અમિતભાઈ શાહે પ્રમુખ સ્વામી મહારાજ સાથે તેઓના અનેક સંસ્મરણોને યાદ કર્યા હતા અને પ્રમુખ સ્વામી મહારાજને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત, પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ગતિમાન BAPSની આધ્યાત્મિક અને સામાજિક સેવાઓની પ્રશંસા કરી હતી. BAPSના વરિષ્ઠ સંત ઈશ્વરચરણદાસ સ્વામીએ પ્રમુખવરણી અમૃત મહોત્સવના અર્થ અને ઉદ્દેશ્ય પર પ્રેરક ઉદબોધન કર્યું હતું.
પ્રમુખ સ્વામી મહારાજના જીવન સમર્પણની ઝાંખી
• પ્રમુખસ્વામી મહારાજની આ ઐતિહાસિક યાત્રાને અનોખી રીતે સ્ટેજ પર દર્શાવવામાં આવી હતી. એક તરફ આંબળીવાળી પોળનું અને બીજી તરફ દિલ્હી અક્ષરધામનું વિરાટ સ્વરૂપ ઊભું કર્યું હતું.
• પ્રમુખસ્વામી મહારાજના માનવતાની સેવા માટેના જીવનભરના સમર્પણના પ્રસંગોને વીડિયો દ્વારા પ્રકાશિત કરાયા હતા.
• અક્ષરવત્સલદાસ સ્વામી, અને આનંદસ્વરૂપદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના પ્રેરણાદાયી પ્રસંગોને યાદ કર્યા હતા.
• નારાયણમુનિદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના જીવનના અહં-શૂન્યતાના પ્રસંગોને ઉજાગર કરતું વક્તવ્ય રજૂ કર્યું
• 75 અલંકૃત ફ્લોટ્સ: સાબરમતીમાં સંતમહિમા, પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની છબી સાથે રામાયણ, ભગવદ્ ગીતા, વચનામૃત જેવા ગ્રંથોમાં વર્ણીત સંત લક્ષણો સાથેના ફ્લોટસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.


