પ્રમુખવરણી મહોત્સવઃ પ્રમુખસ્વામી મહારાજના જીવન-કાર્યને ભાવાંજલિ

Wednesday 03rd December 2025 05:54 EST
 
 

અમદાવાદઃ બીએપીએસ સંસ્થાના ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ની ચરમસીમા રૂપ મુખ્ય સમારોહની 7 ડિસેમ્બર - રવિવારે સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય ઉજવણી થશે. આ પ્રસંગે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને તેમના માનવ કલ્યાણાર્થે કરેલા અસંખ્ય કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના 104મા જન્મદિને ભાવાંજલિ અપાશે.
કાર્યક્રમ દરમિયાન અટલ બ્રિજ નજીક સાબરમતી નદીમાં પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતાં અનેક અલંકૃત ફ્લોટસ તરતાં મુકાશે ત્યારે દિવ્ય નજારો સર્જાશે. ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ના ભાગરૂપે યોજાઇ રહેલા આ વિશેષ પ્રસંગે બીએપીએસના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અનેકવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં વૈવિધ્યસભર પ્રસ્તુતિઓ દ્વારા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના 104મા જન્મદિને વંદના કરાશે. આ પ્રસંગે પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને ગુણોને દર્શાવતાં અનેક ફ્લોટસ નદીમાં તરતાં જોવા મળશે.
5500 સ્વયંસેવકોની બે મહિનાની મહેનત
છેલ્લા બે મહિનાથી કુલ 20 જેટલા સેવાવિભાગો અને 5500 જેટલા સ્વયંસેવકો સેવારત. વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. આશરે 40 હજાર જેટલાં ભક્તો-ભાવિકો બસોના નિર્ધારિત ક્રમ અનુસાર રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે હાજરી આપશે.
હજારો હરિભક્તો દ્વારા ભક્તિ-અર્ધ્ય
પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખવરણીનાં 2025માં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર વર્ષ દરમિયાન ​હજારો ભક્તોએ આંબલીવાળી પોળ સુધી પદયાત્રા કરીને, ચાદર ઓઢાડીને વિવિધ રીતે ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું. પ્રમુખપદ ગ્રહણ કરતી વખતે પ્રમુખસ્વામી મહારાજે લીધેલી પ્રતિજ્ઞાઓને તેમના જીવનના 95 વર્ષ સુધી સાકાર થયેલી લાખો લોકોએ અનુભવી છે. પ્રચંડ પુરુષાર્થ દ્વારા, સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની મહાન પરંપરાઓને વિસ્તારીને તેમણે વિરાટ સ્વરૂપ આપ્યું. પ્રમુખવરણી અમૃત મહોત્સવમાં સૌને સમર્પિત આ ભવ્ય અને દિવ્ય જીવનકાર્યને અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરાશે.
પ્રમુખ વરણી દિન – 21 મે, 1950
​આજે વિશ્વના ખૂણે ખૂણે જે નામ ગુંજી રહ્યું છે, તે ‘પ્રમુખસ્વામી’ નામની ભેટ વિશ્વને આ પોળમાંથી પ્રાપ્ત થઈ હતી. બીએપીએસના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વિક્રમ સંવત 2006 (મે 21, 1950)ના જેઠ સુદ-4ના દિવસે, રવિવારે, અમદાવાદના શાહપુર વિસ્તારમાં આંબલીવાળી પોળમાં આવેલા હરિમંદિરમાં સાંજે 5 વાગ્યે - પોતાની સાધુતા અને પવિત્ર પ્રતિભાથી સત્સંગીઓના પ્રીતિપાત્ર, સંતોના આદરપાત્ર અને ગુરુ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર બનેલા નવયુવાન સંત શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીને, સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં - બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આજીવન અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું દીક્ષિત નામ તો શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી હતું, પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેમને સંસ્થાના પ્રમુખપદે નિયુક્ત કર્યા ત્યારથી તેઓ ‘પ્રમુખસ્વામી મહારાજ’ના વહાલસોયા નામથી કરોડો લોકોના હૃદયમાં બિરાજમાન થઈ ગયા.

​​પ્રમુખસ્વામી મહારાજે લીધેલી પ્રતિજ્ઞા
પ્રમુખવરણી દિનઃ આ દિવસે શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીએ (પ્રમુખસ્વામી મહારાજે) વિનમ્રતાપૂર્વક પ્રતિજ્ઞા લીધી: ​‘હું ​આજે આપ ગુરુશ્રી તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે હું મારું કર્તવ્ય બરાબર બજાવી, આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા વિના, પૂર્ણ રીતે વફાદાર રહી, આપનો કૃતકૃત્ય બનીશ. આજના મંગલ દિને હું મારા અંતઃકરણથી ગુરુહરિને નમ્ર પ્રાર્થના કરું છું કે મારામાં જે શક્તિ, જ્ઞાન અને પ્રેરણા છે તે બધું જ આપે આપેલું છે. હવે જે ભગીરથ સેવા કરવાની આજ્ઞા આપે મને કરી છે તે માટે સંપૂર્ણ શક્તિ અને બળ આપશો. તેમજ આપના સમગ્ર આશ્રિતો તન, મન, ધનથી સુખિયા રહે, અને સુખેથી સ્વામીશ્રીજીનું ભજન કરી અંતે અક્ષરધામમાં નિવાસ કરે તેવા આશીર્વાદ માંગું છું.’

મહાપ્રાસાદિક સ્થાન - આંબલીવાળી પોળ (યજ્ઞપુરુષ પોળ)
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા આજે વિશ્વવ્યાપી આધ્યાત્મિક-સામાજિક સંગઠન તરીકે ઊભરી રહી છે. આ સંસ્થાના વિકાસમાં જ્યાં ખૂબ મહત્વના નિર્ણયો લેવાયા છે, એવું મહાપ્રાસાદિક સ્થાન એટલે આંબલીવાળી પોળ – યજ્ઞપુરુષ પોળ.
1938માં બીએપીએસના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અહીંથી સંસ્થાના અદ્વિતીય સામાયિક ‘સ્વામિનારાયણ પ્રકાશ’નો આરંભ કરીને એક આંતરરાષ્ટ્રીય પ્રકાશન પ્રવૃત્તિનું બીજારોપણ કર્યું હતું. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ જ સ્થાનમાં 1939માં પ્રમુખસ્વામી મહારાજને 18 વર્ષે પાર્ષદ દીક્ષા આપી હતી. અમદાવાદમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું સૌપ્રથમ હરિમંદિર 1940માં આંબલીવાળી પોળમાં કરવામાં આવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 1942માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને તેમની 20 વર્ષની ઉંમરે અહીં સંસ્કૃત વિદ્યાભ્યાસ કરવાની આજ્ઞા કરી હતી. ઉપરાંત, 1949માં પણ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને અહીં રહીને પુનઃ સંસ્કૃત વિદ્યાભ્યાસની આજ્ઞા કરી હતી. આ જ આંબલીવાળી પોળમાંથી, બીએપીએસના ગઢડા મંદિર નિર્માણ તથા અમદાવાદના શાહીબાગ ખાતેના મંદિર નિર્માણ અંગેના નિર્ણયો લેવાયા છે. 2022માં પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષે આંબલીવાળી પોળનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ ઘરેબેઠાં નિહાળી શકાશે
7 ડિસેમ્બર - રવિવારે સાંજે 5.30 વાગ્યાથી આ સમગ્ર કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ થશે, જેથી દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો પોતાના ઘરે બેસીને અથવા મંદિરોના સભાગૃહોમાં બેસીને આ ઉજવણીનો લ્હાવો લઇ શકશે. આસ્થા ભજન ચેનલ તેમજ live.baps.org ઉપરાંત અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આ અભૂતપૂર્વ કાર્યક્રમને સહુ કોઇ ઘરે બેઠાં માણી શકે તેવું આયોજન કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter