પ્રવાસીએ ગળામાં વીંટાળેલા સાપનો ફેસ માસ્ક તરીકે ઉપયોગ કર્યો!

Wednesday 23rd September 2020 03:16 EDT
 
 

માન્ચેસ્ટરઃ સોમવાર,૧૪ સપ્ટેમ્બરે સ્વિન્ટોન ટાઉનથી માન્ચેસ્ટર જઈ રહેલી બસમાં એક પ્રવાસીને નિહાળી અન્ય પેસેન્જર્સ ભયમિશ્રિત અચંબામાં પડી ગયા હતા. આ વ્યક્તિએ પોતાના ગળાની આસપાસ સાપ વીંટાળેલો હતો અને તેનો ઉપયોગ ફેસ માસ્ક તરીકે પણ કર્યો હતો. આ ઘટનાના પરિણામે ટ્રાન્સપોર્ટ સત્તાવાળાઓએ ફેસ માસ્ક કે આવરણ કોને કહેવાય અને કોને નહિ તેની સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

માન્ચેસ્ટર ઈવનિંગ ન્યૂઝના અહેવાલ મુજબ ૪૬ વર્ષની નામ ન આપવા ઈચ્છતી એક મહિલા પેસેન્જરે આ દૃશ્યને ‘ખૂબ મનોરંજક’ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘તેણે સાપને ગળામાં વીંટાળી રાખ્યો હતો. શરુઆતમાં મને લાગ્યું કે તે વિચિત્ર ફેસ માસ્ક હશે પરંતુ, તેણે ધીરે રહીને હેન્ડ રેઈલ પર સાપને સરકવા દીધો હતો. બસમાં અન્ય પ્રવાસીઓને ખાસ તકલીફ પડી હોય તેમ લાગ્યું નહિ પરંતુ, પાછળ રહેલી અન્ય વ્યક્તિએ તેનો વિડીયો ઉતારી લીધો હતો.’

પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આરોગ્ય, વય કે અક્ષમતાના કારણ સિવાય તમામ માટે ચહેરા પર આવરણ કે ફેસ માસ્ક ફરજિયાત છે. ટ્રાન્સપોર્ટ ફોર ગ્રેટર માન્ચેસ્ટરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘સરકારનું ગાઈડન્સ સ્પષ્ટ સૂચવે છે કે તે સર્જિકલ માસ્ક હોવો જરુરી નથી. પેસેન્જર પોતાને માફક આવે અને આરામપ્રદ જણાય તેવું સ્કાર્ફ કે બન્ડાના જેવું આવરણ લગાવી શકે છે. આનું યોગ્ય અર્થઘટન થવું જોઈએ. અમે માનતા નથી કે તેમાં સાપની ત્વચા અને ખાસ કરીને તે જીવતા સાપની સાથે જોડાયેલી હોય, તેનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter