પ્રાઈમરી સ્કૂલ્સ ખોલવાના નિર્ણયને જાકારોઃ મોટા ભાગની શાળા બંધ

Friday 05th June 2020 23:38 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ મહામારીના કારણે ઈંગ્લેન્ડની પ્રાઈમરી શાળાઓ ૧૦ સપ્તાહ બંધ રહ્યા પછી ધોરણ ૧, ધોરણ ૬ અને રિસેપ્શનના હજારો બાળકો સોમવાર પહેલી જૂને શાળામાં પરત ફર્યા હતા. આમ છતાં, અરાજકતા ફેલાઈ હતી અને માર્ચમાં બંધ કરાયેલી પ્રાઈમરી શાળાઓના ૫૫૦,૦૦૦થી વધુ બાળકો ઘરમાં જ રહ્યાં હતા. આશરે ૧૫૦૦ પ્રાઈમરી સ્કૂલ્સ બાળકોને વર્ગખંડમાં મોકલવાની યોજનાને સાથ આપી રહી નથી. એસોસિયેશન ઓફ સ્કૂલ એન્ડ કોલેજ લીડર્સના જણાવ્યા અનુસાર જે સંસ્થાઓ ખુલી હતી તેમાં બાળકોની હાજરી ૪૦થી ૭૦ ટકા વચ્ચે રહી હતી. જૂન મહિનાના આરંભે બ્રિટનમાં પ્રાથમિક શાળાઓ ખોલવાની યોજના સફળ રહી નથી. મોટા ભાગના વાલીઓએ કહ્યું કે સપ્ટેમ્બર પછી જ સ્કૂલો ખૂલવી જોઈએ. કોરોનાના ફેલાવાનો ડર હોવાથી તેઓ હાલ બાળકોને ક્લાસરૂમમાં મોકલી નહિ શકે. વાલીઓનાં સંગઠનોએ કહ્યું કે ૧૫ જૂન પછી સ્થિતિને જોયા પછી જ સ્કૂલ્સ ખોલવા અંગે નિર્ણય કરવાની જરૂર હતી. આટલી ઉતાવળ સારી નથી.

વડા પ્રધાન જ્હોન્સનની યોજના ખોરંભે પડી

ઉનાળાના વેકેશન પહેલા જ તમામ પ્રાઈમરી સ્કૂલ્સના બાળકોને વર્ગમાં લાવવાની વડા પ્રધાન જ્હોન્સનની યોજના ખોરંભે પડી છે અને સમીક્ષા હેઠળ છે. તેમને ચેતવણી અપાઈ છે કે શાળાની ઈમારતો સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોના પાલન માટે પૂરતી જગ્યા ધરાવતી ન હોવાથી હાલમાં શાળાઓ ખોલવી અશક્ય છે. નેશનલ ગવર્નન્સ એસોસિયેશનના સર્વે મુજબ ચારમાંથી ત્રણ ગવર્નર માને છે કે જુલાઈ પહેલા બાળકોનું શાળામાં પાછા ફરવું શક્ય નથી. સ્કૂલ ગવર્નર્સ અને હેડટીચર્સ કહે છે કે કેટલીક પ્રાઈમરી શાળાઓ એટલી નાની છે કે કોરોના વાઈરસના જોખમ સામે સલામતીના પગલાનો તત્કાળ અમલ થઈ શકે તેમ નથી. દરમિયાન ચિલ્ડ્રન્સ કમિશનર એન લોન્ગફિલ્ડે બાળકો તેમણે ગુમાવેલો અભ્યાસ સરભર કરી શકે તે માટે સમર સ્કૂલ્સની વ્યવસ્થા વિચારવા જણાવ્યું છે.

શાળાઓ-શિક્ષકો પણ તૈયાર નથી

ઈંગ્લેન્ડની ઓછામાં ઓછી ૫૪ કાઉન્સિલોએ ટીચિંગ યુનિયન્સની તરફેણ કરી હતી. યુનિયનોએ દલીલ કરી છે કે વર્તમાન કોરોના મહામારીના સંજોગોમાં તેમના સભ્યો માટે શાળામાં પરત ફરવું સલામત નહિ ગણાય. કાઉન્સિલોએ શાળાઓને નહિ ખોલવાની સૂચના આપી છે અથવા તેનો નિર્ણય હેડટીચર્સ પર છોડી દીધો હતો. આનો અર્થ એ છે કે પ્રાઈમરી શાળાઓના ૪૦ ટકા બાળકો જ વર્ગરુમ્સમાં પાછાં ફર્યાં હતાં. આશરે ૫૫૦,૦૦૦ બાળકો ઘરમાં જ રહ્યાં હતાં. અડધોઅડધ પેરન્ટ્સે સલામતીના ભયના કારણે પોતાના બાળકોને ઘરમાં જ રાખવાનું પસંદ કર્યું હતું. ઘણી શાળાઓ બંધ રહી હતી, કેટલીક શાળાએ બાળકોને ઘેર પાછાં મેકલ્યાં હતા અને ઘણી શાળાએ સ્ટાફને ટ્રેનિંગ આપવાની શરુ કરી હતી. ઘણી શાળાએ જણાવ્યું હતું કે તેઓ સ્કૂલ ખોલવા માટે બરાબર તૈયારી કરી શક્યા નથી તો ઘણી સ્કૂલોએ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડી દીધી છે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકાય. બ્રિટનની પ્રાથમિક શાળાઓમાં આશરે ૨૦ લાખ બાળકો અભ્યાસ કરે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter