લંડનઃ બ્રિટિશ રાજગાદીના ત્રીજા ક્રમના વારસદાર અને પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનના ચાર વર્ષના પુત્ર જ્યોર્જને મારી નાંખવાની ધમકી આતંકી જુથ આઇએસ દ્વારા સોશિયલ મીડિયામાં અપાઈ હતી. સોશિયલ મીડિયામાં આઇએસના સભ્યો દ્વારા કરવામાં આવતી પોસ્ટના એક ભાગરુપે આ ધમકી મળી હતી.
જ્યોર્જે તાજેતરમાં જ કેન્સિંગ્ટન પેલેસ નજીકની થોમસ એન્ડ બેટરસી શાળામાં જવાની શરુઆત કરી છે. માધ્યમોના રિપોર્ટ્સ અનુસાર, આઇએસની લોકપ્રિય ચેનલ પર ‘શાળાની વહેલી શરૂઆત’ મથાળા હેઠળ નવી શાળા પાસે ઊભેલા જ્યોર્જનો ફોટો મૂક્યો હતો. વેબસાઇટમાં અરબી ભાષામાં લખ્યું હતું ‘જયારે ગોળીઓના સંગીત સાથે યુદ્ધ શરૂ થાય છે ત્યારે અમે કાફીરો પર તુટી પડીએ છીએ અને બદલો લઇએ છીએ’.
બ્રિટિશ ગુપ્તચર અધિકારીઓ નિયમિતપણે આઇએસની પ્રવૃત્તિઓના સંદેશાઓ પર નજર રાખે છે. શાળાને પણ જ્યોર્જની સુરક્ષાની ચિંતા હોવાથી સુરક્ષા વ્યવસ્થાને વધુ ચુસ્ત બનાવી છે. થોડા સપ્તાહો પહેલા એક મહિલાની ચોરીની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. મેટ્રોપોલીટન પોલીસે કહ્યું હતું કે ચોરીની એ ઘટના પછી સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો હતો
મેસેજીંગ સર્વિસ ટેલીગ્રામ આઇએસ માટે લોકપ્રિય સાઇટ છે કારણ કે સંદેશાઓ સાંકેતિક ભાષામાં હોય છે અને ઉપયોગ કરનારનું સરનામું છુપાયેલું હોય છે. એક અખબારે દાવો કર્યો હતો કે તેમના પત્રકારે મેસેજ અપલોડ કરનારને ઓળખી લીધો હતો જેણે યુવા બ્રિટિશ દંપતીઓને જ નિશાન બનાવ્યા હતા.


