લંડનઃ ડ્યુક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપ સામે તેમની વય અને ડ્રાઈવિંગ બંધ કરવાના નિર્ણયના પગલે ૧૭ જાન્યુઆરીના સાંન્ડ્રિઘામ અકસ્માત સંબંધે પ્રોસીક્યુશન કરવામાં નહિ આવે. અકસ્માતમાં બે મહિલાને ઈજા પહોંચી હતી. ચીફ ક્રાઉન પ્રોસીક્યુટરે જણાવ્યું છે કે પ્રિન્સ સામે ચાર્જ લગાવવો જાહેર હિતમાં નહિ હોય. ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં ઉગરી ગયેલા ૯૭ વર્ષીય પ્રિન્સ ફિલિપે સ્વૈચ્છિકપણે ડ્રાઈવિંગ લાઈસન્સ પરત કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, અકસ્માતના બે દિવસ પછી જ તેમણે ડ્રાઈવિંગ કરતા ભારે ઉહાપોહ થયો હતો.
પ્રિન્સની લેન્ડ રોવર કારનો અકસ્માત સામેથી આવતી કાર કિયા સાથે થયો હતો. પ્રિન્સની આંખો સૂર્યપ્રકાશથી અંજાઈ ગઈ હોવાનું કહેવાય છે. ૨૮ વર્ષની કારચાલક એલી ટાઉનસેન્ડને નજીવી ઈજા થઈ હતી જ્યારે ૪૬ વર્ષીય પ્રવાસી મહિલા એમા ફેરવેધરનાં કાંડાને ફ્રેક્ચર થયું હતું. મિસ ટાઉનસેન્ડના નવ મહિનાના બાળકનો ઈજા વિના બચાવ થયો હતો. બકિંગહામ પેલેસના નિવેદનમાં જણાવાયું હતું કે ડ્યૂક ચાર્જ નહિ લગાવવાના ચીફ ક્રાઉન પ્રોસીક્યુટરના નિર્ણયનું સન્માન કરે છે.
પ્રિન્સ ફિલિપે સ્વૈચ્છિકપણે ડ્રાઈવિંગ લાઈસન્સ પરત કરવા છતાં તેઓ અસંખ્ય રોયલ એસ્ટેટ્સ અને ખાનગી જમીનો પર ડ્રાઈવિંગ કરી શકશે.
ટેલિવિઝન અને મીડીયામાં પોતાનું દુઃખ વર્ણવનારાં મિસ ફેરવેધરે જણાવ્યું હતું કે પ્રિન્સ વાહન નહિ હંકારે તેથી જાહેર માર્ગો સલામત રહેશે.
બ્રિટનમાં કઈ વય સુધી ડ્રાઈવિંગ કરી શકાય?
પ્રિન્સ ફિલિપે કરેલા અકસ્માત પછી તેમણે ડ્રાઈવિંગ કરવું જોઈએ કે નહિ તેની ભારે ચર્ચા શરૂ થઈ હતી. ખરેખર તો બ્રિટનમાં કેટલી વય સુધી વાહન હંકારી શકાય તેની કોઈ કાનૂની મર્યાદા નથી પરંતુ, વાહનચાલકોએ તેઓ ૭૦ વર્ષના થાય તેના ૯૦ દિવસ અગાઉ તેમના લાઈસન્સ રીન્યૂ કરાવવાના રહે છે. આ પછી. દર ત્રણ વર્ષે લાઈસન્સ રીન્યૂ કરાવવું પડે છે. જો તેમની લઘુતમ દૃષ્ટિક્ષમતા ધોરણ યોગ્ય જણાય તો જ લાયસન્સ રીન્યૂ થાય છે. DVLAના આંકડા અનુસાર ૯૦ વર્ષની વય પછી પણ ૧૦૦૨૮૧ લોકો પાસે કાયદેસર લાયસન્સ છે. જોકે, ૧૦૦ વર્ષથી વધુ વય હોય અને કાયદેસર લાયસન્સ હોય તેવા લોકોની સંખ્યા માત્ર ૨૪૮ છે.


