લંડનઃ પ્રિન્સ ફિલિપે ૧૭ જાન્યુઆરીએ થયેલા કાર અકસ્માત સંદર્ભે ઈજાગ્રસ્તોને પત્ર લખી પોતાની ભૂલ અંગે માફી માગી છે. ૯૭ વર્ષીય પ્રિન્સ લેન્ડ રોવર ચલાવી રહ્યા હતા ત્યારે સામેથી આવતી કિઆ કાર સાથે અથડામણ થઈ હતી. કિઆ કારમાં બે મહિલા અને અને નવ મહિનાનું નાનું બાળક હતાં. અકસ્માતમાં પ્રવાસી એમા ફેરવેધરનું કાંડુ તૂટવાની ઈજા થઈ હતી.
અકસ્માતની કાનૂની કાર્યવાહી સંબંધે અચોક્કસતા હોવાં છતાં પ્રિન્સ ફિલિપે પ્રવાસી એમા ફેરવેધરની માફી માગતો અંગત પત્ર લખ્યો છે અને તેમાં જણાવ્યું હતું કે સૂર્યપ્રકાશથી તેમની આંખો અંજાઈ ગઈ હતી. અકસ્માત બદલ તેઓ ઘણા દિલગીર છે. ડ્યૂક ઓફ એડિનબરાએ જણાવ્યું હતું કે તેઓ આ માર્ગે ઘણી વાર પસાર થઈ ચૂક્યા છે અને સામાન્ય સંજોગોમાં સામેનો ટ્રાફિક જોવામાં કોઈ મુશ્કેલી નડી ન હોત.
મિસ ફેરવેધરે જણાવ્યું હતું કે ડ્યૂક અકસ્માત માટે જવાબદાર હોય તો તેમની સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. અગાઉ, પોલીસે જણાવ્યું હતું કે તેઓ કાર અકસ્માતની તપાસ એકાદ સપ્તાહમાં પૂર્ણ કરી લેશે.


