પ્રિન્સ હેરી અને મેગનનો નેટફ્લિક્સ સાથે $૧૫૦ મિલિયનનો કોન્ટ્રાક્ટ

Wednesday 09th September 2020 01:39 EDT
 
 

લોસ એન્જલસ, લંડનઃ બ્રિટિશ રાજઘરાનાના સીનિયર સભ્યો તરીકેની કામગીરી છોડી અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે નેટફ્લિક્સ સાથે ૧૫૦ મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ કર્યો હોવાનું બહાર આવ્યું છે. કરાર મુજબ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ ‘આશાપ્રેરક’ અને ‘ પ્રેરણાદાયી પારિવારિક વિષયો’ પૂરા પાડશે તેમ કહેવાય છે. હેરી અને મેગને નામ જાહેર કરાયું નથી તેવી પ્રોડક્શન કંપની સ્થાપી છે. નેટફ્લિક્સ દ્વારા સસેક્સ દંપતીને ડોક્યુમેન્ટરીઝ, ડોક્યુ-સીરિઝ, ફીચર ફિલ્મ્સ, સ્ક્રીપ્ટેડ શો અને બાળકોના કાર્યક્રમો બનાવવા માટે નાણા ચૂકવાશે.

સસેક્સ દંપતી યુએસના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાના માર્ગે આગળ વધી રહ્યા છે. તેમણે નાણાકીય સ્વતંત્રતાની ઝંખના સાથે માર્ચ મહિનામાં યુકેમાં શાહી ફરજો છોડી યુએસ-હોલિવૂડને કાયમી ઘર બનાવવાનો નિર્ણય કર્યો છે અને તાજેતરમાં જ સાન્ટા બાર્બરા ખાતે ૧૪ મિલિયન ડોલરની કિંમતે ભવ્ય મેન્શન પણ ખરીદ્યું છે. હેરી અને મેગને પોતાની પ્રોડક્શન કંપની વતી એન્ટરટેઈનમેન્ટ કંપની નેટફ્લિક્સ સાથે આશરે ૧૫૦ મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ કર્યો છે, જે અનુસાર તેઓ નેટફ્લિક્સના ૧૯૦ મિલિયનથી વધુ સબ્સ્ક્રાઈબર્સ માટે ‘આશા અને પ્રેરણા’ સાથેની ડોક્યુમેન્ટરીઝ, ડોક્યુ-સીરિઝ, ફીચર ફિલ્મ્સ, સ્ક્રીપ્ટેડ શો અને બાળકોના કાર્યક્રમો બનાવી આપશે.

સસેક્સ દંપતીએ નિવેદનમાં જણાવ્યું છે કે,‘અમારું ફોક્સ માહિતી આપવાની સાથે જ આશા જગાવે તેવા વિષયોના સર્જન પર રહેશે. નવા બનેલા પેરન્ટ તરીકે પ્રેરણાદાયક પારિવારિક પ્રોગ્રામ્સ બનાવવા તે પણ અમારા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે.’ તેમણે કહ્યું હતું કે નેટફ્લિક્સની અભૂતપૂર્વ પહોંચ અમને કામગીરીને ઉત્તેજન આપે તેવી અસરકારક કન્ટેન્ટને સહભાગી બનાવવામાં મદદરુપ બનશે.

હેરી અને મેગન ડોક્યુમેન્ટરી કાર્યક્રમો માટે કેમેરાની સમક્ષ આવશે પરંતુ, ‘Suits’ની પૂર્વ અભિનેત્રી મેગને સ્પષ્ટ કર્યું છે કે તેની યોજના અભિનયક્ષેત્રે પાછાં ફરવાની નથી. મેગને મેગ્ઝિટ પછી શો બિઝનેસમાં ડિઝની પ્લસ ડોક્યુમેન્ટરી એલિફન્ટમાં નેરેટર-સૂત્રધારની ભૂમિકા ભજવી હતી. આ પ્રોજેક્ટ માટે તેની સંપૂર્ણ ફી વાઈલ્ડ લાઈફના સંરક્ષણ અને હાથીઓને શિકારથી બચાવવા સમર્પિત ચેરિટી ‘એલિફન્ટ્સ વિધાઉટ બોર્ડર્સ’ને મળી હતી. આ પછી, હેરીએ પણ નેટફ્લિક્સની ‘રાઈઝિંગ ફોનિક્સ’ તરીકે જાણીતી પેરાલિમ્પિક ગેમ્સ ડોક્યુમેન્ટરીમાં પોતાનો અવાજ આપ્યો હતો. સસેક્સ દંપતીએ મીઆમી ખાતે જેપી મોર્ગન સમિટમાં બોલવા માટે ૧ મિલિયન ડોલર મેળવ્યા હોવાનું પણ કહેવાય છે. મોટી સેલેબ્રિટીઝ જાહેર વક્તવ્યો માટે આશરે ૨૦૦,૦૦૦થી ૩૦૦,૦૦૦ ડોલરની ફી વસૂલ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter