કેલિફોર્નિયા, લંડનઃ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ- પ્રિન્સ હેરી અને મેગન મર્કલે ૧૪.૬૫ મિલિયન ડોલરની કિંમતે યુએસના કેલિફોર્નિયાની સાન્ટા બાર્બરા એસ્ટેટના મોન્ટેસિટોમાં વિશાળ ઘર ખરીદી લીધું છે. આ ૧૮,૦૦૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા ઘરમાં નવ બેડરુમ્સ અને ૧૬ બાથરુમ્સ છે. ઘરમાં લાઈબ્રેરી, આર્કેડ, વાઈન સેલર, ગેમ રુમ, ટેનિસ કોર્ટ્સ, ટી હાઉસ અને જીમ સહિતની સુવિધા હોવા ઉપરાંત, તેમને વિન્ફ્રે ઓપ્રાહ અને એલન ડીજેનરસ સહિતની એ-લિસ્ટેડ સેલેબ્રિટિઝનો પડોશ પણ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હેરી અને મેગને પ્રિન્સ ઓફ વેલ્સની મદદથી આ ઘર ખરીદ્યું છે.
એમ કહેવાય છે કે સસેક્સ દંપતીએ ૧૪,૬૫૦,૦૦૦ ડોલરની કિંમત ચૂકવી સાન્ટા બાર્બરા એસ્ટેટમાં ૫.૪ એકર જમીનમાં ૧૮,૦૦૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ ઘરને ૧૮ જૂને જ ખરીદી લીધું હતું અને અત્યારે ત્યાં જ રહે છે. મોન્ટેસિટોના નવા મેઈન હાઉસમાં લાઈબ્રેરી, ઓફિસ, થીએટર, વાઈન સેલર, જીમ, અલગ ડ્રાય અને વેટ સૌના સાથેનું સ્પા, આર્કેડ, ગેમ રુમ અને પાંચ કાર માટેના ગેરેજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હરિયાળી લોન્સ સાથે સદી જૂના ઓલિવ વૃક્ષો, ઊંચા ઈટાલિયન સાયપ્રેસ વૃક્ષો, ખીલેલાં લેવેન્ડર્સ અને રોઝ ગાર્ડન્સ, ટેનિસ કોર્ટ્સ, ટી હાઉસ, ચિલ્ડ્રન્સ કોટેજ તેમજ એક વર્ષના આર્ચીના નેની તરીકે જવાબદારી સંભાળતી મેગનની માતા ડોરિઆ માટે પરફેક્ટ બની રહે તેવું બે બેડ-બે બાથનું ગેસ્ટ હાઉસ પણ સામેલ છે. અગાઉ, તેઓ મિત્ર ટાયલર પેરીના ૧૮ મિલિયન ડોલરના લોસ એન્જલસ મેન્શનમાં રહેતા હતા.
પ્રિન્સ હેરી અને મેગનની આ પ્રોપર્ટી મોન્ટેસિટોની લક્ઝરી અને એકાંત એસ્ટેટમાં ખાનગી માર્ગ સાથેની છે. અહીના લગભગ દરેક ઘરની કિંમત મલ્ટિ-મિલિયન ડોલરની છે. આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર હેરી અને મેગને પ્રિન્સ ઓફ વેલ્સની મદદથી આ ઘર ખરીદ્યું છે. પ્રિન્સ ચાર્લ્સ તેમના પુત્રોને ખૂબ પ્રેમ કરે છે અને તેમને મદદ કરવા હંમેશા તત્પર રહે છે. પ્રિન્સ ચાર્લ્સે પોતાના અંગત ફંડમાંથી આ મદદ કરી હોવાનું મનાય છે. જોકે, ક્લેરેન્સ હાઉસે આ બાબતે કોઈ ટીપ્પણી કરવાનું નકાર્યું છે. પ્રિન્સ હેરી અને મેગનની સંયુક્ત સંપત્તિ આશરે ૪૩ મિલિયન ડોલરની હોવાનું કહેવાય છે.
મોન્ટેસિટોનું આ મેન્શન ૨૦૦૩માં બંધાયું હતું અને છેલ્લે ૨૦૦૯માં ૨૫ મિલિયન ડોલરની કિંમતે વેચાયું હતું. છ વર્ષ પછી તેને સોધેબીમાં ૩૪.૫ મિલિયન ડોલર માટે વેચાણમાં મૂકાયું હતું પરંતુ, કોઈ ખરીદાર મળ્યા ન હતા. આ જાન્યુઆરીમાં તેને ફરી ૧૬,૯૭૫,૦૦૦ ડોલરની કિંમત સાથે વેચાણયાદીમાં મૂકાયું હતું અને સસેક્સ દંપતીએ કિંમત કરતાં ૨,૩૨૫,૦૦૦ ડોલરની ઓછી ચૂકવણી સાથે તેને ખરીદી લીધું છે. આમ મૂળ કિંમત જંગી હોવાં છતાં સસેક્સ દંપતીને તે ઘર સસ્તાંમાં પડ્યું હોવાનું કહી શકાય.


