લંડનઃ યુકેમાં ચેરિટીઝની સેવા કરવા બદલ MBE સન્માન પ્રાપ્ત કરનારા વ્યક્તિ તરીકે નામની જાહેરાત કરાઈ ત્યારે સંગત સેન્ટરના સ્થાપક કાન્તિભાઈ નાગડા MBE માટે તે મહાન દિવસની અમૂલ્ય પળો બની રહી હતી. સેન્ટ જેમ્સ પેલેસમાં આયોજિત સન્માન સમારોહ- Investiture ઈવેન્ટમાં રોયલ હાઈનેસ પ્રિન્સેસ એનના હસ્તે કાન્તિભાઈ નાગડાને તેમના સેવાકાર્ય માટે MBEથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લોર્ડ ચેમ્બરલેઈન, ધ લોર્ડ પાર્કર ઓફ મિન્સમીઅર, GCVO, KCB ઉપસ્થિત હતા.
સન્માન એનાયત કરવા બોલાવાયા તે અગાઉ નાગડાએ કાઉન્ટેસ ઓફ વેસેક્સના સ્ટ્રિંગ ઓરકેસ્ટ્રાના કેપ્ટન સારાહ મારીનેસ્કુ દ્વારા સંચાલિત જીવંત સંગીતનો લહાવો માણ્યો હતો. રોયલ હાઈનેસ પ્રિન્સેસ એનના હાથે ૩૫ સન્માનિતોને એવોર્ડ એનાયત કર્યા હતા અને જે વર્ગમાં તેમની નિયુક્તિ કરાઈ હતી તેને સંબંધિત ચિહ્ન પણ અર્પણ કર્યા હતા.
કાન્તિભાઈ નાગડા સાથે વાતચીત દરમિયાન પ્રિન્સેસ એન દ્વારા પ્રથમ પ્રશ્ન એ કરાયો હતો કે,‘ તમે ૧૯૭૨માં યુકે આવ્યા તે પછી કદી યુગાન્ડા ગયા છો ખરા?’
હેરોમાં સંગત સેન્ટરના સ્થાપક કાન્તિભાઈ નાગડા યુગાન્ડાના સરમુખત્યાર શાસક ઈદી અમીન દ્વારા ૨૬,૦૦૦ એશિયનોની કરાયેલી હકાલપટ્ટીના પગલે ૧૯૭૨માં યુકેમાં સ્થાયી થવા આવી પહોંચ્યા હતા. ક્વીનના ૨૦૨૦ના ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં નાગડાને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોવિડ ૧૯ મહામારીના કારણે સન્માન એનાયત કરવાની વિધિ ગત સપ્તાહ સુધી મુલતવી રખાઈ હતી.
યુકેમાં ગણનાપાત્ર સખાવતી કાર્યો સાથે સંકળાયેલા કાન્તિભાઈ નાગડાએ જણાવ્યું હતું કે,‘હું શરુઆતમાં ૧૯૭૨માં અહીં આવ્યો ત્યારથી આ દેશમાં સ્થળાંતર કરીને આવેલા મારા જેવા વસાહતીઓની મદદ કરવા પર મારું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જોકે, આ પછી કોમ્યુનિટીમાં તમામ લોકોની મદદ કરવાનું કાર્ય હાથ ધર્યું છે. આ ઈવેન્ટ વિશે બોલતા તેમણે જણાવ્યું હતું કે,‘ રોયલ્સ-શાહી સભ્યો દ્વારા જે પ્રકારે બેકગ્રાઉન્ડ માહિતી યાદ રાખવામાં આવે છે તેનાથી મને ભારે આશ્ચર્ય થયું અને મને તે બાબતનો વિશ્વાસ જ થતો ન હતો.’ તેમણે ઉમેર્યું હતું કે,‘આ કાર્યક્રમ ખરે જ આનંદ અને ગૌરવનો હતો જેને હંમેશાં માટે યાદ રાખી શકાય.’